મુંબઈ-
ભારતમાં હજી બજેટ પેશ થવા આડે બે દિવસ છે અને ચીન-તાઈવાન વચ્ચે તંગદિલી વધી રહી છે તેમજ વૈશ્વિક અનિશ્ચિતતાને પગલેે શુક્રવારે પણ શેરબજારમાં સેન્સેક્સે પીછેહઠ ચાલુ રાખી હતી. એક સમયે આગલા બંધથી 550 અંક સુધી કૂદકો માર્યા બાદ બજારમાં સુધારો જણાયો હતો, પરંતુ સ્થાનિક અને વિદેશી રોકાણકારોની વેચવાલીના દબાણ હેઠળ સેન્સેક્સમાં આ સુધારો અલ્પજીવી નિવડ્યો હતો અને વધ્યા મથાળેથી 1264 પોઈન્ટ નીચે જઈ ખાબકતાં તેજી ધોવાઈ ગઈ હતી. આખરે સેન્સેક્સ 588 પોઈન્ટ તૂટીને 11ના ટકોરે 46250ની આસપાસ જોવા મળ્યો હતો. રોકાણકારોની સંપત્તિમાં 11.46 લાખ કરોડનું ધોવાણ થઈ ગયું હતું.
બીજીબાજુ, બુલિયન માર્કેટમાં સુધારો જોવાયો હતો. ચાંદીમાં 3500 રૂપિયા જેટલો સુધારો જોવાતાં તે 70,500ની સપાટી પર પહોંચી ગઈ હતી. સપ્ટેમ્બર 2020 પછી આ સૌથી ઊંચી સપાટી જોવાઈ છે. વૈશ્વિક બજારમાં પણ સોનામાં સુધારો જોવાયો હતો અને તેના ભાવ 24 ડોલર સુધરીને 1869 ડોલર્સ થયા હતા. ચાંદીમાં પણ 94 સેન્ટનો સુધારો થતાં તે 28 ડોલર્સ પર ટ્રેડ કરાઈ હતી.
એફપીઆઈ દ્વારા ભારતીય શેરબજારોમાં છેલ્લા ત્રણ મહિનામાં શુક્રવારે સૌથી મોટી વેચવાલી જોવાઈ હતી. આ દિવસે 5931 કરોડની વેચવાલી થઈ હતી. જાણકારોનું કહેવું હતું કે, સમગ્ર સપ્તાહમાં એફપીઆઈ દ્વારા આશરે 10,000 કરોડનો નફો બૂક કર્યો હતો. એફપીઆઈની વેચવાલી સામે સ્થાનિક સંસ્થાઓ દ્વારા 2444 કરોડની ખરીદી કરાઈ હતી.