કોરીયા-
અમેરિકી પ્રમુખ જાે બાયડનને ચતુષ્ટક (ક્વૉડ)ની બેઠક બોલાવવી જ પડી છે. તા. ૨૪ સપ્ટેમ્બરે યોજાનારી આ બેઠકમાં અમેરિકા, જાપાન, ઓસ્ટ્રેલિયા અને ભારત (જેઓ ક્વૉડના સભ્યો છે તેઓ) સાથે મળી. મુળભૂત રીતે ચીનના આ ખતરાનો સામનો કરવા વિચાર વિમર્શ કરવાના છે. તે સમયે ભારત તરફથી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સંભવતઃ વિદેશમંત્રી એસ.જયશંકર ઉપસ્થિત રહેશે તેમ નિરીક્ષકો માને છે. એસ. જયશંકર વિદેશી બાબતો અંગેના તો નિષ્ણાત છે જ પરંતુ પાકિસ્તાન અને ચીન અંગે તો તેઓ ગહન જ્ઞાાન ધરાવે છે. નિરીક્ષકો તેમ પણ જણાવે છે કે ક્વૉડ-પરિષદમાં તાલિબાનો અંગે તો ચર્ચા થશે જ પરંતુ સૌથી વધુ વજન તો ચીનની ચાલબાજી અને ઉત્તર તથા દક્ષિણ કોરિયા વચ્ચે ઉભી થયેલી લગભગ યુદ્ધ જેવી પરિસ્થિતિ વિષે સૌથી વધુ લક્ષ્ય-કેન્દ્રિત કરાશે. ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયાએ બંનેએ થોડા થોડા કલાકના અંતરે જ પોત પોતાનાં બેલાસ્ટિક મિસાઈલ્સનું બુધવારે પરીક્ષણ કર્યું છે. આ સાથે તેઓએ તેમની સેનાકીય શક્તિનું પણ પ્રદર્શન કર્યું છે. બીજી તરફ ઉત્તર કોરિયાને તેનો પરમાણુ કાર્યક્રમ પડતો મુકવા માટે કરાએલા તમામ રાજદ્વારી પ્રયત્નો નિષ્ફળ ગયા છે. દક્ષિણ કોરિયાનાં પ્રમુખના કાર્યાલયે જાહેર કર્યું છે કે તેણે બુધવારે બપોરે સમુદ્રની અંદર રહેલી ૩૦૦૦ ટન વર્ગની સબમરીનમાંથી સ્વનીર્મિત બેલાસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કર્યું છે અને તેણે પૂર્વ-નિશ્ચિત નિશાન (ટાર્ગેટ)ને તોડી પાડયું છે. આ પાછળનો મુખ્ય હેતુ, બાહ્ય ભીતિનો સામનો કરવાનો, સ્વરક્ષણ સબળ બનાવવાનો અને કોરિઅન દ્વિપકલ્પમાં શાંતિ સ્થાપવાનો છે. તેમ તેણે કહ્યું છે. આ પૂર્વે બુધવારે સવારે જ (તા. ૧૫-૯ના દિને) ઉત્તર કોરિયાએ પોતાનાં ટૂંકાં અંતરનાં બેલાસ્ટિક મિસાઈલ્સનું પરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત સોમવારે તેેણે પોતાનાં નવા ક્રૂઝ-મિસાઈલ્સનું પણ સફળ પરીક્ષણ કરી લીધું હતું. ઉ. કોરિયાએ જણાવ્યું હતું કે આજનું પરીક્ષણ તેણે છ મહિનાના ગાળા પછી હાથ ધર્યું હતું. ઉત્તર-કોરિયાએ તો અર્ધી પૃથ્વીને આવરી લે તેટલા અંતર- ૧૨,૫૦૦ માઈલ સુધી પહોંચી શકે તેવા પ્રચંડ બેલાસ્ટિક મિસાઈલ્સનું પરીક્ષણ પણ કરી લીધું છે. તે પરમાણુ બોંબ બનાવવાની નજીક પહોંચી ગયું છે. તેણે તેનાં પાલક ચીનના કહેવાથી, પાકિસ્તાનને મિસાઈલ ટેકનોલોજી આપી છે, તે સામે ચીનનાં બીજા પાલતુ રાષ્ટ્ર પાકિસ્તાને ઉ.કોરિયાને પરમાણુ ટેકનોલોજી આપી છે. તે કહેવાની જરૂર નથી કે, આ પાછળ ચીનનો જ દોરી -સંચાર છે.