ડોડા હુમલામાં સામેલ ત્રણ આતંકીઓના સ્કેચ જારી


જમ્મુ:જમ્મુ-કાશ્મીર પોલીસે આજે ડોડા જિલ્લામાં સક્રિય ત્રણ આતંકવાદીઓના સ્કેચ જારી કર્યા છે અને તેમની ધરપકડ માટે સૂચના આપવા પર ૫ લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું છે. પોલીસે એક નિવેદનમાં કહ્યું કે, ત્રણ આતંકવાદીઓના સ્કેચ જારી કરવામાં આવ્યા છે જે ડોડા અને દેસા વિસ્તારના ઉપરના વિસ્તારમાં ફરી રહ્યા છે. પોલીસે કહ્યું કે, ત્રણેય આતંકવાદીઓ દેસાના ઉરાર બાગી વિસ્તારમાં તાજેતરમાં થયેલી આતંકી ઘટનાઓમાં સામેલ હતા અને તેમની ધરપકડ કરવા સૂચના આપવા પર ૫ લાખ રૂપિયાનું રોકડ ઈનામ જાહેર કરવામાં આવ્યું છે.

ડોડા હુમલામાં કેપ્ટન સહિત ચાર જવાન શહીદ થયા હતા. જમ્મુ ક્ષેત્રમાં સ્થિત ડોડામાં તાજેતરના મહિનાઓમાં અનેક આતંકવાદી ઘટનાઓ બની છે. સુરક્ષા એજન્સીઓ આ ઘટનાઓને પહાડી જિલ્લામાં આતંકવાદને પુનઃજીવિત કરવાના પાકિસ્તાન સ્થિત આતંકના આકાઓના પ્રયાસ તરીકે જાેઈ રહી છે. આતંકવાદીઓના સ્કેચ જારી કરતાં પોલીસ પ્રવક્તાએ કહ્યું કે ત્રણેય જિલ્લાના ઉપરના વિસ્તારોમા ખાસ કરીને દેસાના જંગલમાં ફરી રહ્યા છે જ્યાં ૧૬ જુલાઈના રોજ આતંકવાદ વિરોધી ઓપરેશન દરમિયાન થયેલા એક એન્કાઉન્ટરમાં સેનાના કેપ્ટન અને ત્રણ જવાનો શહીદ થઈ ગયા હતા.

પ્રવક્તાએ જણાવ્યું કે, જમ્મુ-કાશ્મીર પોલીસે ત્રણેય આતંકવાદીઓ પર પાંચ-પાંચ લાખ રૂપિયાના રોકડ ઈનામની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે, સ્થાનિક લોકોને આ આતંકવાદીઓ અંગે જાણકારી આપવાનો આગ્રહ કર્યો છે. પોલીસે લોકોને ખાતરી આપી છે કે, જાણકારી આપનાર લોકોની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે. પોલીસે વરિષ્ઠ અધિકારીઓ અને કંટ્રોલ રૂમના ફોન નંબર સહિત એક ડર્ઝનથી વધુ ફોન નંબર શેર કર્યા છે જેથી લોકો સંપર્ક કરી શકે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution