શરદ પૂનમે સોમનાથમાં લોકો સફેદ વસ્ત્રો પહેરે છે, આ છે તેનું ધાર્મિક મહત્વ

સોમનાથ-

શરદ પૂનમની રાતનું ભારતમાં અનેરું મહત્વ છે. શરદ પૂનમએ ચંદ્ર પૃથ્વીની સૌથી નજીક હોય છે, ચંદ્ર સોળે કળાએ ખીલ્યો હોય છે. આસો સુદ - પૂનમ આવે છે ત્યારે ચંદ્ર સંપૂર્ણ રીતે ખીલી ઉઠે છે. તેનો પ્રકાશ શીતળ લાગે છે. આકાશ નિર્મળ હોય છે. શ્વેત ચાંદની રેલાતી હોય છે. આ શરદ્ પૂર્ણિમાને માણેકઠારી પૂનમ પણ કહેવાય છે. શરદ્ પૂર્ણિમાને દિવસે ભગવાનને દૂધ-પૌહાની પ્રસાદી ધરાવવાની પરંપરા છે, અને લોકો દૂધ-પૌંઆનો પ્રસાદ જમીને ખુશાલી વ્યક્ત કરે છે.

શરદ પૂર્ણિમાએ ગોપીઓ પણ રાસનું અલૌકિક સુખ માણવા વ્રજ છોડીને વૃંદાવનમાં આવી ગઈ હતી. આપેલ વચનને પૂર્ણ કરવા અને ગોપીઓને સુખ આપવા માટે શ્રીકૃષ્ણે શરદ પૂર્ણિમાની રાત્રિએ યમુનાના કાંઠે બંસરીના સૂર એવા તો વહેતા મૂક્યા કે, તેમાં ગોપીઓ દેહભાન ભૂલી પ્રેમમાં ઘેલી બની ગઈ છે. રાસમંડળના મધ્યમાં રાધાને પોતાની પડખે રાખી એક ગોપી અને એક કૃષ્ણ એ રીતે ભગવાને અનેકરૂપો ધારણ કર્યાં. ગોપીઓને મહારાસનું દિવ્ય સુખ આપ્યું.

સોમનાથમાં શરદપૂર્ણિમાનો સ્પેશિયલ ડ્રેસકોડ વર્ષોથી નક્કી છે. શરદ પૂનમની રાત્રે લોકો દર્શન કરવા જાય ત્યારે સફેદ વસ્ત્રોમાં સજ્જ જોવા મળે છે, ભગવાનને દૂધ-પૌહાની પ્રસાદી ધરાવવાની પરંપરા છે. શરદપૂર્ણિમાની રાત્રીએ ચાંદનીની શીતળતા માટે સફેદ કપડા પહેરવાનું મહાત્મ્ય છે. પુરુષો સફેદ ઝભ્ભા-કૂર્તા કે સફેદ પેન્ટ-શર્ટ અને મહિલાઓ સફેદ ચમકદાર સાડી પહેરે છે. શરદ પૂનમએ ચંદ્ર પૃથ્વીની સૌથી નજીક હોય છે, ચંદ્ર સોળે કળાએ ખીલ્યો હોય છે , ત્યારે ચંદ્રની શીતળતા શરીરને સીધી રીતે સ્પર્શી શકે તેથી લોકો શ્વેત વસ્ત્રો પહેર છે!

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution