નવીદિલ્હી,તા.૨૯
ખાદ્યતેલના ભાવમાં ફરીથી વધારો ઝીંકાયો છે. રાજકોટમાં ખૂલતા બજારે સિંગતેલ, કપાસિયા, પામતેલના ભાવ આસમાને પહોંચી ગયા છે. ખાદ્યતેલોના ભાવમાં ૨૦ રૂપિયાથી ૪૦ રૂપિયા સુધીનો વધારો કરાયો છે. તો સિંગતેલના ભાવમાં રૂપિયા ૩૦નો વધારો કરાયો છે. રાજકોટમાં ખાદ્યતેલના ભાવ ફરી ઉંચકાયા છે. સિંગતેલ, કપાસિયા, પામ ઓઇલ, સોયાતેલના ભાવમાં રૂ.૨૦ થી ૪૦ સુધી વધારો કરાયો છે. આ ભાવવધારા અંગે વેપારીઓનું કહેવું છે કે, વરસાદની શરૂઆત થતાની સાથે જ પિલાણ બંધ થતાં તેલના ભાવમાં ભડકો થયો છે. જનતા પર સતત મોંઘવારીનો માર પડી રહ્યો છે. વર્ષની શરૂઆતથી જ ખાદ્ય ખાદ્યતેલમાં ભાવ વધારા કરાઈ રહ્યો છે. ત્યારે ૨૦૨૪ ની શરૂઆતથી પાંચમીવાર સિંગતેલના ભાવમાં વધારો થયો છે. તેલના વેપારીઓના જણાવ્યા અનુસાર, હજુ એક અઠવાડિયા સુધી સિંગતેલના ભાવમાં વધ-ઘટ થવાની શક્યતા છે. મગફળીની આવક ઘટતા સિંગતેલના ભાવ વધ્યા છે. મગફળીની જે આવક છે તે સિંગદાણામાં ખપી જતી હોવાથી પીલાણમાં નથી જતી. આ કારણે સિંગતેલ સતત મોંઘુ થતુ જઈ રહ્યું છે.
સિંગતેલના ભાવમાં ૩૫ થી ૪૦ રૂપિયાનો વધારો થયો છે. ચોમાસાના કારણે પીલાણબરની મગફળીની આવક ઓછી થઈ છે. નબળી ક્વોલિટીના તેલની ચાઇનામાં નિકાસ થઈ છે. સીંગતેલ, કપાસિયા તેલમા મેં અને જૂન મહિનામાં ૧૫૦ રુપિયાનો ઘટાડો થયો હતો. સીંગતેલના વેપારીએ કહ્યું કે, આ વર્ષે મગફળીનું પણ સૌરાષ્ટ્રમાં મોટા પ્રમાણમાં વાવેતર થયું છે. પરંતુ ગત વર્ષે ગુલાબી ઈયળ અને કપાસના ભાવ ન મળતા ખેડૂતો ફરી મગફળી તરફ વળ્યા છે. રાજકોટ, જુનાગઢ, જામનગર, ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લાઓમાં મગફળીનું વાવેતર વધ્યું છે. ગત વર્ષ કરતા આ વર્ષે મગફળીનું વાવેતર વધુ થશે.