વડોદરા : રાજ્ય શિક્ષણ વિભાગે કોરોનાની મહામારીને ધ્યાને રાખીને ધોરણ ૧૦ ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપીને ધોરણ ૧૧ માં પ્રવેશ આપવાની જાહેરાત કરી છે.પણ ધોરણ ૧૧ માટે શાળામાં પૂરતા વર્ગ તેમજ શિક્ષકો નહી હોવાથી વિદ્યાર્થીઓને કેવી રીતે ભણાવવા તે એક સમસ્યા બની છે.ત્યારે રાજ્ય સરકારે શહેર જીલ્લા ૮૧ શિક્ષકોની નિમણૂંક કરી છે.અને આ શિક્ષકોને તા ૧ ના રોજ મુખ્યમંત્રી દ્વારા નિમણૂંક પત્ર આપવામા આવશે.
કોરોનાની મહામારીમાં વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય અને સલામતીને ધ્યાને રાખીને રાજ્ય સરકારે ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપીને ધોરણ ૧૧ માં પ્રવેશ આપવાની જાહેરાત કરી છે.અને આ માસ પ્રમોશનથી રાજ્યના લાખો વિદ્યાર્થીઓ ધોરણ ૧૧ માં સીધેસીધા પ્રવેશને પાત્ર બન્યા છે.પણ રાજ્યની શાળામાં ધોરણ ૧૧ ના વર્ગ ઓછા તેમજ શિક્ષકો પણ ઓછા હોવાથી વિદ્યાર્થીના અભ્યાસને લઇને વિકટ સ્થિતિ ઉભી થઇ છે. બીજી તરફ રાજ્ય સરકારે શાળાઓને ધોરણ ૧૧માં નવા વર્ગ શરુ કરવા માટે અરજી કરવા જણાવ્યું છે.તેવા સમયે ઘણી શાળાઓએ ધોરણ ૧૧માં નવા વર્ગ શરુ કરવા તેમજ વર્ગની સંખ્યા વધારવા ઓનલાઇન અરજી કરવાની શરુઆત કરી છે.તેવા સમયે રાજ્ય શિક્ષણ વિભાગે ઉચ્ચતર માધ્યમિકમાં ૨૯૬૦ શિક્ષકોની પસંદગી કરી છે.રાજ્ય સરકારે ગત ડીસેમ્બર ૨૦૨૦માં શિક્ષકોની ભરતી પ્રક્રિયા હાથ ધરી હતી.પણ કોરોનાને કારણે આ ભરતી પ્રક્રિયા ખોરંભે ચઢી હતી.પણ હવે ધોરણ ૧૧માં શિક્ષકોની અછત દૂર કરવા માટે રાજ્ય સરકારે ૩૦૦૦ શિક્ષકોની અવેજમાં ૨૯૬૦ શિક્ષકોની નિમણૂંક કરી છે.આ શિક્ષકો ધોરણ ૧૧ અને ૧૨ ના વિદ્યાર્થીઓને ભણાવશે.શહેર જીલ્લામાં ૧૦૩ પૈકી ૮૧ શિક્ષકોની પસંદગી કરાઇ છે.આ શિક્ષકોને તા ૧ જુલાઇના રોજ એક ખાસ કાર્યક્રમ થકી રાજ્યના મુખ્યમંત્રી સવારે ૧૦-૩૦થી ૧૧ દરમ્યાન નિમણૂંક પત્ર આપશે.ત્યાર બાદ બાકીના શિક્ષકોને જીલ્લા કલેકટરના હસ્તે નિમણૂંક પત્ર એનાયત કરવામાં આવશે.