રાજકોટ-
દેશમાં એક તરફ કોરોનાની બીજી લહેર હજુ સંપૂર્ણ રીતે પૂરી થઈ નથી. તેવામાં સતત મોંઘવારી વધી રહી છે. જ્યારે દિવસેને દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં પણ વધારો થઇ રહ્યો છે. એવામાં હવે ખાદ્યતેલના ભાવમાં પણ વધારો થતાં મોંઘવારીનો માર સહન કરતી પ્રજા પર વધુ એક બોજો આવ્યો છે. ગત અઠવાડિયે સિંગતેલ કરતાં કપાસિયાના તેલના ભાવ રૂપિયા 50થી લઈને 70 સુધીના જોવા મળ્યા હતા. જ્યારે હવે ફરી ભાવ વધારો થતાં કપાસિયા તેલના અને સિંગતેલના ભાવ સરખા દેખાઈ રહ્યા છે. હાલ 15 કિલોના ડબ્બાનો ભાવ રૂપિયા 2,500 નોંધાયો છે. તેલના ભાવમાં વધારા પાછળનું એક એવું કારણ પણ માનવામાં આવી રહ્યું છે કે, સામાન્ય દિવસ કરતા હવે તહેવારોમાં ખાદ્યતેલમાં ડિમાન્ડ વધી છે. જેને લઇને તેમાં ભાવ વધારો થયો હોવાની શક્યતાઓ જાણવા મળી રહી છે. જ્યારે અઠવાડિયે કપાસિયા તેલના ડબ્બાના ભાવ રૂપિયા 2,485 હતા અને સીંગતેલનો ડબ્બો રૂપિયા 2,490ની સપાટીની આસપાસ જોવા મળ્યો હતો. આમ કપાસિયા તેલના ભાવ સિંગતેલ કરતાં વધુ હતો જે આ અઠવાડિયે સરખા ચાલી રહ્યા છે. જ્યારે પામોલીન તેલે પણ રૂપિયા 2,000ની સપાટી કુદાવી છે.