એપ્રિલમાં સેવા ક્ષેત્રની પ્રવૃત્તિ સાધારણ મંદ પડી પરંતુ માંગમાં મજબૂતાઈ જારી



મુંબઈ : ઉત્પાદન ક્ષેત્ર બાદ દેશની સેવા ક્ષેત્રની પ્રવૃત્તિ પણ માર્ચની સરખામણીએ એપ્રિલમાં સાધારણ મંદ પડી હતી. એસએન્ડપી ગ્લોબલ દ્વારા તૈયાર કરાયેલો એપ્રિલનો એચએસબીસી ઈન્ડિયા સર્વિસ પરચેઝિંગ મેનેજર્સ' ઈન્ડેકસ ૬૦.૮૦ રહ્યો હતો જે માર્ચમાં ૬૧.૨૦ જોવા મળ્યો હતો.

૫૦થી ઉપરના ઈન્ડેકસને જે તે ક્ષેત્રનું વિસ્તરણ ગણવામાં આવે છે. માર્ચની સરખામણીએ સાધારણ ઘટાડા છતાં એપ્રિલનો ઈન્ડેકસ સન્માનજનક સપાટીએ છે.

ઓગસ્ટ ૨૦૨૧થી સેવા ક્ષેત્રનો પીએમઆઈ સતત ૫૦થી ઉપર રહ્યા કરે છે. ઘરઆંગણે તથા વિદેશમાંથી મજબૂત માગને પરિણામે ઈન્ડેકસ ઊૅચો જોવા મળ્યો છે. મજબૂત માગને કારણે વેપાર વિશ્વાસ પણ એપ્રિલમાં વધી ત્રણ મહિનાની ટોચે રહ્યો હતો.

મજબૂત માગને કારણે નવો બિઝનેસ સબ-ઈન્ડેકસ ત્રણ મહિનાની ઊંચી સપાટીએ રહ્યો હતો જે છેલ્લા ૧૪ વર્ષમાં ત્રીજો મોટો ઈન્ડેકસ છે.

નિકાસ ઓર્ડર મજબૂત રહ્યા હતા પરંતુ માર્ચની સરખામણીએ તેમાં સાધારણ ઘટાડો જોવા મળ્યો હોવાનું પણ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.

વેપાર વિશ્વાસમાં વધારો થયો છે પરંતુ રોજગાર નિર્માણ કરવામાં તે સફળ રહ્યો નથી. કર્મચારીઓની ભરતી સ્થિર રહી હતી. કાચા માલ તથા ઊંચા લેબર કોસ્ટને કારણે સેવા પૂરી પાડવા પાછળના ખર્ચમાં વધારો થયો હતો.

જો કે સેવા ક્ષેત્રની કંપનીઓ દ્વારા ગ્રાહકો પર ખર્ચ પસાર કરવાની માત્રા માર્ચની સરખામણીએ ધીમી રહી હતી.સેવા તથા ઉત્પાદન ક્ષેત્રનો મળી સંયુકત પીએમઆઈ જે માર્ચમાં ૬૧.૮૦ રહ્યો હતો તે એપ્રિલમાં ઘટી ૬૧.૫૦ આવ્યો હોવાનું પણ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution