સપ્તપદીનાં સાત વચન પરિવાર માટે

લેખકઃ નીતા સોજીત્રા


લગ્ન એ બે પાત્રોનું જ નહીં, બે પરિવારનું પણ મિલન છે એ આપણે જાણીએ છીએ. પતિ-પત્ની બન્ને મળીને પરિવારને એક કરે છે. એક યુવતી પોતાના બધા જ અરમાનો લઈને નવા પરિવારમાં આવે છે. કેટલા વિચાર, મનોમંથન, જાત સાથે વાર્તાલાપથી લઈને યુદ્ધ સુધીનું બધું કરીને એ નવા ઘરમાં સમાવા માટે જાતને તૈયાર કરી રહી હોય છે.


આ તરફ યુવક પણ અચાનક બદલાઈ જનાર જીવન માટે માનસિક તૈયારી કરતો હોય છે. પોતાનો રૂમ, એની અસ્તવ્યસ્તતા સાથેનું એનું વળગણ, એનું સઘળું વહેંચાઈ જશે એટલું જ નહીં, એ ખુદ વહેંચાઈ જશે એ વાત માટે એ પરિવારને તૈયાર કરી રહ્યો હોય છે ત્યારે પરિવાર તો વ્યવહારિક કામો વિશે અને આ આનંદના અવસર વિશે જ વિચારતા હોય છે. કોઈ ઘરમાં ક્યારેય એવો મુદ્દો ચર્ચાય છે ખરો કે એક નવું પાત્ર સામેલ થવામાં છે તો એના પ્રત્યે આપની ફરજાે કે જવાબદારીઓ શું? આવનારને આ ઘર પોતાનું લાગે એના માટે આપણે શું કરી શકીએ એવો વિચાર ક્યારેય આવ્યો છે ખરો? આપણી સંસ્કૃતિ અને લગ્નવિધિમાં ભલે સાત વચનો પત્ની માટે હોય પરંતુ સુખી સંસાર માટે ઘરના દરેક સભ્યોએ સપ્તપદીના વચનો લેવા જાેઈએ. આવા જ સાત વચન જાે પરિવાર પાળે તો લગભગ ઘર પરિવાર કિલ્લોલતો રહે.


(૧) દીકરાને પરણીને આવનાર કન્યાને વહુનો દરજ્જાે આપીશું

 મોટાભાગે આજે જ્યાં જુઓ ત્યાં એક જ વાત થતી હોય છે કે અમે દીકરાની વહુને વહુ નહિ,દીકરી માનીશું, આવું શા માટે? વહુ કેમ નહી? પુત્રવધુ કેમ નહિ? દીકરી કહીને આપણે એના મનમાં પણ દીકરી હોવાનો વહેમ પાળતી કરીએ છીએ. દીકરી તેના માતાપિતાને ત્યાં રહેતી હોય એમ જ રહે છે,એમજ સૂવું-બેસવું,હરવું-ફરવું અને રહેવું. ખરેખર આવું થાય ત્યારે આપણે સ્વીકારી શકીએ છીએ ખરા? ત્યારે તરત જ કહીએ છીએ કે પૂત્રવધુને આ ન શોભે. તો પછી આવું બેધારું વલણ કેમ? પહેલેથી એને વહુ તરીકે જ સ્વીકારો. એ પછી પણ એવું વર્તન કરો કે સાસુ-વહુના સંબંધો પર લાગેલા ડાઘ ધોવાઈ જાય. આ સંબંધની એક નવી પહેચાન ઉભી કરો. આમ કરવાથી બન્ને સાઈડ પોતપોતાના સંબંધો અને રહેણીકરણી બાબત ક્લિયર રહેશે.


(૨) પુત્રવધૂ એટલે કામવાળી કે વારસ આપનાર જ નહીં, એનું પણ સ્વતંત્ર અસ્તિત્વ છે એવું સ્વીકારશું

જાે કે હવે તો આ મુદ્દે લગભગ બદલાવ આવ્યો છે, છતાં હજી ક્યાંક કોઈ માનસમાં ઊંડે ઊંડે એ વિચારધારા જીવતી હોય છે કે પુત્રવધુ ઘરકામ,પરિવારની દેખરેખ અને વારસદાર આપવા માટે જ સક્ષમ હોય છે અને એ જ એનું કાર્યક્ષેત્ર છે, એ સિવાય એનું કોઈ અસ્તિત્વ હોતું નથી. સમય અને સમજણ બન્ને બદલાતાં હવે એવું પણ બને તો આશ્ચર્ય નહિ કે આવી વિચારધારામાં જીવતા પરિવારના બંધનો અને માનસિકતાનો નવી વહુ એક ઝાટકે ઉલાળીયો કરી નાખે. પુત્રવધુને પુત્રથી વધુ નહિ તો પણ એની બરાબર તો સમજાે. જે પોતાના જીવનના કિંમતી ૨૫-૨૭ વર્ષમાં કમાયેલું અને માણેલું તમામ સુખ છોડીને માત્ર એનું યાદોને હ્ય્દયમાં ભંડારીને નવા જીવનમાં આવે છે એ નવા પરિવારને કેટલી ઝડપથી પોતાના કરી લે છે. બોલતા શીખી હોય ત્યારથી એક જ વ્યક્તિને મમ્મી અને એક જ વ્યક્તિને પપ્પા કહેતી દીકરી સગાઈ પછીથી જ સાસુ-સસરાને મમ્મી-પપ્પા કહેતી થઈ જાય છે એ વાત નાની નથી, બદલામાં એને પરિવારના એક સભ્યનો દરજ્જાે આપવો એ કુટુંબના દરેક સભ્યોની જવાબદારી છે. એના ગમાં-અણગમા પણ પરિવારમાં એમ જ સાચવવા જાેઈએ જેમ અન્ય સદસ્યોના સાચવતા હોય છે.


(૩)ઘરમાં લેવાતા દરેક ર્નિણયોમાં દીકરીને નહિ, પુત્રવધૂને સાથે રાખીશું

કેટલાય ઘરોમાં હજી આજે પણ એ રિવાજ જાેવા મળે છે કે ઘરના નાનામાં નાના ર્નિણયો સાસરે ગયેલી દીકરીઓ લેતી હોય છે. વર્ષો જેણે આ પરિવારના જતન પાછળ આપ્યા હોય એ વહુની ક્યાંય અગત્યના ર્નિણયો કે કૌટુંબિક ચર્ચાઓમાં નોંધ જ નથી લેવાતી હોતી. આવી ઘરનાઓ જ ક્યારેય પુત્રવધૂને ઘર માટે પ્રેમ કે લાગણી નથી થવા દેતી. પુત્રીને એના સાસરામાં સારી રીતે સેટ કરવા માટે પણ એને એના સંસારમાં અને પુત્રવધુને એના સંસારમાં વ્યસ્ત અને અગ્રેસર રહેવા દેવા એ ઘરમાં શાંતિ સ્થાપવા માટે આવશ્યક છે.


(૪)પુત્રવધૂ ને પરિવારને સન્માન આપો.

વહુ બનીને આવેલી યુવતી વહુ બને એટલે દીકરી મટી નથી જતી. ઘણી વખત બહુ નાની નાની વાતે વહુના પરિવારના સભ્યો માટે ઘસાતું બોલવું, ટીકા કરવી અને એમને અપમાનિત કરવા જેવી વાતથી ઘરમાં ક્લેશ થાય છે. જે દીકરીને મોટી કરવામાં માતાપિતાએ જીવ રેડયો હોય એ દીકરીના સાસરિયા તરફથી એના માતાપિતાને માટે હલકું બોલાય ત્યારે દીકરી અંદરથી તૂટી જાય છે. પતિનું ગમે તેટલું સારું વર્તન હોય પણ જિંદગી કુટુંબના અન્ય સભ્યો સાથે પણ જીવવાની હોય છે જેથી આવી વાતો ઘર કરી જવાના લીધે ઝગડાઓ વધે છે.


(૫)આપણા શાસ્ત્રમાં વર્ણવ્યા મુજબ ઉંમરને અનુરૂપ આશ્રમ વ્યવસ્થાનું પાલન કરીશું

આ સૌથી મહત્વની વાત છે. આપણાં શાસ્ત્રમાં ઉંમરની દરેક અવસ્થાને જુદા જુદા આશ્રમોમાં વહેંચી છે. આ આશ્રમોમાં પચાસ વર્ષ પછીની અવસ્થાને વાનપ્રસ્થાશ્રમ ગણાવી છે, મતલબ કે આ ઉંમરમાં માણસે વનવાસ જેવી સ્થિતિમાં જીવવું જાેઈએ. આનો અર્થ એ નથી કે વનમાં જઈને જીવવું, પરંતુ ઘરની બધી જ જવાબદારીઓ અને મોહમાયામાંથી મુક્તિ લઈ લેવી જાેઈએ. મોટાભાગે વડીલો આ નથી કરી શકતા હોતા જેના લીધે ઘરમાં કજીયાઓ અને કંકાસ ઉભા થાય છે. મોહત્યાગ ઘણીબધી સમસ્યાનું નિવારણ છે. પરણીને વહુ ઘરમાં આવે પછી થોડો સમય એને ઘડવામાં લાગે, એ પછી એના હવાલે ઘર કરીને શાંતિથી કોઈ દખલઅંદાજી વગર દરેક વડીલ રહે તો અમુક સમસ્યાઓ ટળી જાય.


(૬)બદલાતા સમય અને સંજાેગો સાથે વિચારસરણી, માન્યતા અને વ્યવહાર બદલશું

આ ખૂબ જ અગત્યની વાત છે.મોટાભાગે એવું બનતું હોય છે કે નવી નવી સાસુ બન્યા પછી ઘરની વડીલ સ્ત્રી અદ્દલ એવું જ વર્તન કરે છે જેવું એક જમાનામાં એના સાસુએ કર્યું હોય. બંધન, ટોકટોક, જીદ, અહમ આ બધું જ જેવું એના સાસુએ એને કર્યું એવું જ એ એની વહુ સાથે કરે છે. એને એ વિચાર નથી આવતો કે જમાનો બદલાયો છે. રીતરિવાજ, ભણતર, સમજણ, કાર્યક્ષેત્ર બધું જ બદલાયું છે. હવે જુનવાણી રીતો કે વિચારો આજની પેઢીમાં એપ્લાય ન થાય. જે રીતે બહાર અભ્યાસ કરતી આપણી દીકરી ભણતર પછી ઘરકામ અને વ્યવહારમાં જેટલો રસ કે આવડત ધરાવતી હોય એટલું જ દરેક ઘરમાં હોય એ હકીકત સ્વીકારી લઈએ તો કોઈ પ્રશ્નો નથી થતા.


(૭) પરિવાર આપણો છે અને એને એક રાખવાની આપણે પણ એટલા જ સભાન રહીશું

પતિ-પત્ની વચ્ચે મતભેદ હોય ત્યારે પરિવારના અન્ય સદસ્યો એ બન્નેની દલીલો કે ઝગડામાં મોટાભાગે વચ્ચે નથી પડતા હોતા. ‘એનો ઝગડો છે,એ ઉકેલી લેશે’ આવું વલણ હોય છે. ઝગડો કદાચ બે વચ્ચેનો હોય પણ એની અસર ઘરના વાતાવરણ પર થતી હોય છે. વડીલોનો આટલા વર્ષોનો અનુભવ સંતાનોના જીવનમાં શાંતિ તો લાવી જ શકે, બસ થોડી સમજણ, થોડો પ્રયત્ન અને થોડી પોતીકાપણાંની ભાવના બધું ભેગું કરી એને પરિવારમાં અમલમાં મૂકીને સંતાનનું લગ્નજીવન અને કુટુંબની શાંતિ સાચવી રાખી એ વચન દરેક પરિવારે લેવા જેવું છે.

એક પરિવારમાં અનેક જિંદગી જીવાતી હોય છે. દરેક જિંદગીનો એક-એક ખૂણો તો એકબીજાને અડેલો રહેતો હોવો જ જાેઈએ.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution