મહીસાગર નદીના ઉપરવાસ તેમજ કેચમેટ એરીયામાં ભારે વરસાદના પગલે કડાણા ડેમમાં પાણીની આવક વધી છે. જેથી તંત્ર દ્વારા કડાણા ડેમમાંથી મહીસાગર નદીમાં ત્રણ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના પગલે મહીસાગર નદીમાં બનાવેલા વડોદરા કોર્પોરેશનના ફ્રેન્ચવેલમાં માટી-રેતી ભરાશે. જેથી શહેરના ઉત્તર અને પૂર્વ વિસ્તારનાં ૬ લાખ પરિવારોને પાણી ૧૦ મિનિટ ઓછું આપવામાં આવશે.
મહીસાગરના જિલ્લાના કડાણા ડેમના ઉપરવાસ તેમજ મહીસાગર નદીના કેચમેટ એરીયામાં ભારે વરસાદના કારણે ડેમમાં પાણીની આવક વધી છે. જેથી કડાણા ડેમમાંથી મહીસાગર નદીમાં ત્રણ લાખ કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવતા તંત્ર દ્વારા નદી કાંઠાના ૧૨૮ ગામને એલર્ટ કરવામાં આવ્યા છે.
જ્યારે બીજી તરફ મહીસાગર નદીમાં આવેલા વડોદરા મ્યુનિ. કોર્પોરેશનના ફ્રેન્ચવેલમાં પણ પાણી ભરાઇ ગયા છે. જેની અસર શહેરમાં વિવિધ ટાંકી અને બુસ્ટરથી અપાતા પાણીના સમય પર પડશે. હાલમાં મહીસાગર નદીમાંથી વડોદરા મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ૩૦૦ એમએલડી પાણી લેવાય છે. જેમાં હવે, ૨૦ એમએલડી પાણીની ઘટ પડશે.
પરિણામે વડોદરાના ઉત્તર-પૂર્વ વિભાગમાં આવેલી કારેલીબાગ ટાંકી, આજવા ટાંકી, સમા ટાંકી, ખોડીયાર નગર બુસ્ટર, છાણી ટાંકી સહિત કુલ છ ટાંકી અને બે બુસ્ટર વિસ્તારના રહીશોને મહ્દઅંશે પાણીની ઘટ પડશે. તંત્ર દ્વારા શહેરના છ લાખ જેટલા પરિવારોને સવાર સાંજ બે ટાઈમના પાણીમાં ૧૦ મિનિટ સુધીનો કાપ મુકવામાં આવ્યો છે.
મહિસાગરનાં પાણી સિંધરોટ ગામમાં પ્રવેશ્યાં
કડાણા ડેમમાંથી છોડવામાં આવેલા પાણીના પગલે નિચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા હતા. જાેકે, મહિસાગર નદી વડોદરા શહેર નજીકના સિંધરોટ ખાતેથી પસાર થાય છે. ત્યારે નદીમાં પાણીની આવક વધતા ગામના નિચાણવાળા વિસ્તારોમાં કેડ સમા પાણી ભરાઇ ગયા હતા. મંદિર તેમજ વસાહતોમાં પાણી ભરાઇ જતાં જનજીવનને ગંભીર અસર પહોંચી છે.
વડોદરા જિલ્લાના ૧૬ અને પંચમહાલના સાત નીચાણવાળા ગામોને એલર્ટ કરાયાં
વડોદરા, તા. ૧૧
વડોદરા જિલ્લાના વાઘોડિયા નજીકના દેવ ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે. ડેમમાંથી પાણી છોડવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો. પરિણામે તંત્ર દ્વારા ડભોઇ અને વાઘોડિયા તાલુકાના ૧૬ ગામો તેમજ પંચમહાલના હાલોલ તાલુકાના સાત ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
વડોદરા જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમથી મળતી માહિતી અનુસાર દેવ ડેમની જળ સપાટી હાલમાં ૮૯.૬૫ મીટર છે. ડેમનું રૂલ લેવલ જાળવવા માટે સવારે ૧૦ કલાકે ડેમના બે દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમના ગેટ નંબર ૪ અને ૫ ૦.૨૦ મીટર ખોલાયા છે. ડેમમાં હાલ પાણીની આવક ૧૪૩૧.૨૩ ક્યુસેક છે. જ્યારે પાણીનો ફ્લો ૧૩૬૪.૫૭ ક્યુસેક જેટલો છે. દેવ ડેમમાંથી પાણી છોડવામાં આવતા નદી કાંઠાના ગામોમાં પૂરની પરિસ્થિતીનું નિર્માણ થઇ શકે તેમ છે. જેને લઇને વડોદરા જિલ્લાના ૧૬ અને પંચમહાલ જિલ્લાના સાત ગામોને એલર્ટ કરાયા છે. દેવ ડેમમાંથી પાણી છોડાતા ડભોઇ નજીકથી પસાર થતી ઢાઢર નદીમાં ફરી એક વખત પૂરની પરિસ્થિતીનું નિર્માણ થયું છે. સિઝનમાં ચોથી વખત ઢાઢર નદી ઉફાને ચડી છે. ત્યારે વડોદરા જિલ્લાના સાત માર્ગો પર નદીના પાણી ફરી વળ્યાં છે. જેથી ગામો સાથેનો સંપર્ક તૂટયો છે. જ્યારે ઢાઢર નદીના પાણી કરાલીપુરા રોડ ઉપર ફરી વળતાં ડભોઇ-વાઘોડિયા રોડ બંધ કરાયો છે.
કયા કયા ગામોને એલર્ટ કરાયાં
• ડભોઈના બનૈયા, અબ્દુલપુરા, કડાદરા, કરાલી, ગોજાલી, કડાદરાપુરા, વાયદપુર • વાઘોડિયા તાલુકાના ફલોડ, વેજલપુર, વલવા, ગોરજ, અંબાલી, અંટોલી, ઘોડાદરા, વ્યારા અને ધનખેડા
• પંચમહાલ જિલ્લા ઃ હાલોલ તાલુકાના સોનાવીટી, રસસાગર, ગડીત, સોનીપુર, કુબેરપુરા, ઇન્દ્રાલ, બાધરપુરી