બાળકોને ગુજરાતી માધ્યમમાં ભણાવવા જાેઈએ કે અંગ્રેજી માધ્યમમાં?

અહીં વિદેશમાં પણ હું ઘણા આપણા ભારતીયોને એવો અફસોસ કરતા સાંભળું છું કે અમારા માતાપિતાએ અમને અંગ્રેજી માધ્યમમાં ન ભણાવ્યા એટલે અમે હજી હેરાન થઇએ છીએ અથવા એ અમારા માતાપિતાનો બહુ ખોટો ર્નિણય હતો. આવું સાંભળીએ ત્યારે ખરેખર આવા લોકોની ખોટી માનસિકતા અને અસમજણ વિશે સવાલ થાય કે જાે પોતે જ આવું વિચારે છે તો પોતાના બાળકોને તે લોકો કેવું ભવિષ્ય આપી શકશે?

અહીં એ સમજવું જરૂરી છે કે અંગ્રેજી ભાષા આવડવી અને અંગ્રેજી મીડિયમમાં પ્રાથમિક શાળામાં ભણવું એ બંને બાબત અલગ અલગ છે. અમુક વયના થઇએ ત્યારે અંગ્રેજી ભાષા આવડવી ખુબ જરૂરી છે અને તેમાં કોન્ફિડન્સ હોવો પણ ખુબ જરૂરી છે. પણ શું એ માત્ર અંગ્રેજી મીડિયમમાં ભણવાથી જ આવે? અંગ્રેજી ભાષાને જાે આપણે એક ભાષા તરીકે માત્ર ભણીએ અને તે ભાષાના સંપર્કમાં વાંચનથી કે શ્રવણથી રહીએ તો પણ અંગ્રેજી ભાષા આવડે જ તેમા અંગ્રેજી મીડિયમમાં ભણવાની કઈ જ જરુર નથી.

બીજું એ કે ઘરનું વાતાવરણ પણ ખુબ જ અગત્યનું છે. આપણે બાળકને અંગ્રેજી માધ્યમમાં બહુ નાની ઉંમરથી ભણવા મૂકી દઈએ છીએ અને પછી બાળકને તે વાતાવરણ ઘરમાં નથી આપી શકતા ત્યારે બાળક ખુબ મૂંઝવણમાં મૂકાય છે.

બાળકનું શિક્ષણ એ તેના જીવનની મજબૂત આધારશિલા છે. પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ માતૃભાષામાં કરવામાં આવે તે અનેક કારણોસર મહત્વપૂર્ણ છે.

(૧) બૌદ્ધિક વિકાસ અને ભાષાકીય નિપુણતા માટે

જ્યારે બાળકોને તેમની માતૃભાષામાં ભણાવવામાં આવે છે, તેઓ ઝડપથી અને સરળતાથી શીખે છે. વૈજ્ઞાનિક સંશોધનો દર્શાવે છે કે માતૃભાષામાં અભ્યાસથી બાળકોની બુદ્ધિશક્તિ અને સ્મૃતિમાં વૃદ્ધિ થાય છે. મગજના વિકાસ માટે પ્રથમ પાંચ વર્ષ અત્યંત મહત્વપૂર્ણ છે, અને આ સમયગાળા દરમિયાન માતૃભાષામાં શિક્ષણ મગજના ન્યુરલ નેટવર્કને મજબૂત બનાવે છે.

ઉદાહરણ તરીકે, યુનેસ્કો દ્વારા કરવામાં આવેલા અભ્યાસે દર્શાવ્યું છે કે માતૃભાષામાં પ્રાથમિક શિક્ષણ મેળવનાર બાળકોનું શૈક્ષણિક પ્રદર્શન બાકીની ભાષાઓમાં શિક્ષણ મેળવનાર બાળકો કરતાં વધારે સારું હોય છે.

