શૌર્ય ચક્ર પુરસ્કાર વિજેતાના વિધવાને સહાય માટે અદાલતે દરમ્યાનગીરી કરવી પડે તે શરમજનક

પંજાબના રહેવાસી શૌર્ય ચક્ર પુરસ્કાર મેળવનારની વિધવાનું ભથ્થું ભારત સરકાર દ્વારા બે વર્ષથી વધુ સમયથી અટકાવી દેવામાં આવ્યું હતું. આ રકમ માત્ર ૨.૭૬ લાખ રૂપિયા હતી. દિલ્હી હાઈકોર્ટેે આમાં હસ્તક્ષેપ કર્યો અને શૌર્ય ચક્ર પુરસ્કાર વિજેતા બલવિંદર સિંહ ભીખીવિંડની વિધવા જગદીશ કૌરને ૧૦ દિવસની અંદર તેમના લેણાં ચૂકવવાનો સરકારને આદેશ આપ્યો. દેશ માટે બલિદાન આપનારા શૌર્ય ચક્ર પુરસ્કાર વિજેતાના પરિવારને પણ સહાય માટે અદાલતનો સહારો લેવો પડે તે સરકાર માટે શરમજનક છે.

જગદીશ કૌર અને તેમના પતિ સહિત તેમના પરિવારમાં ચાર શૌર્ય ચક્ર પુરસ્કાર વિજેતા છે. પુરસ્કાર વિજેતા હોવાને કારણે, તે દર મહિને ૬૦૦૦ રૂપિયાના ભથ્થાની હકદાર છે. ઓક્ટોબર ૨૦૨૦માં તેના પતિની હત્યા બાદ તેને આ પૈસાની સખત જરૂર હતી, પરંતુ સરકારે તેનું ભથ્થું બંધ કરી દીધું હતું.

તેમને ૧૮ મહિના સુધી માસિક ભથ્થાથી વંચિત રાખવામાં આવ્યા હતાં અને મે ૨૦૨૨થી તમામ ભથ્થા બંધ કરી દેવામાં આવ્યા હતાં. ત્યારબાદ જગદીશ કૌરે દિલ્હી હાઈકોર્ટમાં રિટ પિટિશન દાખલ કરી હતી. કોર્ટમાં તેમનું પ્રતિનિધિત્વ વકીલો અંકિત સિંહ સિન્સિનવાર, નેહા યાદવ, ધનંજય કુમાર અને રવિ કુમાર દ્વારા કરવામાં આવ્યું હતું.

કૌરના પરિવારે ૧૯૯૦ના દાયકામાં ખાલિસ્તાની આતંકવાદીઓ દ્વારા અનેક હુમલાઓનો સામનો કરવો પડ્યો હતો. તે વર્ષે ૩૦ સપ્ટેમ્બરના રોજ થયેલા હુમલાને યાદ કરતાં કૌરે કહ્યું, “ ૨૦૦ આતંકવાદીઓ સામે અમે માત્ર ચાર હતાં. તેમની પાસે ગ્રેનેડ અને રોકેટ લોન્ચર હતાં. મારા પતિએ એક આતંકવાદીને ઈજા પહોંચાડી હતી. તરત જ સામા પક્ષેથી ગોળીબાર થયો.”

તેના ત્રણ વર્ષ પછી, ૨૬ જાન્યુઆરી, ૧૯૯૩ના રોજ, કૌર, તેમના પતિ, બલવિંદરના મોટાભાઈ રણજીત સિંહ અને તેમની પત્ની બલરાજ કૌરને તત્કાલિન રાષ્ટ્રપતિ શંકર દયાલ શર્મા દ્વારા શૌર્ય ચક્ર એનાયત કરવામાં આવ્યા હતાં. માર્ચ ૨૦૨૦માં, કૌર અને તેના પતિ દ્વારા તેમને આતંકવાદીઓ તરફથી મળેલી ધમકીઓ અંગેની ફરિયાદો છતાં, પરિવારને આપવામાં આવેલ પોલીસ સુરક્ષા પાછી ખેંચી લેવામાં આવી હતી. એક વર્ષ પછી, ઑક્ટોબર ૨૦૨૦માં, આતંકવાદીઓ તેના ઘરમાં ઘૂસી ગયા અને બલવિંદરને ગોળી મારી દીધી, જે પાછળથી તેની ઇજાઓને કારણે મૃત્યુ પામ્યા. કૌરે જણાવ્યું હતું કે આતંકવાદીઓ ૨૦૧૮થી તેના પતિની હત્યા કરવાની યોજના બનાવી રહ્યા હતા. પરંતુ સરકારે તેની પરવા કરી નહતી.

જગદીશ કૌરે કહ્યું કે ન તો પંજાબ સરકારે મને મદદ કરી, ન કેન્દ્ર સરકારે, મેં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને ૧૦-૧૫ વખત ઈમેલ મોકલ્યા, પરંતુ તેમણે મને એપોઈન્ટમેન્ટ ન આપી. કૌર અને તેના પતિ લોકડાઉન પહેલા એક શાળા ચલાવતા હતા જેમાં એક હજારથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા. હવે શાળામાં માત્ર ૮૦ વિદ્યાર્થીઓ જ બચ્યા છે. સરકાર આ પરિવારને કોઈ મદદ કરી રહી નથી.

દેશની રક્ષા માટે બલિદાન આપનારા આવા દેશભક્તો જ આપણા ભારતનું ગૌરવ છે પરંતુ રાજકીય નેતાઓને આ ગૌરવશાળી દેશપ્રેમીઓની કદર કરવાની તમા નથી. રાજકારણીઓ વાતો તો ઘણી મોટી મોટી કરે છે પરંતુ તેમની દ્રષ્ટિ માત્ર ને માત્ર રાજકીય સ્વાર્થ સાધવા પર જ હોય છે. તેમને જાે રાજકીય રીતે લાભ થતો હોય તો જ પ્રજાના કે સાચા દેશસેવકોના હિતમાં પગલાં લે છે, પરંતુ આવો લાભ થઈ શકે તેમ ન હોય તો તે તેમની કોઈ પરવા કરતા નથી.

પંજાબમાં આતંકવાદનો એકલા હાથે સામનો કરનાર આવા વીરલાઓની કદર જાે રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર કરી શકતી ન હોય તો તેમની પાસેથી બીજી કોઈ આશા રાખી શકાય તેમ નથી.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution