દિલ્હી-
દિલ્હી પોલીસે ૫૦ થી વધુ ટ્રક તેમજ ટેકસી ડ્રાઇવરોની હત્યા કરી ચુકેલા સિરિયલ કિલરને ઝડપી લીધો છે. આરોપી બીએએમએસ ડોકટર દેવેન્દ્ર શર્મા (૬૨) રાજસ્થાનમાં હત્યાના કેસમાં જાન્યુ.માં પેરોલ પર જેલમાં છૂટ્યા બાદ ફરાર થઇ ગયો હતો તે કિડની રેકેટનો સૂત્રધાર પણ છે. અને અગાઉ પણ ઝડપાઇ ચૂકયો છે. તેની સામે યુપી, દિલ્હી, હરિયાણા અને રાજસ્થાનમાં કેસ થયેલા છે. પોલીસે તેને બાપરૌલા વિસ્તારમાંથી પકડ્યો.
દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાંચના ડીસીપી રાકેશ પવારિયાએ બુધવારે જણાવ્યું કે દેવેન્દ્ર શર્મા મૂળે યુપીના અલીગઢનો રહેવાસી છે. તે જયપુરમાં હત્યાના કેસમાં જેલમાં હતો. જાન્યુ.માં પેરોલ પર છૂટ્યા બાદ તેણે નિર્ધારિત સમયે કોર્ટમાં સરન્ડર ન કર્યું. તેણે ૫૦ હત્યા કરી હોવાનું કબૂલ્યુ છે. વર્ષ ૨૦૦૨ થી ૨૦૦૪ દરમિયાન તે હત્યાના ઘણા કેસોમાં પકડાયો હતો. તેણે વર્ષ ૧૯૯૪ થી ૨૦૦૪ દરમિયાન ગેરકાયદે રીતે અંદાજે ૧૨૫ કિડની ટ્રાન્સપ્લાન્ટ પણ કરાવ્યા છે. તેને કેસ દીઠ ૫ લાખથી ૭ લાખ રૂ. જેટલી રકમ મળતી હતી.