(૨) સામાજિક અને સંસ્કૃતિક ઓળખ

માતૃભાષામાં અભ્યાસ બાળકને તેની સંસ્કૃતિ અને પરંપરાઓ સાથે સંલગ્ન રહેવામાં મદદરૂપ બને છે. માતૃભાષામાં અભ્યાસ બાળકને તેની સામાજિક અને સાંસ્કૃતિક મૂલ્યોથી માહિતગાર રહે છે, જે તેને વધુ સામાજિક અને જવાબદાર નાગરિક બનાવે છે.

(૩) ભાવનાત્મક વિકાસ

બાળક જ્યારે તેની માતૃભાષામાં શીખે છે, ત્યારે તે શિક્ષણને વધુ સારી રીતે ગ્રહણ કરી શકે છે. તે ભાષા તેના ઘર અને સમાજમાં વપરાતી હોવાથી, બાળક શીખેલા વિષયને વધુ સારી રીતે વાસ્તવિક જિંદગી સાથે જાેડે અને સમજી શકે છે. આ બાબત બાળકને વધુ આત્મવિશ્વાસ આપે છે, જેના પરિણામે તેઓ શૈક્ષણિક અને અંગત ક્ષેત્રે વધુ સફળતા મેળવી શકે છે.જે અમેરિકાની નેશનલ એકેડમી ઓફ સાયન્સ દ્વારા પણ હવે વૈજ્ઞાનિક રીતે સાબિત થઈ ચુક્યું છે.

(૪) અલગ અલગ ભાષાઓ શીખવામાં સરળતા

બહુભાષીય અભ્યાસોઃ ભારતીય શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા કરાયેલ અભ્યાસો દર્શાવે છે કે જે બાળકો એ માતૃભાષામાં અભ્યાસ કર્યો હોય, તેઓ અન્ય વિષયો અને ભાષાઓ બહુ સરળતાથી શીખી શકે છે.

કોઈપણ માણસના મગજ સુધી પહોંચતી જાણકારી જાે તેની માતૃભાષામાં અપાતી હોય, તો તે ઝડપથી અને અસરકારક રીતે તેને ગ્રહણ કરી શકે છે.

(૫) નૈતિક મૂલ્યો અને આદર્શોનું મહત્વ

માતૃભાષામાં અભ્યાસ બાળકોને તેમના પરિવારમાંથી મળેલા નૈતિક મૂલ્યો અને આદર્શોને મજબૂત બનાવે છે અને તેની સાથે જાેડાયેલા રહેવુ બાળકો માટે સરળ બને છે. જ્યારે શિક્ષણની ભાષા માતૃભાષા હોય છે, ત્યારે બાળકોમાં આ આદર્શો સરળતાથી પ્રસરાવાય છે અને તે વધુ સચેત નાગરિક તરીકે વિકસી શકે છે.

(૬) સર્વાંગી વિકાસ

માતૃભાષામાં શિક્ષણ માત્ર બૌદ્ધિક વિકાસ પૂરતું મર્યાદિત નથી, પણ તે શારીરિક, માનસિક અને સાંસ્કૃતિક વિકાસ માટે પણ જરૂરી છે.

માટે, આપણે આપણા બાળકને અંગ્રેજી માધ્યમમાં ભણવા બેસાડતા પહેલા એક વાર જરૂર વિચારવું કે શા માટે હું મારા બાળકને અંગ્રેજી માધ્યમમાં ભણાવવા માંગું છું? અને જાે જવાબ મળે કે અંગ્રેજી શીખવવા તો આપણે પોતાની જાતને આ સવાલ પૂછવો રહ્યો કે બાળકને અંગ્રેજી ભાષા એક વિષય તરીકે અને બાકીના વિષયો માતૃભાષામાં શીખવવા પુરતા છે? તો પ્રાથમિક શાળામાં તો માતૃભાષામાં જ બાળકોને ભણાવો જેનાથી ઉજ્જવળ અને આત્મવિશ્વાસવાળું ભવિષ્ય આપણે આપણા બાળકોને આપી શકીએ..

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution