અમદાવાદ-
સપ્તાહના છેલ્લા દિવસે આજે શેર બજારની ફ્લેટ શરૂઆત થઈ હતી. ત્યારે આજે શેર બજાર ઉછાળા સાથે બંધ થવામાં સફળ રહ્યું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 175.62 પોઈન્ટ (0.31 ટકા)ના વધારા સાથે 56,124.72ના સ્તર પર બંધ થયો છે. તો નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 68.30 પોઈન્ટ (0.41 ટકા)ની મજબૂતી સાથે 16,705.20ના સ્તર પર બંધ થયો છે. આજે દિવસભરના વેપાર દરમિયાન બજારમાં ઈન્ટ્રાડેમાં ઉછાળો થયો હતો અને સેન્સેક્સ-નિફ્ટી રેકોર્ડ ઉંચાઈ પર બંધ થયો છે. આ સપ્તાહ દરમિયાન શેર બજારમાં જોવા મળેલી ઉથલપાથલ અંગે ટ્રેડબુલ્સ સિક્યોરિટીઝના ડિરેક્ટર આસિફ હિરાણીએ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, નિફ્ટીમાં મજબૂતી જળવાઈ રહેવાની અપેક્ષા છે. કારણ કે, તે 5 સપ્તાહની મુવિંગ એવરેજના 16,390ના સપોર્ટ ઝોન પર ટ્રેડ થઈ રહ્યો છે. તેનો સાપ્તાહિક આરએસઆઈ અગાઉના 72 આસપાસના સ્વિંગ લેવલ પર બ્રેકઆઉટની ખાતરી આપે છે. હાલમાં કોઈ ડાયવર્ઝન્સના સંકેતો મળી રહ્યા નથી. આમ, નિફ્ટી ફ્લેગ પેટર્ન ટાર્ગેટ ઝોન 17,000-17,170 નજીક ગતિ કરતો જોવા મળી શકે છે. બેન્કિંગ, ફાઈનાન્સિયલ્સ અને ઓટો વધારાનો સપોર્ટ પૂરો પાડી શકે છે. આઈટી, એફએમસીજી અને મેટલ્સ સારો દેખાવ જાળવી રાખશે.