શિવજી: પૂર્ણતાના પર્યાય

આ-તે બધું જ શિવ છે. અહીં-તહીં બધે જ શિવ છે. છે તે પણ શિવ છે અને નથી તે પણ શિવ છે. અભાવ પણ શિવ છે અને અભાવના અભાવ તરીકે સ્થાપિત થયેલ ભાવ પણ શિવ છે. એક રસ્તા પણ શિવ છે અને પરસ્પરના વિરોધમાં પણ શિવત્વ જ સ્થાપિત હોય છે. સંપૂર્ણતામાં કહીએ તો શિવ એક સંપૂર્ણ અસ્તિત્વ છે.

શિવજી શાંત પણ છે અને રૌદ્ર પણ છે. શિવજી મહાન સંન્યાસી પણ છે અને આદર્શ ગૃહસ્થ પણ છે. શિવજી મહાન યોગી પણ છે અને પરમ જ્ઞાની પણ છે. શિવજી એક ગંભીર ચૈતન્ય છે તો સાથે સાથે હળવાશ ભરેલ ઈશ્વર પણ છે. શિવજી નિવારણ ન થઈ શકે તેવો શ્રાપ પણ આપી શકે અને અનંતતાને પામી શકાય તેવું વરદાન પણ તેમના તરફથી જ મળી શકે. શિવજી નિરાકાર હોવા સાથે ભક્તને ઇચ્છિત આકાર પણ ધારણ કરી શકે. શિવજી એટલે એ પરમ તત્વ કે જે અનેક બ્રહ્માંડનું સર્જન કરવા સામર્થ્યવાન હોય અને છતાં પણ સંયમ ધારણ કરી માત્ર વિનાશ માટેની પરિસ્થિતિને નિયંત્રિત કરતું હોય. શિવજીના અસ્તિત્વમાં ક્યાંક સંયમ તો ક્યાંક આક્રોશ દેખાતો હોય, ક્યાંક અલિપ્તતા તો ક્યાંક સંલગ્નતા જણાતી હોય, ક્યાંક આધ્યાત્મિકતા કેન્દ્રમાં હોય તો ક્યાંક સૃષ્ટિનો વ્યવહાર પ્રવર્તમાન જણાય.

શિવજી અર્થાત મહાકાલ એ સમયને નિર્ધારિત કરતી શક્તિ છે. સમયની ધારણા શિવજીને કારણે અસ્તિત્વમાં આવી છે. એક રીતે જાેતા સમય એટલે કોઈપણ બે ઘટના વચ્ચેનો ગાળો. આ ગાળાની પ્રતીતિ દરેક વ્યક્તિ જુદી જુદી રીતે કરે. ઘડિયાળ દ્વારા નિર્ધારિત થયેલ એક ગાળો જુદી જુદી રીતે, જુદી જુદી વ્યક્તિને, જુદું જુદું પરિણામ આપી શકે. સમયની ભિન્ન અનુભૂતિ બે ભિન્ન પ્રકારના ચરમબિંદુ જેવી પણ હોઈ શકે. શિવજી સમયના - કાળના પર્યાય સમાન હોવાથી તેમની પ્રતીતિમાં પણ ચરમકક્ષાની ભિન્નતા સંભવી શકે. તેઓ પ્રકાશની સ્થાપના માટે જેટલી યથાર્થતા દર્શાવી શકે, તેટલી જ સ્વીકૃતિ, તેમની, અંધકાર માટે પણ હોઈ શકે. અર્થાત તેઓ અંધકાર અને પ્રકાશ બંને સાથે સંયુક્ત પણ છે અને બંનેથી ભિન્ન પણ છે. બીજા શબ્દોમાં શિવજી દરેક પ્રકારના દ્વન્દ્વથી પર છે. તેમનું અસ્તિત્વ સાચા અર્થમાં નિર્ગુણ છે.

મહાદેવ પ્રેમ કરે ત્યારે અપાર પ્રેમ કરે. કોપાયમાન થાય ત્યારે તેમનું કોપ કોઈ પણ ઝીલી ન શકે. ભોળપણમાં સમગ્ર અસ્તિત્વને પણ લૂંટાવી દે. વરદાન આપે ત્યારે જાણે જગતના બધા જ, બધા જ પ્રકારના ભંડાર ખોલી દે. તેમના એક મધુર સ્મિતથી સમગ્ર સૃષ્ટિ પુલકિત થઈ ઊઠે. તો સાથે તેમના ત્રીજા નેત્રના ભયથી સમગ્ર સૃષ્ટિ નિયંત્રિત રહેવાનો પ્રયત્ન કરે. શિવજી એટલે સૃષ્ટિનું એકમાત્ર ઐશ્વરિય અસ્તિત્વ જે માત્ર યોગમાં પ્રવૃત્ત હોય, અને વિપરીત જણાય તો પણ, ભોગથી સાવ જ અજાણ હોય.

તેમનું ભોળપણ પણ કેવું, સમગ્ર સૃષ્ટિ જ્યારે પોતાના અસ્તિત્વનો વિચાર કરીને ર્નિણય લે ત્યારે પોતાના અસ્તિત્વને ભૂલીને - દાવ પર લગાવીને હળાહળ પીવા તૈયાર થાય. પવિત્રતા પણ કેવી કે વ્યવહારમાં અશુભ ગણાતી પ્રત્યેક ઘટના તેમના સાનિધ્યથી પવિત્રતા પામે. નિર્લેપતા પણ કેવી કે સમગ્ર સૃષ્ટિનો વૈભવ તેમના માટે એક રેતીના કણ સમાન બની રહે. દૈવી ગુણો પણ કેવા કે મા શારદા અનંતકાળ સુધી લખે તો પણ તેનો અંત ન આવે. તેમના તાંડવમાં રૌદ્ર સ્વરૂપની ચરમ સીમા હોય. તેમની સમાધિમાં શાંતિની અંતિમ સ્થિતિ હોય. તેમની સાધનામાં ચૈતન્યની પૂર્ણ જાગૃતિ હોય. શિષ્ય બનેલી મા પાર્વતીને જ્યારે જ્ઞાન આપવા બેસે ત્યારે જ્ઞાન પૂર્ણતામાં અભિવ્યક્ત થાય. તેમની એક ભૃકુટીની ચેષ્ટાથી સૃષ્ટિના સમીકરણો પુનઃ નિર્ધારિત થતા હોય.

નિર્દોષતાથી ભરેલા તેમના અસ્તિત્વના ક્યાંય કપટનો અંશ માત્ર પણ ન હોય. તેમની નિર્વિકલ્પતા પૂર્ણતાને પણ પાર કરી ચૂકી હોય. સ્વયમ આધ્યાત્મના પર્યાય સમાન હોય. વિશ્વનું પરમ સતીત્વ તેમના સાનિધ્યમાં હોય. સૃષ્ટિની શીતળતા તેમના ભાલ પ્રદેશમાં હોય. સૃષ્ટિની પાવક પવિત્રતા તેમની જટામાં સ્થિત હોય. સર્પીણી કુંડલીની તેમના કંઠે વીંટળાયેલી હોય. જીવનના અંતિમ સત્યને ઉજાગર કરતી ભસ્મ તેમનો શણગાર હોય. વિશ્વના આડંબર ખાતર, જાણે જગતની રક્ષા માટે તેની અપેક્ષા હોય તેમ, ત્રિશુલ ધારણ કરેલું હોય. મહાદેવ માટે અને તેમના ભ્રામક વૈભવ માટે જેટલી વાતો કરવામાં આવે તેટલી ઓછી છે.

સ્વયં પોતે જ પોતાના શિવત્વમાં મગ્ન હોય. પોતે જ જાણે પોતાની આરાધના કરતા હોય. પોતે જ જાણે પોતાના ચૈતન્યને વધુ ઉચ્ચકક્ષાએ લઈ જવા પ્રયત્નશીલ હોય. સાક્ષીભાવે પોતે જ પોતાની જ પ્રેરણાથી સ્થાપિત થયેલ સાક્ષીભાવની પૂર્વધારણાનું રક્ષણ કરતા હોય. પોતે જ પોતાની સંપૂર્ણતાની પ્રતીતિ કરાવતા હોય. પોતે જ કારણ હોય અને કાર્ય હોય. પોતે જ દર્શન, દ્રષ્ટા તેમજ દ્રશ્ય હોય. જે તે પ્રક્રિયામાં સંલગ્ન રહી સૃષ્ટિ માટે ઉદાહરણ સ્થાપિત કરતા હોય. સમગ્રતામાં વ્યાપક હોવા છતાં કૈલાશ નિવાસી

હોય - તે મહાદેવ સૃષ્ટિની રચનાના અ-હેતુ તથા તેના પરિણામ બાબતે સતત ચિંતિત હોય તેમ જણાય છે.

એમ માનવા બુદ્ધિ અને મન તૈયાર થાય છે કે શિવજીએ આ સમગ્ર સર્જન બાબતે પ્રશ્નો ઉભા કર્યા છે. મારી નાનકડી સમજ પ્રમાણે મને એમ જણાય છે કે શિવજીને આ સમગ્ર સર્જન માન્ય નથી. પરમ ચૈતન્યના એક સ્વરૂપની સવિકલ્પિય ભાવનાથી આ સમગ્ર સૃષ્ટિનું સર્જન થયું છે, જેને કારણે બધાએ મુક્તિનો પ્રયત્ન કરવો પડે છે. કોઈપણ વ્યક્તિ અન્ય શક્તિની ઈચ્છાથી અસ્તિત્વમાં આવી છે અને પછી તેણે મોક્ષ માટે પ્રયત્ન કરવા પડે છે. કદાચ શિવજીને આ પ્રક્રિયા માન્ય નથી - તેમના મનમાં આ સમગ્ર પ્રક્રિયા માટે પ્રશ્નો હશે. સાથે સાથે આ સમગ્ર સૃષ્ટિને શૂન્યમાં રૂપાંતરિત કરવાની તેમની ક્ષમતા છે. આ પ્રશ્ન અને ક્ષમતાના સમન્વયથી તેમને “પ્રલયની ક્ષમતાવાળા ઈશ્વર” તરીકે સ્થાપિત કરાયા હશે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution