ગૃહસ્થજીવનમાં ભગવાન ગણેશજીને ‘ગાઈડ’ બનાવી જુઓ!

ગણપતિ આયો રે બાપા રિદ્ધિ સિદ્ધિ લાયો...ગણનાયક એટલે આગેવાન.તમામ અનુયાયીઓના અધ્યક્ષ. પરિવારની રીતે જાેઈએ તો કુટુંબમાં એક મુખિયા હોય તે સ્થાન ગણપતિનું છે. આથી ગણેશજી ગૃહસ્થ જીવનના મુખ્ય સ્વામી તરીકે પૂજાય છે. ગૃહસ્થજીવન જીવનાર દરેક વ્યક્તિએ ભગવાન શ્રી ગણેશે આપેલા ઉપદેશોનું પાલન કરવું એ ઘર પરિવાર માટે હિતકારક ગણાય છે. કદાચ આથી જ દર વર્ષે ગણેશ ચતુર્થીના દિવસે લોકો પોતાના ઘરમાં શ્રી ગણેશ ભગવાનનું સ્થાપન કરતા હોય છે.

 દેશના ઘણા રાજ્યોમાં ગણેશોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવાય છે. આ દસ દિવસ દરમિયાન ગણેશજી અનેકવિધ રુપમાં જાેવા મળે છે. આપણા શાસ્ત્ર પ્રમાણે દરેક શુભ કાર્યની શરૂઆતમાં ભગવાન ગણેશને સૌથી પહેલા પૂજવામાં આવે છે. તેમની પૂજા કર્યા પછી જ અન્ય દેવતાઓની પૂજા કરવામાં આવે છે. કારણ કે એવું કહેવાયું છે કે શ્રી ગણેશ વિઘ્નોનો નાશ કરનાર છે. તમામ કાર્યમાં આવનારા અવરોધોને દુર કરે છે. શ્રાવણ માસની પુર્ણાહુતિ જ્યારે ધરતી પર હરિયાળી પ્રકૃતિનું સૌંદર્ય પ્રસરે છે. ત્યારે શિલ્પકાર ઘરના આંગણામાં ગણેશ મૂર્તિઓને આકાર આપવા લાગે છે અને દરેક ઘરમાં મંગલમૂર્તિની સ્થાપના થાય છે.

 બધા ભગવાનમાં શા માટે શ્રી ગણેશજીની જ પ્રથમ પૂજા કરવામાં આવે છે..? દરેક ઈશ્વર કષ્ટહર્તા છે. તેમ છતાં દરેક શુભ કાર્યમાં પ્રથમ ગણેશ સ્થાપન શા માટે..?

 શ્રી ગણેશનાં અંગો અને તેમની પ્રિય વસ્તુઓમાં કેટલાક ગૂઢાર્થ રહેલા છે. જેમ કે, સૌ પ્રથમ ગણપતિનો દેખાવ જાેઈએ તો તેમનું મુખ ગજમુખ છે. તેની આંખો હાથીની જેમ દીર્ઘદ્રષ્ટા હોય છે. તેથી જીવનમાં આવનારા વિઘ્નોને તે જાેઈ શકે છે. લાંબી સુંઢ સૂક્ષ્મથી અતિ સુક્ષ્મ સુગંધ પારખી શકે તેવી તીક્ષ્ણ ધ્રાણેન્દ્રિય ધરાવે છે. જે આપણને તેવી શીખ આપે છે કે આજુબાજુની હવાને સુંઘતા આવડવી જાેઈએ એટલે કે પરિસ્થિતિને સમજતા શીખવું પડે. તો જ જીવનમાં યોગ્ય સફળતા મેળવી શકાય. સુપડા જેવા મોટા કાન નાનામાં નાનો અને અતિ દૂર થતો જરાસરખો પણ અવાજ સાંભળી શકે છે. આથી ભક્તોના મનનો સાદ પણ તે સાંભળી લેતા હોય છે. તેનું નાનું મોઢું એવું કહે છે કે કામ વગરનું ક્યારેય ન બોલવું. ઓછું બોલવું અને વધુ સાંભળવું.

 ભગવાન ગણેશનું વાહન મૂષક છે. ભગવાનનું શરીર ભારે અને નાનકડો ઉંદર તેમનું વાહન..! સમજવામાં કંઈક અલગ લાગે. પરંતુ ઉંદરને વાહન બનાવવા પાછળ પણ એક તર્ક છે. ઉંદર ઈચ્છાનું પ્રતીક છે. બેકાબૂ ઈચ્છા અશાંતિ સર્જે છે. તેથી ઈચ્છાને ગુલામ બનાવી તેનાં પર સવારી કરી તેના પર કાબુ મેળવો. જેથી અયોગ્ય ઈચ્છાઓ જીવનમાં ક્યારેય તમને ખોટા માર્ગે ખેંચીને ન જાય.

 ભગવાનને મોદક સૌથી પ્રિય ભોજન છે. જે મીઠાશનું સૂચક છે. મિષ્ટ ભોજન કરનારની વાણી પણ મીઠી હોય છે. મીઠી વાણીથી દરેક વ્યક્તિના મનને જીતી શકાય છે. શ્રી ગણેશને દુર્વા અતિ પ્રિય હોય છે. જે શીખવે છે કે અકીંચનને પણ માન આપો. નાનામાં નાના વ્યક્તિને પણ જ્યારે આદર આપવામાં આવે છે ત્યારે તે સંકટના સમયમાં તમારી સૌથી આગળ જઈને ઊભા રહે છે.

શિવપાર્વતીના પુત્ર અને રિદ્ધિ સિદ્ધિના પતિ તરીકે પૂજાતા શ્રી ગણેશ કેતુ ગ્રહના અધિપતિ દેવતા મનાય છે. સંસારના જે પણ કંઈ સાધન છે તેમના સ્વામી ગણાય છે. આથી હિન્દુ ધર્મમાં દરેક કાર્યની શરૂઆત શ્રી ગણેશની પૂજાથી કરવામાં આવે છે.

 ભગવાન શ્રી ગણેશનું સ્થાપન ભાદરવા સુદ ચોથના દિવસે કરવામાં આવે છે અને ઉત્થાપન સુદ ચૌદશના દિવસે કરવામાં આવતું હોય છે. દસ દિવસ શ્રી ગણેશ આપણા ઘરમાં મહેમાન તરીકે રહેતા હોય છે. આપણા ઘરની બધી તકલીફો,ગતિવિધિઓ, વિષમતાઓ,અને સમસ્યાઓને સાંભળી જાેઈ અને ચૌદશના દિવસે પોતાની સાથે લઈ જઈ અને પાણીમાં વિસર્જિત કરી દે છે અને આપણા ઘર કુટુંબને સુખ શાંતિ અને સંપન્નતાના આશીર્વાદ આપીને જતા હોય છે.આવી એક ધાર્મિક માન્યતા છે. આપણે જ્યારે ગણેશજીનું વિસર્જન કરવા જઈએ ત્યારે એવું લાગે કે જાણે કોઈ અંગત સ્વજનને વિદાય આપતા હોય..! પરંતુ આ વિસર્જન પણ એક સત્યને દર્શાવે છે કે, જેનું સર્જન છે તેનું વિસર્જન આવશ્યક છે. પરિવર્તન દુનિયાનો નિયમ છે. જૂનું વિસર્જિત થાય પછી જ નવું નિર્માણ થઈ શકે. જન્મ મરણના આ ફેરા પણ સર્જન અને વિસર્જનની પ્રક્રિયાનો જ એક ભાગ છે. તેવું ભગવાન શ્રી ગણેશના આ ઉત્સવમાંથી આપણને શીખવા મળે છે.

 આપણે આપણા સંતાનોને તહેવારોની મજા માણતા તો શીખવીએ છીએ. પરંતુ તહેવાર પાછળના સત્યો અને તેનું મહત્વ સમજાવી શકતા નથી. જાે આપણે કુટુંબના વડીલ તરીકે એવું ઇચ્છતા હોઈએ કે આપણી કૌટુંબિક ધરોહર પરંપરા અને રીતિ રિવાજ યથા યોગ્ય રીતે જળવાઈ રહે તો આપણે સંતાનો સાથે બેસી અને ધાર્મિક વિમર્શ કરવો જરૂરી બની રહે છે. આજના સમય પ્રમાણે જાે ભારતીય સંસ્કૃતિમાં સનાતન ધર્મની રક્ષા કરવી હશે તો એક સાચા હિન્દુ તરીકે આપણે આપણી આવનારી પેઢીને આપણા ધર્મ વિશે આપણાં દેવી-દેવતા વિશે અને આપણાં તહેવારોમાં રહેલા સત્યો વિશેની માહિતી આપવી પડશે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution