પોલીસ અધિકારીઓના ગૃપમાં મૂવી ડાઉનલોડ કરવાની લિંક મોકલી, અને પછી થયું એવું કે..

સુરત-

સામાન્ય રીતે સાયબર માફિયાઓ સીધા જ લોકોના ફોન અને ડેટા હેક કરતા હોય છે. જોકે, તાજેતરમાં જ એક નવા પ્રકારના સાયબર ફ્રોડને કારણે સુરતમાં પોલીસ અધિકારીઓની ઉંઘ ઉડી ગઈ છે. પોલીસ અધિકારીઓના વોટ્સએપ ગૃપમાં ફ્રી મૂવી ડાઉનલોડ કરવાની લિંક આવી હતી. જેના થકી પોલીસ અધિકારીઓના ફોન હેક કરવાની કોશિશ થતા ક્રાઈમ બ્રાન્ચની ટેકનિકલ ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. વોટ્સએપ પર મોકલવામાં આવેલી લિંક ઓપન કરવામાં આવતા આ લિંક આપોઆપ બીજા ગૃપમાં પહોંચી જતી હતી. આ લિંક પર ક્લિક કર્યા બાદ કેટલાક પોલીસ અધિકારીઓના ફોન કોલ્સ પણ ડાયવર્ટ થયા હતા. એકસાથે સંખ્યાબંધ પોલીસ અધિકારીઓના ફોન આ પ્રકારે હેક થતા તેઓ દોડતા થઈ ગયા હતા અને ઘટનાની જાણ ક્રાઈમ બ્રાન્ચની ટેક્નિકલ ટીમને સોંપવામાં આવી હતી. સુરતમાં પોલીસ અધિકારીઓના વોટ્સએપ ગૃપમાં એમેઝોન તેમજ નેટફ્લિક્સમાંથી ફ્રી મૂવી ડાઉનલોડ કરવા માટેની લિંક આવી હતી. કેટલાક પોલીસ અધિકારીઓએ આ લિંક ઓપન કરતા તેમના મોબાઈલના તમામ ગૃપ અને કોન્ટેક્ટ્સને આપોઆપ તે લિંક ફોરવર્ડ થઈ ગઈ હતી. જેથી આ મામલે ક્રાઈમ બ્રાન્ચની ટેકનિકલ ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution