સોડાના સીસકારાઃ સ્કોટલેન્ડના ફાર્માસિસ્ટથી જાપાનની રામુન સુધી..

ભારતના નાના શહેરોના કેટલાક વિસ્તારોમાં અને અનેક ગામડાઓમાં હજુ પણ લખોટીવાળી સોડાનું ચલણ છે. યાદ છે એ અત્યંત જાડા કાચની અંદરના ભાગે ઉપર ખાંચવાળી બોટલમાં કેદ સોડા, લેમન, ઓરેન્જ, વીમટો જેવા પીણાઓ? અને એ જાડા કાચની બોટલની ટોચે પહેરો ભરતી કાચની એક લખોટી! આ લખોટી તે બોટલમાં કેદ પીણાને બહાર નીકળી જવા ન દે અને તેના ગેસ્ટ્રીક પાવરને જાળવી રાખે! જાે કે બહુ ઓછાં લોકો એ વાત જાણે છે કે આપણે જેને દેશી સોડા માનીએ છીએ તેના મૂળ વિદેશી છે.

હા! લખોટીવાળી આ સોડા ઇંગ્લેન્ડથી જાપાનની સફર ખેડ્યાં પછી ભારતમાં આવી છે. જેમાંથી ઇંગ્લેન્ડ અને ભારતમાં આ સોડાનું ખાસ ચલણ રહ્યું નથી પણ જાપાનમાં ૨૦૨૪ની આજની તારીખે પણ આ સોડા એટલી જ લોકપ્રિય છે. જાપાનીઝ લોકો આ સોડા બોટલ અને તેમાં આવતી સાદી સોડા માટે હજુ આજે પણ પાગલ છે. આ સોડા જાપાનની જૂની અને નવી પેઢીને એક સૂત્રે બાંધતો સેતુ છે. જાપાનીઝ લોકો એટલી વેરાઈટીમાં અને એટલી જ ડિઝાઇનમાં આ પ્રકારની સોડા બોટલ બનાવે છે કે તેનું એક આખું મ્યુઝિયમ બનાવી શકાય! જાપાનમાં આ સોડાને બહુ પ્રેમ અને આદરથી “રામુન” સોડા તરીકે સંબોધવામાં આવે છે. જાપાનના વૃદ્ધો માટે આ રામૂન સોડા વીતેલા યુગની મધુર સ્મૃતિઓ જગાડે છે. રામુનને જાપાનના રાષ્ટ્રીય પીણા તરીકે પણ વર્ણવવામાં આવે છે. તેના ગોળાકાર વળાંકો, અસંખ્ય સ્વાદો અને ચિત્તાકર્ષક આર્ટવર્ક સાથેની મોહક બોટલ- આ બધું સૌંદર્યલક્ષી જાપાનીઝ કવાઈ સંસ્કૃતિ સાથે બંધબેસે છે.

પરંતુ આ સોડાની ઉત્પત્તિ ક્યાં થઈ? રામુનની શોધ કોણે કરી?કહેવાય છે કે સ્કોટિશ ફાર્માસિસ્ટ એલેક્ઝાન્ડર કેમેરોન સિમ(૧૮૪૦-૧૯૦૦) એ ૧૮૮૪માં આજે રામુન તરીકે ઓળખાતી આ સોડાની શોધ કરી હતી. તેઓ લંડનની હોસ્પિટલમાં ફાર્માસિસ્ટ તરીકે કામ કર્યા પછી ઇંગ્લેન્ડની રોયલ નેવીમાં જાેડાયા હતાં અને ૧૮૬૯માં જાપાનના નાગાસાકી ખાતે તેમનું પોસ્ટિંગ કરવામાં આવ્યું હતું.

તે સમયે જાપાનમાં સામાન્ય રીતે વિદેશી વેપાર પર પ્રતિબંધ હતો, પરંતુ નાગાસાકી એક માત્ર બંદર હતું જે ત્યારે પણ આંતરરાષ્ટ્રીય સ્તરે વેપાર કરતું હતું. ૧૮૭૦માં દવા અને તબીબી સાધનોની આયાત કરવાનો પોતાનો વ્યવસાય શરૂ કરતા પહેલા, આ મી. એલેક્ઝાન્ડર સીમ આયાતના વ્યવસાય માટે કામ કરવા કોબે ગયાં. ૧૮૮૪માં તેમણે કોલેરાને રોકવા માટે એક ગળ્યું કાર્બોનેટેડ પીણું બનાવ્યું. રેમુન બોટલને સપાટ બનાવવાની બદલે તેણે માર્બલ સીલવાળી કોડ-નેક બોટલનો ઉપયોગ કર્યો. આ બોટલની શોધ અંગ્રેજ હીરામ કોડ(૧૮૩૮ – ૧૮૮૭) દ્વારા કરવામાં આવી હતી. “મૈનીચી” અખબારમાં કોલેરાના નિવારક તરીકે બોટલ્ડ રેમુનની જાહેરાત કરવામાં આવતી હતી અને ટૂંક સમયમાં તેની ભારે માંગ ઊભી થઈ હતી. આમ, ગોળીવાળી સોડાનું જાપાનમાં છેલ્લાં ૧૭૫ વર્ષથી ચલણ છે અને ત્યાં તે આજે પણ એટલી જ લોકપ્રિય છે!

રામુન સ્પષ્ટપણે જાપાની છે, પરંતુ તે સ્કોટ્‌સમેનની સર્જનાત્મકતા અને અંગ્રેજી શોધકની મૌલિક બોટલ ડિઝાઇનમાંથી ઉદ્દભવી છે. સિમે ઔષધીય હેતુઓ માટે કાર્બોનેટેડ પીણું બનાવ્યું હતું, આ પીણું લીંબુ આધારિત હતું. જાપાનીઝ ભાષામાં લીંબુ માટે જે શબ્દ છે તેનો ઉચ્ચાર રામુન જેવો થાય છે. આમ મૂળભૂત રીતે લીંબુ સોડા જેવું આ પીણાંનું નામ રામૂન સોડા પડ્યું. એલેકઝાન્ડર સીમે કોલેરા નિવારક દવા તરીકે કોબેમાં આંતરરાષ્ટ્રીય સમુદાયને પણ આ પીણું વેચ્યું હતું. એવું મનાય છે કે યુરોપ, ઇંગ્લેન્ડ અને જાપાનમાં લીંબુ સોડાની શરૂઆત અહીંથી થઈ હતી. અને આજે તેઓએ અનેક ફ્લેવર્સ પણ વિકસાવી છે. આગળ કહ્યું તેમ રામુન મૂળભૂત રીતે લીંબુ સોડાનું નામ છે. જાપાનમાં તેનો મૂળ સ્વાદ આજ સુધી જાળવી રાખવામાં આવ્યો છે, જાપાનીઝ લોકો આ લીંબુ સોડામાં થોડો ચૂનો પણ નાખે છે. આ મૂળ સ્વાદ હજુ પણ ખૂબ જ લોકપ્રિય છે, પરંતુ હવે તેમાં યૂઝુ અને લીચી રેમ્યુન જેવા તરસ છીપાવનારા ફ્રુટી ફ્લેવરની વિશાળ શ્રેણી ઉપલબ્ધ છે.

ટૂંક સમયમાં જ તે એક સ્વાદિષ્ટ, તાજગીદાયી પીણા તરીકે પ્રસ્થાપિત થઈ ગયું. આજે જાપાનમાં રામુન સોડાની ૩૫ જેટલી ફ્લેવર મળે છે. લગભગ ૧૫૦ વર્ષ કરતા વધુ સમયથી જાપાનમાં રામુન સોડાની લોકપ્રિયતા એટલી પ્રચંડ છે કે અત્યારે મેકડોનાલ્ડને પણ જાપાનમાં આવી કોડનેક માર્બલ વાળી સોડા અને આ જ શૈલીમાં પોતાના ઠંડા પીણા મુકવાની ફરજ પડી છે.

સોડાનો ઈતિહાસ સોડા જેવો જ સ્પાર્કલિંગ છે. જગતની પ્રથમ સોડા ૧૮મી સદીની શરૂઆતમાં બનાવવામાં આવી હતી. સોડા બનાવવાનું શરૂ થયાના પ્રારંભિક તબક્કામાં તેનો સ્વાદ પર્વતોમાંથી નીકળતા ઝરણાના અસલી પ્રાકૃતિક મિનરલ વોટર જેવો ચચરાટ પેદા કરનાર હતો. સોડાના સર્જકોએ કુદરતી મિનરલ વોટરના આવા સ્વાદની નકલ કરી હતી. કારણ કે સોડાનું નિર્માણ શરૂ થયા પહેલાના સમયમાં નૈસર્ગિક મિનરલ વોટરનો ઉપયોગ કેટલાક ઉપચાર માટે કરવામાં આવતો હતો. આ પ્રાચીન વિચાર રોમનોએ હજારો વર્ષ પહેલાં રોપ્યો હતો. નૈસર્ગિક મિનરલ વોટર જેવી અનુભૂતિ પેદા કરવા સોડાના ઉત્પાદકો શરૂઆતી ગાળા દરમિયાન સાદા પાણીમાં ચૂના અને ખાદ્ય એસિડનું મિશ્રણ નાખતાં હતાં. પરંતુ મૂળ કાર્બોનેશન તકનીકો ૧૭૬૦ના દાયકામાં વિકસાવવામાં આવી હતી. ૧૭૮૯માં જેકબ શ્વેપ્પે નામની વ્યક્તિએ શ્વેપ્પ્સ નામ સાથે જીનિવામાં સેલ્ટઝર સોડાનું વેચાણ શરૂ કર્યું હતું. ૧૭૯૮માં, “સોડા વોટર” કાર્બોનેટેડ પાણી માટે વપરાતો મુખ્ય ચલણી શબ્દ બન્યો હતો.અમેરિકામાં આ સોડા છેક ૧૮૩૫માં પહોંચી હતી અને તે જ વર્ષે અમેરિકામાં સૌપ્રથમ સોડા બોટલિંગ પ્લાન્ટની શરૂઆત થઈ હતી. ત્યારથી સોડામાં નવા નવા સ્વાદ રંગ રૂપ વિકસાવવાની શરૂઆત થઈ હતી. ભારતમાં કાર્બોનેટેડ સોડાનું આગમન ૧૮૩૭માં મુંબઈથી થયું હતું.

૧૮મી સદીના અંતમાં અને ૧૯મી સદીની શરૂઆતમાં સેલ્ટઝરમાં સ્વીટનર અને ફ્લેવરિંગ્સ(જેમ કે વાઇન) ઉમેરવાનું ધીમે ધીમે લોકપ્રિય બન્યું હતું. ૧૮૬૫ સુધીમાં સોડા વોટરમાં પાઈનેપલ, બ્લેક ચેરી, ગૂસબેરી, પિઅર અને ટુટી ફ્રુટી જેવા ફળોના રસ ઉમેરવાની પરંપરા શરૂ થઈ હતી. ૧૮૮૬માં જ્યારે જે.એસ.પેમ્બર્ટને આફ્રિકન કોલા નટ અને દક્ષિણ અમેરિકન કોકેઈનનું માદક કોમ્બિનેશન તૈયાર કરી કોકાકોલા નામનું એક પીણું તૈયાર કર્યું જે આજે વિશ્વભરમાં મશહૂર છે, સદભાગ્યે રેસીપીમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ૧૮૦૦ના દાયકાના મધ્યથી અંત સુધી ડો.પીપરથી પેપ્સી સુધી, કેટલાક બીજા પ્રખ્યાત પીણાંઓ પણ બજારમાં આવતા રહ્યાં. આ વણથંભી વણઝારે ૧૮૬૧માં “પોપ” શબ્દને જન્મ આપ્યો. ખોલતી વખતે અવાજ થાય તેવી પોપ-અપ સોડાથી લઈને, ક્રાઉન સોડા અને છેક આજની પ્લાસ્ટિક બોટલ તથા કેનમાં મળતી સોડા... સુધીનો લાંબો ઇતિહાસ છે.

ખાંડના તંદુરસ્ત વિકલ્પો અને સ્વાસ્થ્યવર્ધક પદાર્થો વડે બનાવવામાં આવતી સોડાને ક્રાફ્ટ સોડા કહે છે. ભારતમાં એક વખત આવી હજુરી સોડા ખુબ જ લોકપ્રિય હતી. ભારતમાં જીરા મસાલા સોડા વિદેશની બ્રાન્ડ અને આપણા દેશની અત્યંત સફળ બ્રાન્ડને આજે ટક્કર આપી રહી છે. ભારતમાં સ્થાનિક સ્તરે બનાવવામાં અને વેચવામાં આવતી લીંબુ સોડાનું પણ બહુ મોટું માર્કેટ છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution