મુંબઇ
ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીનો મોસ્ટ એલિજિબલ બેચલર હવે પરણી ગયો છે. ઘણી યુવતીઓના દિલ તોડીને શાહીર શેખે થોડા દિવસ પહેલા જ લગ્ન કરી લીધા છે. શાહીર શેખે એકતા કપૂરના ફિલ્મ ડિવિઝનની હેડ રૂચિકા કપૂર સાથે લગ્ન કર્યા છે. શાહીર અને રૂચિકાએ હાલ કોરોના મહામારીના કારણે કોર્ટ મેરેજ કર્યા છે. જૂન 2021માં તેઓ રીત-રિવાજોથી લગ્ન કરવાનું વિચારી રહ્યા છે.
કોર્ટ મેરેજ પછી રૂચિકા અને શાહીર એક્ટરના હોમટાઉન જમ્મૂ ગયા હતા. જ્યાં શાહીરના ઘરે એક નાનકડી સેરેમની યોજાઈ હતી. બાદમાં કપલ મુંબઈ આવ્યું અને રૂચિકાના ઘરે અનૌપચારિક સેરેમની યોજાઈ હતી. હાલમાં જ શાહીર શેખે રૂચિકાની એક તસવીર શેર કરી હતી. જેમાં તે દિલ ખોલીને હસતી જોવા મળે છે અને શાહીરે તેનો હાથ પકડ્યો છે. તસવીરમાં રૂચિકાની આંગળીમાં વીંટી જોવા મળે છે.
રૂચિકાએ પતિ વિશે વાત કરતાં કહ્યું, "શાહીરની સાદગી અને વિનમ્રતાએ મને તેની તરફ આકર્ષી હતી. કોઈ વ્યક્તિ પોતાની સાચી બાજુ બતાવે અને લોકોના સારાપણામાં વિશ્વાસ કરે તેને શોધવો મુશ્કેલ છે. અમારા બેકગ્રાઉન્ડ ખૂબ અલગ છે પરંતુ અમે એ ભિન્નતા પર ધ્યાન આપવાને બદલે તેને ઉજવવાનું નક્કી કર્યું. દુનિયાને ભલે અમે જૂજ પ્રમાણમાં સમજમાં આવતા હોઈશું પરંતુ એકબીજાને ખૂબ સારી રીતે સમજીએ છીએ."
જણાવી દઈએ કે, શાહીર અને રૂચિકાએ લગભગ છેલ્લા દોઢ વર્ષથી રિલેશનશીપમાં છે. બે વર્ષ પહેલા શાહીર અને રૂચિકાની મુલાકાત 'જજમેન્ટલ હૈ ક્યા'ના સેટ પર થઈ હતી. વર્કફ્રંટની વાત કરીએ તો શાહીર શેખ છેલ્લે સીરિયલ 'યે રિશ્તે હૈં પ્યાર કે'માં અબીરના રોલમાં જોવા મળ્યો હતો. તો રૂચિકા કપૂરે પણ 'વીરે દી વેડિંગ' અને 'લૈલા મજનૂ' સહિતની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.