નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં સંગઠિત ગોલ્ડ લોન માર્કેટમાં નોંધપાત્ર વૃદ્ધિ



 કડક નિયમોને કારણે વૃદ્ધિમાં અપેક્ષિત મંદી હોવા છતાં, ભારતનું સંગઠિત ગોલ્ડ લોન માર્કેટ આગામી પાંચ વર્ષમાં બમણું થઈને રૂ. ૧૪.૧૯ લાખ કરોડ થવાની ધારણા છે. એક રિપોર્ટમાં આ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. દેશના ગોલ્ડ લોન માર્કેટ પર જાહેર કરાયેલા આ રિપોર્ટ અનુસાર, નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં સંગઠિત ગોલ્ડ લોન માર્કેટમાં નોંધપાત્ર વૃદ્ધિ જાેવા મળી હતી અને તે ૭.૧ લાખ કરોડ રૂપિયાના મૂલ્ય પર પહોંચી ગયું હતું. આ મુજબ, પાંચ વર્ષમાં ૧૪.૮૫ ટકાના વાર્ષિક વૃદ્ધિ દરે, નાણાકીય વર્ષ ૨૦૨૮-૨૯ સુધીમાં સોના સામે લોનનું બજાર ૧૪.૧૯ લાખ કરોડ રૂપિયા સુધી પહોંચવાની સંભાવના છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય પરિવારો પાસે ૨૫,૦૦૦ ટનનો અંદાજિત સોનું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય પરિવારો પાસે હાલના સોનાનું મુલ્ય લગભગ ૧૨૬ લાખ કરોડ રૂપિયા છે. ગોલ્ડ માર્કેટ સામેની લોનમાં આગામી બે વર્ષમાં મધ્યમ વૃદ્ધિ જાેવા મળશે કારણ કે સોના સામે લોન આપનારા ધિરાણકર્તાઓને લોન ટુ વેલ્યુ જાળવણી અને હરાજીને લગતી પ્રક્રિયાઓ અંગે નિયમનકારી સત્તાવાળાઓની તપાસનો સામનો કરવો પડે છે.આ માર્કેટમાં બીજી સૌથી મોટી કંપનીના નિષ્ક્રિય થવાથી ચાલુ નાણાકીય વર્ષમાં બજારના વિકાસને અસર થશે. વધુમાં, રોકડ વિતરણ પર બિન-બેંકિંગ નાણાકીય કંપનીઓ માટે રિઝર્વ બેંકની સલાહ, જે રોકડ વિતરણની રકમને ૨૦,૦૦૦ રૂપિયા સુધી મર્યાદિત કરે છે, તે ગ્રાહકોને અસંગઠિત ક્ષેત્ર પર આધાર રાખવા દબાણ કરી શકે છે. નિયમનકારે ફિનટેક સ્ટાર્ટઅપ્સ દ્વારા ધિરાણ પ્રવૃત્તિઓ માટે મૂલ્યાંકન પ્રક્રિયા અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે. વધેલી નિયમનકારી સ્ક્રુટિની અને સુધારેલી માર્ગદર્શિકાને લીધે મોટી બિન-બેંકિંગ નાણાકીય કંપનીઓના શેરના ભાવમાં ઘટાડો થયો છે. સોના સામે લોન આપનારા ધિરાણકર્તાઓ આ સમયગાળાનો ઉપયોગ કરીને ખાતરી કરે છે કે તેઓ તમામ નિયમનકારી દિશાનિર્દેશોનું પાલન કરે છે, તેમજ તેમની મધ્ય અને પાછળની કચેરીઓને ડિજિટાઇઝેશન પહેલ દ્વારા સુવ્યવસ્થિત કરે છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution