શ્રીનગર,: ૨૧મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે વડાપ્રધાન મોદીની શ્રીનગર મુલાકાતને ધ્યાનમાં રાખીને જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. અધિકારીઓએ કહ્યું કે પીએમના કાર્યક્રમ માટે બહુસ્તરીય સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી રહી છે. શ્રીનગરની હાઈપ્રોફાઈલ મુલાકાતને ધ્યાનમાં રાખીને સુરક્ષા એજન્સીઓએ તમામ મહત્વના રસ્તાઓ અને જંકશન પર વધારાની ચેકપોઈન્ટ ગોઠવી છે.
વડાપ્રધાન શ્રીનગરમાં યોગ કાર્યક્રમમાં ભાગ લેશે. આ કાર્યક્રમ શેર-એ-કાશ્મીર ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટરના પાછળના ભાગમાં યોજાશે. લેફ્ટનન્ટ ગવર્નરના વહીવટીતંત્રે યાત્રા માટે પહેલાથી જ મોટા પાયે વ્યવસ્થા કરવાનું શરૂ કરી દીધું છે. જમ્મુ અને કાશ્મીર સ્પોર્ટ્સ કાઉન્સિલને આ પ્રસંગ માટે કોચ સહિત ૩,૦૦૦ ખેલાડીઓને એકત્ર કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. શ્રીનગર ઈન્ટરનેશનલ એરપોર્ટ રોડ પર એસકેઆઇસીસી સહિત મુખ્ય સ્થળોએ વધારાની પોલીસ અને અર્ધલશ્કરી દળોને તૈનાત કરવામાં આવ્યા છે.
અધિકારીઓએ જણાવ્યું કે સીસીટીવી ઉપરાંત, શંકાસ્પદ ગતિવિધિઓ પર નજર રાખવા માટે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના જવાનોને સમગ્ર શહેરમાં તૈનાત કરવામાં આવ્યા છે. જમ્મુ અને કાશ્મીર પોલીસના કમાન્ડો અને સીઆરપીએફના જવાનોને એસકેઆઇસીસીની આસપાસ તૈનાત કરવામાં આવશે જેથી કોઈ ઘટના ન બને. કાજીગુંડમાં કાશ્મીરમાં પ્રવેશતા વાહનોની તલાશી લેવામાં આવી રહી છે.