મધ્યપ્રદેશ-
મધ્યપ્રદેશના મુરૈના જિલ્લામાંથી સગીર પર બળાત્કારનો મામલો સામે આવ્યો છે. પોલીસે આ કેસમાં ત્રણ સગા ભાઈઓ સહિત પાંચ આરોપીની ધરપકડ કરી છે. આ ઘટના મુરૈનાના બનામોર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ભોરાદાંડા ગામમાં બની છે. અહીં એક સગીર યુવતીનું 4 ઓગસ્ટે ગામના 5 યુવકોએ અપહરણ કરી તેને જંગલમાં લઈ ગયા હતા. ત્યારબાદ દરેક યુવકે સતત 48 કલાક સુધી સગીરા પર બળાત્કાર ગુજાર્યો હતો.
જ્યારે પીડિતાની હાલત કથળી ત્યારે તેઓ તેને જંગલમાં જ મુકીને ભાગી ગયા હતા. જ્યારે પીડિતા કોઈક રીતે સાંજે તેના ઘરે પહોંચી ત્યારે તેણે આખી વાત પરિવારને કહી હતી. પરિવારે તુરંત પોલીસને આ અંગેની જાણકારી આપી હતી. પોલીસે બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરી હતી. આ પછી પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી હતી. શુક્રવારે સવાર સુધી પોલીસે પાંચેય આરોપીની ધરપકડ કરી હતી. પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે. આરોપીઓ પર અપહરણ કરીને સગીરા ઉપર ગેંગરેપ કરવાનો કેસ નોંધવામાં આવ્યો છે.
આ કેસમાં મુરૈના પોલીસ અધિક્ષકએ જણાવ્યું હતું કે, માહિતી મળતાની સાથે આરોપીઓને માત્ર 10 કલાકમાં પકડી લેવામાં આવ્યા છે. આ આરોપીઓને ઘટના અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે.