પોતાના પતિને અન્ય સ્ત્રીની આટલી નજીક જાેઈ સ્નેહા ઉકળી ઊઠી

ન્યોછાવર કરું ખુદને, છે એવી અનહદ ચાહત

ન પૂછ આ અહેસાસ, છે આ તો દિલની ઈબાદત!

 વર્ષોથી શુષ્ક થઈ ગયેલ સંવેદનાઓએ આજે ફરી સળવળાટ કર્યો હતો. હસવાનું જાણે ભૂલી જ ગયેલા તેના થોડા તરડાયેલ હોંઠે મલકવાની કોશિશ કરી.

બગીચામાં એક નાના બાળકને પોતાની મા સાથે રમતા જાેઈ, આંખોમાં ઉતરી આવેલ ભેજમાં ભૂતકાળની છબીઓ રેલાઈ.

"અમન તમે તમારા બિઝનેસમાંથી ફ્રી નથી થતાં. આટલું ઓછું હોય તેમ તમે વારંવાર મને મૂકી બિઝનેસ ટ્રીપમાં જતા રહો છો.”

"હું તો એ જ ઈચ્છું છું કે તું પણ આવે. એમ પણ તારા વગર હું રહી નથી શકતો પણ તું છે કે ઘરની ચિંતામાં મારી સાથે નથી આવતી.”

"અમન... ક્યારેક ક્યારેક તમારી વાતો સાંભળી એવું થાય કે સાચે લગ્નના આટલા વર્ષ બાદ તમે મને પ્રેમ કરો છો કે પછી બધું બનાવટી છે! ક્યાંક ઓફિસની પ્રેક્ટિસ તો નથી ને?” સ્નેહાએ થોડું મોં ફુલાવી અમન સામે જાેતા કહ્યું.

અમને પોતાની બેગ બાજુમાં મૂકી સ્નેહા ફરતે પોતાના હાથ વીંટાળી, તેને પોતાની બાંહોમાં ખેંચતા કહ્યું, “અમનની જીંદગીનું બીજું નામ એટલે સ્નેહા! સ્નેહાના સ્નેહથી જ અમનના શ્વાસની ડોર ચાલે છે. સ્નેહા, આજ પછી ભૂલથી પણ આવું ન બોલતી.”

અમને સ્નેહાને પોતાના પ્રેમથી લથબથ કરી દીધી. પરંતુ સ્નેહાની અંદર પેસી ગયેલો વિચાર તેનો પીછો નહોતો છોડતો. અમનના અઢળક પ્રેમ સામે પણ મનમાં ઘર કરી ગયેલ એ વાત અને શબ્દો બહાર નીકળવાનું નામ જ નહતા લેતાં.

વાસ્તવમાં અમન એક ખૂબ મોટી કંપનીનો મેનેજર હતો. ખૂબ મોટી જવાબદારી હોવાથી તે વ્યસ્ત રહેતો. અમન દેખાવે જેટલો હેન્ડસમ હતો તેટલો જ વાચાળ અને હસમુખો! કંપનીની કેટલીય યુવતીઓ તેની નજીક આવવા પ્રયાસ કરતી પણ અમનના દિલમાં તો ફક્ત સ્નેહાના સ્નેહનું ઝરણું વહેતું.

જ્યારે સ્નેહા સહેજ ભીના વાને પણ ખૂબ જ ઘાટીલી હતી એટલે જ માતાપિતાની પસંદને પોતાની પસંદ તરીકે અમને તરત જ સ્વીકારી લીધી હતી.

એક દિવસ અમનની મુલાકાત તેની કોલેજ ફ્રેન્ડ જીયા સાથે થઈ.

"જીયા વર્ષો બાદ તને આમ મારી કંપનીમાં ઇન્ટરવ્યૂ આપવા આવેલ જાેઈ વિશ્વાસ નથી આવતો.”

"અમન અહીંયા આવ્યા પહેલા તો હું પણ નહોતી જાણતી. પણ તને જાેઈ ખરેખર ખૂબ ખુશી થઈ. બસ મને નોકરીની જરૂર હોવાથી જ આવી છું.”

"જીયા મને ખુશી થશે કે તારા જેવી ટેલેન્ટેડ વ્યક્તિ મારી કંપનીમાં કામ કરશે. આજથી જ તું મારી સેક્રેટરી તરીકે કામ કરીશ.”

જીયા પણ અમનની જેમ બિન્દાસ્ત અને વાચાળ હતી. કોલેજમાં પણ બંનેની દોસ્તી ખૂબ જામતી.

 વર્ષો બાદ બંને મળ્યા હોવાથી સાથે બેસી ખૂબ વાતો કરતાં. વળી જીયા અમનની સેક્રેટરી હોવાથી બિઝનેસ ટ્રીપમાં પણ સાથે જવાનું થતું.

જીયા અને અમનની નજદીકી આખી ઓફિસમાં ગોસીપ બની ફરવા લાગી. પણ તે બંને એટલા બિન્દાસ્ત હતા કે તેમને કોઈ શું કહે તેનાથી ફર્ક પડતો ન હતો.

આજે પણ અમન અને જીયા બંનેને સાથે જ બિઝનેસના કામથી જવાનું હતું. એટલે જ સ્નેહાને બે દિવસ પહેલાની વાત યાદ આવી ગઈ.

અમનની ઑફિસનો ફ્રેન્ડ વિવેક એક દિવસ અમનની ગેરહાજરીમાં ઘરે આવ્યો. વાસ્તવમાં વિવેક અમનની ઈર્ષા કરતો હતો. તે અમનની જગ્યા લેવાની ફિરાકમાં હતો.

"ભાભી, તમે અમન સાથે ન જઈ તમારું જ નુકશાન કરો છો?”

"મતલબ?”

"એ જ કે અમન તમને ઘરમાં પૂરી જીયા સાથે મોજ કરવા જાય છે.”

તેણે અમન અને જીયા બંનેના ઓફિસના ફોટો બતાવ્યાં. જેમાં બંને ઘણા નજીક હતાં.

 પોતાના પતિને અન્ય કોઈ સ્ત્રીની આટલી નજીક જાેઈ સ્નેહા ઉકળી ઊઠી. વિવેકના શબ્દોએ સ્નેહાના મનમાં ઝેર ભરી દીધું. હવે તે વાતવાતમાં અમન પર શક કરતી હતી. અમન તેને ખૂબ પ્રેમથી સમજાવતા કહેતો,“ જીયા મારી ખાસ દોસ્ત છે. એથી વિશેષ કશું જ નથી. એવું જ હોત તો હું કોલેજમાં જ તેને પસંદ કરી લેતો. તેને નોકરી પણ તેના ટેલેન્ટના કારણે મળી છે.”

સ્નેહા પહેલેથી અમન સામે ખુદના દેખાવ અંગે લઘુતાગ્રંથિથી પીડાતી. પોતાના આ સ્વભાવને કારણે પાંચ વર્ષના દીકરા પર પણ સરખું ધ્યાન નહોતી આપી શકતી.

એક દિવસ સ્નેહા કંઈક કામથી બહાર ગઈ હતી તે આવી ત્યારે ઘરનો દરવાજાે ખુલ્લો હતો. તેણે અંદર આવી જાેયું તો તેના પગ તળેથી જમીન ખસી ગઈ.

જીયા, અમનની બાંહોમાં હતી. બંનેની નજરો એકબીજામાં હતી.

થોડીવાર તો સ્નેહા આ બધું જાેઈ સુન્ન થઈ ગઈ. તેના શકની શૂળી સત્યનું આવરણ ઓઢતી દેખાઈ. શક અને ગુસ્સો સ્નેહાના કદમોને હંમેશ માટે અમનથી દુર લઈ ગયો. એજ ક્ષણે તે પોતાનું ઘર છોડી ચાલી નીકળી.

 આજે બગીચામાં એક નાનકડા બાળકને જાેઈ સ્નેહાને પોતાનો છોકરો યાદ આવી ગયો. જેની સામે આટલા વર્ષમાં તેણે એકવાર પણ જાેયું નહતું.

હવે તો અમન પણ તેને શોધીને થાકી ગયો હતો. આજે પાંચ વર્ષથી હ્રદયમાં દફન કરેલ મમતાની હેલી ઉભરાઈ હતી. તેનું રોમરોમ પોતાના વ્હાલસોયાને ગળે લગાવવા તડપી ઉઠ્‌યું. માની મમતા સામે નારાજગીએ ઘૂંટણિયા ટેકવી દીધાં.

સ્નેહા ઘરે પહોંચી ત્યારે સામેનું દ્ર્‌શ્ય જાેઈ ફરી તે આશ્ચર્યમાં પડી ગઈ.

"જીયા, ક્યાં સુધી તું અમારી ખાતર બલિદાન આપ્યાં કરીશ? ક્યાં સુધી દુનિયાના મ્હેણાં સાંભળ્યા કરીશ? કોઈ આપણી નિર્દોષ દોસ્તી નહીં સમજી શકે. આટલા વર્ષમાં હું સમજી ગયો છું કે સ્નેહાએ શા માટે ઘર છોડ્યું. પ્લીઝ, તું જા અહીંથી. આટલા વર્ષથી મારો દીકરાની દેખરેખ રાખવા પાછળ ખુદને બદનામ કરી રહી છો. મારો દીકરો આજે જીવે છે તો તારા કારણે. એ દિવસે પણ મારો દીકરો ટાંકીમાં પડતા બચી ગયો. તેને બચાવતા તારો પગ લપસ્યો અને મે તને પકડી. જે પત્ની કે મા ન સમજી શકી તે બધી ભાવનાઓ તે સમજી અને નિભાવી.”

હવે સ્નેહા બધું સમજી ચૂકી હતી. તે તરત દોડીને અંદર આવતા બોલી, “ જીયા, અમન મારા જેવી શકીલી સ્ત્રીઓ સત્યને જાણ્યા સમજ્યા વગર પોતાનું જીવન પોતાના હાથે બરબાદ કરે છે. મને માફ કરી દો. એક નિઃસ્વાર્થ સંબંધને હું સમજી ન શકી. તે મારા દીકરાને બચાવ્યો અને હું ખુદ મા થઈ તેને મમતાથી વંચિત રાખ્યો.”

અમન તો સ્નેહાને પોતાની સામે જાેઈ હર્ષ ઘેલો થઈ ગયો. કોઈ શિકાયતને અવકાશ ન હોય તેમ તે દોડીને સ્નેહાને બાઝી પડ્યો.

તેમને જાેઈ જીયાના મનનો બોજ પણ ઉતરી ગયો. તે જતા જતા બોલી, “સ્નેહા આ ઘર, અમન, બધું જ તારું જ હતું અને તારું જ રહેશે. બસ આ દુનિયાને એક જ સવાલ છે..શું એક સ્ત્રી પુરુષ સારા દોસ્ત ન હોઈ શકે?”

તે તો જતી રહી પણ મન ચિત્કારી ઉઠ્‌યું, “અમન, વર્ષોથી તું જ આ દિલનો ધબકાર છે. કદી મારી મજબૂરી તો કદી તારી ખુશીમાં જીવનના આખરી શ્વાસ સુધી મારા મૌનમાં આ પ્રેમ ધબકતો રહેશે! ભીની આંખોએ ફરી એકવાર તેણે પોતાની સંવેદનાને સંકેલી લીધી!”

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution