25, એપ્રીલ 2025
વડોદરા |
દિવાળીથી અત્યાર સુધીમાં રૂ. ૩૦૦નો ઘટાડો; હજુ પણ ભાવ ઘટી શકે
રાજ્યમાં ચાલુ વર્ષે મગફળીનું ઉત્પાદન ૫૦ લાખ ટનને પાર થવાનો અંદાજ છે. જેના કારણે સિંગતેલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. સિંગતેલના ભાવ છેલ્લા ચાર વર્ષના તળીયે પહોચ્યાં છે. એક સમયે રૂા. ૩૨૦૦થી વધુની કિંમતે વેચાતો ૧૫ કિલો સિંગતેલનો ડબ્બો આજે રૂા. ૨૩૦૦થી રૂા. ૨૩૭૦ સુધીના ભાવે વેચાઈ રહ્યો છે. સતત ત્રણ દિવસથી સિંગતેલના ભાવમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. ત્રણ દિવસમાં ૧૫ કિલોના ડબ્બાનો ભાવ રૂા. ૪૦ જેટલો ઘટયો છે. જાેકે, દિવાળીથી અત્યાર સુધીમાં સિંગતેલના ભાવમાં રૂા. ૨૫૦થી ૩૦૦નો ઘટાડો થયો છે. ભાવ ઘટાડા પાછળનું મુખ્ય કારણ મગફળીનું મબલક ઉત્પાદન તેમજ સરકારે નાફેડની મગફળી વેચવાનું મનાઇ રહ્યું છે.
ભાવ ઘટાડાનું કારણ : બજારમાં પૂરતો સ્ટોક, સિંગતેલનું એક્સપોર્ટ ઘટયું
સિંગતેલનું એક્સપોર્ટ ઘટયું હોવાથી પણ ડબ્બાના ભાવમાં ઘટાડો થયો હોવાનું મનાય છે. બજારમાં સિંગતેલનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે. અને બીજી તરફ મગફળની ઉત્પાદન પણ મબલક છે, તેમજ સરકાર દ્વારા નાફેડ હસ્તકની મગફળી પણ વેંચવામાં આવી રહી છે. ખેડૂતોએ પણ સંગ્રહ કરેલી મગફળી બજારમાં આવી ગઇ છે. જેની સીધી અસર સિંગતેલના ભાવ પણ જાેવા મળી રહી છે. છેલ્લા એક-બે વર્ષથી સિંગતેલનો હાઈએસ્ટ ભાવ રૂા. ૩૨૦૦ સુધી પહોંચ્યો હતો. જે આજે રૂા. ૨૩૦૦ થયો છે.
મગફળીના વેચાણમાં પ્રતિ મણ રૂા. ૧૦૦થી ૧૫૦નો ઘટાડો
યાર્ડના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ગત વર્ષે માર્કેટ યાર્ડમાં મગફળી પ્રતિ ૨૦ કિલોના રૂા. ૧૧૦૦થી ૧૩૫૦ મળતા હતા. જ્યારે આ વર્ષે ૫૦ લાખ ટન ઉત્પાદન થતા હાલ મગફળી રૂા. ૯૦૦થી ૧૨૩૦ના ભાવથી વેચાઈ રહી છે. એટલે કે પ્રતિ મણ રૂા. ૧૦૦થી ૧૫૦નો ઘટાડો નોંધાયો છે. જેના કારણે પણ સિંગતેલના ભાવમાં ઘટાડો નોંધાયો છે.