મુંબઇ
બોલિવૂડના પ્રસિદ્ધ પ્લેબેક સિંગર ઉદિત નારાયણનો પુત્ર આદિત્ય નારાયણ લગ્નના બંધનમાં બંધાવવા જઇ રહ્યો છે. હાલમાં જ આદિત્યએ મંગેતર સાથેની પહેલી તસવીર શેર કરતાં જણાવ્યું હતું કે, તે લાંબા સમયથી અભિનેત્રી શ્વેતા અગ્રવાલને ડેટ કરી રહ્યો હતો. જે બાદ જ આદિત્યની રોકા સેરેમનીની તસવીર સામે આવી હતી. જ્યારે હવે આદિત્યના લગ્નની તારીખ જાહેર થઇ છે.
અહેવાલ પ્રમાણે, આદિત્યે કહ્યું હતું, 'અમે પહેલી ડિસેમ્બરે લગ્ન કરવાના છીએ. કોવિડ 19ને કારણે અમે માત્ર નિકટના પરિવારના સભ્યો તથા ફ્રેન્ડ્સને બોલાવીશું. મહારાષ્ટ્રમાં લગ્નમાં 50થી વધુ લોકોને બોલાવવાની પરમિશન નથી. આથી જ મંદિરમાં લગ્ન કરવામાં આવશે અને પછી નાનકડું રિસેપ્શન.'
અગાઉ 3 નવેમ્બરે આદિત્ય નારાયણે સોશિયલ મીડિયામાં પોતાના લગ્નની વાત કરતાં કહ્યું હતું કે, 'અમે લગ્ન કરવાના છીએ. હું નસીબદાર છું કે મને શ્વેતા મળી. મારી સોલમેટ, 11 વર્ષ પહેલાં અને હવે અમે ફાઈનલી ડિસેમ્બરમાં લગ્ન કરવા જઈ રહ્યાં છીએ. અમે માનીએ છીએ કે કોઈની પ્રાઈવેટ લાઈફને પ્રાઈવેટ રાખવી સૌથી સારી બાબત છે. લગ્નની તૈયારીઓ માટે સોશિયલ મીડિયામાંથી બ્રેક લઉં છું. તમને ડિસેમ્બરમાં મળીશ.'
આદિત્ય નારાયણ તથા શ્વેતા અગ્રવાલની રોકા સેરેમની આ મહિનાની શરૂઆતમાં થઈ હતી. સેરેમનીની એક તસવીર સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ હતી.