રેશમી જાળાં

લેખકઃ રાજેશ વાધેલા | 

ઘરના માળિયામાં નકામી વસ્તુઓ પડી હતી. તેના પર કરોળિયાના જાળાં બાઝી ગયાં હતાં. ઘર સાફ કરતા નિશાની નજર ત્યાં રાખેલ એક પેટી પર ચોંટી ગઈ.

સાવરણીથી પેટી પરના જાળાં ખંખેરવા એણે પ્રયત્ન કર્યો. જાળાં સાવરણી પર ચોંટી ગયાં, એ જાેઈને એ ઉત્સાહમાં આવી ગઈ. આજે ફરી એ પેટી પર બાઝેલા જાળાં તોડવા માટે એ પેટી પર જાેરજાેરથી સાવરણી ફેરવવા લાગી પણ એ જાળાં તૂટવાને બદલે વધુને વધુ મજબૂત થવા લાગ્યાં અને સાવરણીને વિંટળાવા લાગ્યા. નિશાને લાગ્યું કે એ જાળા સાવરણીને પણ ભરડો લઈ લેશે કે શું!

આખરે હારી જઈને દર વખતની જેમ જ નિશાએ પેટી નીચે ઉતારી.પેટી સાવ હળવી ફૂલ હતી. પેટી પર હળવેથી હાથ ફેરવીને પેટી ખોલી. અંદર પડેલી ફાઈલ બહાર કાઢી. ફાઈલમાં રાખેલ પ્રમાણપત્રો એક પછી એક જાેવા લાગી. એમાં એણે પરણ્યા પહેલા જાેયેલાં સપનાં સુકાઈ ગયેલા દેખાયાં. એણે એને નખથી ખોતર્યા તો જાણે નખ જ ભાંગી ગયાં.

સગાઈ થઈ ત્યારે બધાં એને કહેતા, એ યાદ આવ્યું.

"નિશાને તો રાજકુમાર લેવા આવવાનો છે.પરણ્યાં પછી તો એ રાણી જ બની સમજાે!”

"હા જ તો વળી, મોટા કુટુંબમાં જવાની છે તે મહારાણીની જેમ જ રહેશે..બધાં સ્વપ્નાં એના પૂરા કરશે.”

બધાંની વાતો સાંભળીને એ પોતાને ખૂબ ભાગ્યશાળી સમજતી હતી. પોતાની પાસે ડિગ્રી હતી. એ પણ પતિના ખંભા સાથે ખંભો મેળવીને નોકરી કરશે એવું વિચાર્યું હતું.

પણ ભાગ્ય તો અત્યારે પેટીમાં બંધ થઈ ગયું હતું અને એ પેટી માળિયામાં જાણે ફેંકાઈ ગઈ હતી. એના પર જાળાં વીંટળાઈ ગઈ હતાં. જે વર્ષે-વર્ષે મજબૂત ને મજબુત થતાં જતાં હતાં. લગ્ન પછીની મહારાણી રેશમી જાળાંમાં ઊંડીને ઊંડી ફસાતી જાતી હતી.

 આખરે ફાઈલમાંથી નીકળતા રેશમી જાળાં પોતાને પણ ભરડમાં લેવા લાગ્યાં. ઝડપભેર એને ફાઇલને પેટીમાં નાખીને, પેટીને જાેરથી માળિયામાં ઘા કર્યો.

પોતાના શરીરમાં વીંટળાતા જાળાંને એ બેબાકળી બનીને હાથે હાથે તોડવાનો નિરર્થક પ્રયત્ન કર્યો, પણ જાળાં તો....

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution