મુંબઇ-
કોરોનાના પ્રસારને કારણે લગાવવામાં આવેલા પહેલા લૉકડાઉન દરમિયાન મુંબઇના ૨૦ ટકા વેપારીઓ આર્થિક રીતે બરબાદ થઇ ગયા હતાં. ત્યારબાદ પણ વેપારીઓએ પોતાને તથા કર્મચારીઓને વધુ એક તક આપીને નવેસરથી ધંધો કરવાની શરૂઆત કરી હતી. કોરોના નિયંત્રણમાં આવતાં આ વેપારીઓના ધંધાની ગાડી માંડ પાટે ચડી ત્યાં ફરી એક વાર સરકારે લૉકડાઉન લાગુ કર્યું હોવાથી તે વેપાર ક્ષેત્ર માટે મારક સાબિત થશે, એવો ભય અખિલ ભારતીય વેપારી ફેડરેશન (કૅઇટ)ના અધ્યક્ષે વ્યક્ત કર્યો હતો.
પહેલા સરકારે લૉકડાઉન અચાનક લગાવ્યું હતું અને કોરોનાને રોકવા માટે તે આવશ્યક પણ હતું, પરંતુ તેને કારણે વેપારી વર્ગને ભારે નુકસાન પહોંચ્યું હતું. જલદી ખરાબ થતી ચીજ વસ્તુનું વેચાણ કરનારા વેપારીઓને સૌથી વધુ નુકસાન થયું હતું. કપડાંના વેપારીઓ પર પણ માઠી અસર પડી હતી. આવી સ્થિતિમાં કર્મચારીઓને સંભાળવા માટે તેમને પગાર આપવો પડ્યો હતો. દુકાનનું ભાડું ભરવું પડ્યું. જાેકે, આવા સંજાેગોમાં સરકારે કર માફી આપી જ નહીં અને ‘બ્રેક ધ ચેન’ના નામે ગયા વર્ષનું પુનરાવર્તન થાય એવો ભય નિર્માણ થઇ રહ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું.
મુંબઇ, ઉપનગર, પાલઘર અને થાણે જિલ્લામાં ચાર લાખ કરતાં વધુ વેપારીઓ આવેલા છે. કોરોના પૂર્વે મુંબઇમાં વેપારીઓની સંખ્યા ત્રણ લાખથી વધુ હતી. હાલમાં ૨૫ લાખ કર્મચારી આ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે તેમાંથી આવશ્યક સેવા સાથે ૧૫થી ૨૦ ટકા જેટલા કર્મચારી જાેડાયેલા છે, પરિણામે ૮૦ ટકા જેટલા ધંધા લૉકડાઉનને કારણે સંકટમાં આવી ગયા છે. કોરોના પર કાબૂ મેળવવા માટે લૉકડાઉન એ ઉપાય નથી. ઘરે બેસી રહેલા અનેક લોકોને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે. યોગ્ય યોજના પર જાે અમલ મૂકવામાં આવે તો કોઇપણ જાતના નુકસાન વગર સ્થિતિ પર કાબૂ મેળવી શકાય છે. ઉદાહરણ તરીકે વૈકલ્પિક દિવસે દુકાનો ચાલુ રાખવી, દરેક પ્રકારની દુકાનો માટે યોગ્ય દિવસ અને સમય નક્કી કરવા જેવી અનેક યોજનાઓને અમલમાં લાવી શકાય તેમ છે. અમને સરકારે અલ્ટિમેટમ આપ્યું હોવાથી નવ એપ્રિલ સુધી બિન્દાસ્ત દુકાનો ચાલુ રાખવામાં આવશે. પોલીસ તેમના હિસાબે કાર્યવાહી કરી શકે છે. જેલ પણ મોકલી શકે છે, ત્યાં તો બે ટંકનું ભોજન મળશે. લૉકડાઉનને કારણે વ્યવસાય ઠપ્પ થતાં ખાવા-પીવાના સાસા પડી રહ્યા હોવાથી જીવન ટૂંકાવવા સિવાય કોઇ વિકલ્પ બાકી રહ્યો નથી, તેથી દુકાનો ચાલુ જ રહેશે, એવું તેમણે વધુમાં જણાવ્યું હતું.