અમદાવાદ-
ભાદરવા વદ અમાસએ પિતૃઓની કૃપા મેળવવાનો શ્રેષ્ઠ દિવસ છે. આ દિવસે કોઈ પિતૃ કે જેમનું શ્રાદ્ધ રહી ગયું હોય, જેમને પિતૃઓની તિથિ યાદ નથી. તેમના નામનું શ્રાદ્ધ, તર્પણ, દાન વગેરે આ અમાસના રોજ કરવામાં આવે છે. આ વખતે 17 સપ્ટેમ્બરે આ અમાસ આવે છે. આ અમાસને મોક્ષદાયીની અમાસ પણ કહેવામાં આવે છે. સર્વપિતૃ અમાસના દિવસે સવારે સ્નાન બાદ પંચબલી એટલે કે ગાય, કૂતરા, કાગડા, દેવ અને કીડીઓ માટે ભોજનનો અંશ કાઢીને તેમને આપવો જોઈએ. આ ઉપરાંત બ્રાહ્મણ કે કોઈ ગરીબને ભોજન કરવું જોઈએ. પોતાની ક્ષમતા પ્રમાણે દાન આપવું જોઈએ. બ્રાહ્મણને ભોજન આપ્યા પછી પિતૃઓને ધન્યવાદ આપો અને જાણતા અજાણતામાં થયેલી ભૂલ માટે તેમની માફી માંગો. ત્યારબાદ આખા પરિવાર સાથે બેસીને ભોજન કરો.
સર્વપિતૃ અમાસની તિથિ અને શ્રાદ્ધ મુહૂર્ત:
સર્વપિતૃ અમાસની તારીખ: 17 સપ્ટેમ્બર, 2020
અમાસની તિથિ આરંભ: 16 સપ્ટેમ્બરના રોજ સાંજે 7.56 મિનિટ,
અમાસની તિથિ સમાપ્ત : 17 સપ્ટેમ્બર રાત્રે 4.29 સુધી
સર્વપિતૃ અમાસે કરો તર્પણ અને પિંડદાન:
પિતૃપક્ષમાં રોજ તર્પણ કરવું જોઈએ. જો ન કરી શક્યા હોય તો સર્વપિતૃ અમાવસ્યાના દિવસે પાણીમાં દૂધ, જવ, ચોખા અને ગંગાજળ નાંખીને તર્પણ કરવું જોઈએ. આ દરમ્યાન પિંડદાન પણ કરવું જોઈએ. આ દિવસે પીપળ પૂજા પણ કરવામાં આવે છે, જેથી પિતૃઓ પ્રસન્ન રહે છે. આપણે વધી વધીને આપણી ત્રણથી ચાર પેઢીના નામ જાણતા હોઈએ છીએ અને તિથિ પ્રમાણે દરેક પિતૃઓનું શ્રાદ્ધ નાંખતા હોઈએ છીએ પણ આપણા વંશના અમુક પિતૃઓ એવા હોય છે. જેને આજે આપણે નામથી પણ ના ઓળખી શકીએ એથી સ્વાભાવિક છે શ્રાદ્ધ વખતે એમનું શ્રાદ્ધ કરી ન શકીએ. ત્યારે સર્વપિતૃ અમાસ એ અવસર છે, જ્યારે આવા નામી-અનામી સૌનું નામ લઈ, હૃદયથી તેમનું સ્મરણ કરીને એમનો આભાર વ્યક્ત કરી શ્રાદ્ધ કરવું.