સિંગાપોર-
કોરોના વાયરસને કારણે સિંગાપોરમાં પરિસ્થિતિ વધુ વણસી રહી છે, આવી સ્થિતિમાં તેની અસર ત્યાં રહેતા ભારતીય કામદારો પર પડી રહી હોય તેવું લાગે છે. સિંગાપોરના સૌથી મોટા ભારતીય મૂળના હાઈપરમાર્કેટ-મુસ્તફા સેંટરે જણાવ્યું કે, કોરોના સંક્રમણના કારણે અમારા બિઝનેસ પર ગંભીર અસર પડી છે સાથે જ જણાવ્યું કે, જે વિદેશી કામદારોનો વર્ક પાસનો સમયગાળો સમાપ્ત થઈ ગયો છે, તે તમામને પરત મોકલી દેશે. આ કર્મચારીઓમાંથી મોટાભાગના ભારતીય નાગરિકો છે.
ઉલ્લેખનિય છે કે, સુપરમાર્કેટ અને ડિપાર્ટમેન્ટ સ્ટોરના સંયોજનવાળા મોટા સ્ટોરને 'હાઇપરમાર્કેટ' કહેવામાં આવે છે. મીડિયા રિપોટ્ર્સ અનુસાર, કંપનીએ જે કર્મચારીઓને કામ પર બોલાવ્યા નથી તેઓનું આજીવિકા ભથ્થું પણ બંધ કરી દેશે. કંપનીએ જે કર્મચારીઓને નથી રાખવાના તેઓને અન્ય રોજગાર શોધવા પણ જણાવ્યું છે.
મેનેજર ડિરેક્ટર અને સ્થાપક મુસ્તાક અહમદે 'મુસ્તફા ગ્રુપ' અને ગ્રૂપ સાથે સંકળાયેલ કંપનીઓના કર્મચારીઓને એક પત્ર લખ્યો છે, જેમાં જણાવાયું છે કે, કંપની તેના વિદેશી કર્મચારીઓના વર્ક પાસનું નવીનીકરણ કરવામાં અસમર્થ છે તેમને ઘરે પાછા જવા માટે ટિકિટના પૈસા આપશે.
કોવિડના કારણે સિંગાપોર ખરાબ પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યું છે અને વાયરસને ફેલાતો અટકાવવા માટે અહીં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું, જેનો સંપૂર્ણ બીજા ત્રિમાસિક ગાળામાં અમલ કરાયો હતો. વેપાર અને ઉદ્યોગના સ્થાયી સચિવ ગેબ્રિયલ લિમે પ્રેસમાં જણાવ્યું કે, આવનારા ક્વાર્ટરમાં કોરોના વાયરસના સંક્રમણની સ્થિતિ શું હશે તે હજી સ્પષ્ટ નથી. તે જ રીતે સ્થાનિક અને વૈશ્વિક અર્થતંત્રમાં આર્થિક સુધારા માટે શું કરવું જાેઈએ, તેમાં પણ હજુ અનિશ્ચિતતા છે. તેમણે કહ્યું કે, મે મહિના બાદ સિંગાપુરની અર્થવ્યવસ્થા અંગેનો દૃષ્ટિકોણ થોડો નબળો પડી ગયો છે.