ઉમેદવારોની પસંદગીમાં પટેલોને વધુ તક આપવા માટેની ગંભીર વિચારણા ?

સુરત-

ગુજરાતમાં ફરી એકવાર સ્થાનિક ચૂંટણી સમયે જ અચાનક પાટીદાર અવાજ ઊઠતાં જ અલર્ટ બની ગયેલા ભાજપે સ્ટ્રેટેજી બદલીને પાટીદારને પ્રાયોરિટીમાં ટિકિટ આપવાની વિચારણા શરૂ કરી દીધી છે, કેમ કે ૨૦૧૫ની જિલ્લા-તાલુકા અને પાલિકાની ચૂંટણીમાં પાટીદાર મતદારોને કારણે ભાજપને હારનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સમયે જ એકાએક અમદાવાદના ઉમિયાધામ ખાતે લેઉવા અને કડવા પાટીદાર અગ્રણીઓએ સંયુક્ત રીતે શાસન અને વહીવટીતંત્રમાં પાટીદારોની બાદબાકી થતી જાય છે એવો સૂર ઉચ્ચારીને ભાજપ માટે એક સંદેશો મોકલી આપ્યો હતો. ત્યાર બાદ ભાજપનું પાર્લમેન્ટરી બોર્ડની બેઠક ચાલુ થઈ ગઈ છે, જેમાં ઉમેદવારોની પસંદગી થશે, એ વચ્ચે હવે પાટીદારોનાં નામ પર વિચારણા કરવાની ભાજપને ફરજ પડે એવી શક્યતા છે.

ભાજપનાં સૂત્રોના જણાવ્યા, મુજબ ભલે ૨૦૧૫ જેવું ડેમેજ ૨૦૨૧ની ચૂંટણીમાં થઈ શકે એમ નથી અને તેથી પક્ષે જે રીતે ઉમેદવારોની પેનલ બનાવી છે એમાં પાટીદારોનો અવાજ મજબૂત રીતે રજૂ થાય તેવું ન હતું. એમાં હવે પાટીદારો એ એકતા બતાવી દેતાં હવે પુનઃવિચારણા કરવી પડે તેમ છે, પાટીદારો માને છે કે ભાજપે પાટીદારોની બાદબાકી કરી છે, જેથી પાટીદાર સમાજના આગેવાનોની નારાજગીની સાથે લાગણી અને માગણીને ધ્યાને લઈ ભાજપની પાર્લમેન્ટરીની મેરેથોન બેઠકમાં મહાનગરપાલિકાની ઉમેદવાર પસંદગીમાં કેટલીક પેનલો ફેરવીને પાટીદારોને મહત્ત્વ અપાય તેવી શક્યતા છે.

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં કડવા અને લેઉવા પાટીદારો એક મંચ પર આવતાં રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે. બે દિવસ પહેલાં ઊંઝા ઉમિયાધામમાં કડવા અને લેઉવા પાટીદાર સમાજની એક જ મંચ પર આયોજિત ચિંતન બેઠકમાં ખોડલધામ કાગવડના અધ્યક્ષ નરેશ પટેલે કહ્યું હતું કે ‘રાજકારણમાં પાટીદાર સમાજની નોંધ લેવાતી નથી.’ આ નિવેદનની પાટીદાર સમાજ પર ઘેરી અસર થઈ છે. પાટણના સંડેર નજીક કાગવડ ટ્રસ્ટના નેજા હેઠળ ખોડલધામનું નિર્માણ થવાનું છે. આ સ્થળના નિરીક્ષણ માટે જતાં પહેલાં નરેશ પટેલ અને અન્ય ટ્રસ્ટીઓએ ઊંઝામાં કડવા પાટીદારોનાં કુળદેવી ઉમિયા માતાજીનાં દર્શન કર્યાં હતાં.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution