તારક મહેતા કા ઊલટા ચશ્મામાં જેઠાલાલની પત્ની દયાબહેનના રોલ માટે ગુજરાતી અભિનેત્રી અમી ત્રિવેદીને ઓફ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. અગાઉ આ પાત્રને અભિનેત્રી દિશા વાકાણીએ પોતાની આગવી શૈલીથી અનહદ લોકપ્રિય બનાવ્યું હતું. પરંતુ લગ્ન પછી અને ખાસ તો એક પુત્રીની માતા થયા પછી દિશા વાકાણી સિરિયલમાં પાછાં ફર્યાં નહોતાં. એ દરમિયાન એવી વાતો પણ ઊડી હતી કે દિશાએ અમુક કલાક જ કામ કરવાની શરત મૂકી હતી અને એવી વાત પણ વહેતી થઇ હતી કે દિશાએ વધુ પુરસ્કાર માગ્યો હતો. જે હો તે, પણ દિશા આ સિરિયલમાં પાછી ફરી નહોતી.
દરમિયાન, સિરિયલના સર્જક અસિત મોદીએ અમી ત્રિવેદીનો સંપર્ક સાધ્યો હોવાનું જાણવા મળ્યું હતું. જો કે અમીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે મારો સંપર્ક સાધવામાં આવ્યો નથી. આ તો નરી અફવા છે. જો કે મને મારા મિત્રો સતત કહે છે કે આ રોલની ઑફર મળે તો મારે સ્વીકારી લેવી જોઇએ. હજુ સુધી આવી કોઇ ઑફર આવી નથી. આવે ત્યારે વિચારીશ. અત્રે એક વાત નોંધવી જોઇએ કે તારક મહેતા હયાત હતા ત્યારે એક ઇન્ટરવ્યૂમાં તેમણે એવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે દયાબહેન અને ચંપકલાલ આ બે પાત્રો બહુ ઓવરએક્ટિંગ કરે છે.
હવે એવા અહેવાલ હતા કે દયાબહેનનું પાત્ર ન હોવાથી સિરિયલને કશો ફરક પડતો નથી એવું અસિત મોદીએ કહ્યું હતું. દયાબહેન ગેરહાજર રહેવા છતાં સિરિયલ સારી ચાલે છે અને એના દર્શકોની સંખ્યામાં કોઇ મોટો ઘટાડો થયો નથી એવું એના સર્જક માને છે. અસિત કહે છે કે દયાબહેન ગયાને અઢી વરસ થયાં. સિરિયલની લોકપ્રિયતામાં જરાય ઓટ આવી નથી. દયાબહેન આવે તો વેલકમ છે અને ન આવે તો સિરિયલને કશો ફરક પડતો નથી.