પેટ્રોલ-ડીઝલ થકી સરકારને ચાંદીઃ એક્સાઇઝની આવકમાં 48 ટકાનો ઉછાળો

દિલ્હી-

કોરોના મહામારીના કારણે ભલે દરેક પ્રકારના ટેક્સ કલેક્શનમાં ઘટાડો થયો હોય, પરંતુ એક્સાઈઝ ડ્યૂટી કલેક્શનમાં ચાલું નાણાંકીય વર્ષ દરમિયાન ૪૮ ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે. જેનું મુખ્ય કારણ ડીઝલ અને પેટ્રોલ પર એક્સાઈઝ ડ્યૂટીના દરમાં રેકોર્ડ વધારો છે.

કંટ્રોલર જનરલ ઑફ એકાઉન્ટ્‌સ તરફથી પ્રાપ્ત આંકડા અનુસાર, એપ્રિલ-નવેમ્બર-2020 દરમિયાન એક્સાઈઝ ડ્યૂટીનું કલેક્શન ૨૦૧૯ના આજ સમયગાળાના 1,32,899 કરોડ રૂપિયાથી વધીને 1,96,342 કરોડ રૂપિયા થઈ ગયું છે. એક્સાઈઝ ડ્યૂટી કલેક્શનમાં આ વૃદ્ધી વર્તમાન નાણાંકીય વર્ષના 8 મહિનાની મુદ્દત દરમિયાન ડીઝલના વેચાણમાં એક કરોડ ટનથી વધુની કમી છતાં થઈ છે. ડીઝલ ભારતમાં સૌથી વધુ વપરાતું ઈંધણ છે. 

પેટ્રોલિયમ મંત્રાલયના પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસીસ સેલના આંકડા અનુસાર, એપ્રિલથી નવેમ્બર 2020 દરમિયાન ડીઝલનું વેચાણ ગત વર્ષના 5.54 કરોડ ટનથી ઘટીને 4.49 કરોડ ટન રહ્યું છે. આ દરમિયાન પેટ્રોલનો વપરાશ પણ ગત વર્ષના 2.04 કરોડ ટનથી ઘટીને 1.74 કરોડ ટન રહ્યો છે. પેટ્રોલિયમ પ્રોડક્ટસ અને નેચરલ ગેસને જીએસટીની બહાર રાખવામાં આવ્યા છે. દેશમાં જુલાઈ-2017થી જીએસટીનો અમલ શરૂ થયો છે. પેટ્રોલિયમ પ્રોડક્ટ્‌સ અને નેચરલ ગેસ પર કેન્દ્ર સરકાર એક્સાઈઝ વસૂલે છે, જ્યારે રાજ્ય સરકાર વીએટી લગાવે છે. આર્થિક મંદી છતાં એક્સાઈઝ ડ્યૂટીના કલેક્શનમાં વૃદ્ધિનું મુખ્ય કારણ પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સના રેટમાં રેકોર્ડ વૃદ્ધી હોવાનું કહેવાય છે. 

સરકારે વર્તમાન નાણાંકીય વર્ષમાં પેટ્રોલ પર બે વખત એક્સાઈઝ ડ્યૂટી ૧૩ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ પર 16 રૂપિયા પ્રતિ લીટર વધારી દીધી છે. જેના કારણે પેટ્રોલ પર એક્સાઈઝ ડ્યૂટી વધીને 32.92 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ પર 31.83 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution