દેશમાં કોરોનાની બીજી લહેર: મહારાષ્ટ્ર, દિલ્હી, ગુજરાત, કર્ણાટકમાં સંક્રમણ વધ્યુ

દિલ્હી-

દેશમાં કોરોનાની નવી લહેર આવી હોય તેવા સંકેતમાં સંક્રમણના સતત વધી રહેલા કેસમાં હવે એક બાદ એક મહાનગરમાં આંશિક કે પૂર્ણ અથવા રાત્રીનું લોકડાઉન લાદવાનું શરૂ થયું છે અને મહારાષ્ટ્ર તેમાં અગ્રસ્થાને છે અને નાગપુરમાં સોમવારથી એક સપ્તાહનું લોકડાઉન આગામી તા.15થી અમલી બનશે તો બીજી તરફ મહારાષ્ટ્રના વધુ એક મહાનગર પુનામાં આજથી રાત્રીના 10થી સવારના 6 સુધીનું લોકડાઉન અમલી બની ગયુ છે તથા શાળા-કોલેજો તા.31 માર્ચ સુધી બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.

દેશમાં કોરોનાએ ફરી માથુ ઉંચકવાનું શરૂ કર્યુ છે તેને પગલે નવી લહેર શરૂ થવાની ખતરાની ઘંટડી વાગવા લાગી છે. મહારાષ્ટ્ર પછી દિલ્હી તથા કર્ણાટક અને ગુજરાતમાં પણ નવા કેસોના ડરામણા આંકડા આવવા લાગતા,કેન્દ્ર સરકારમાં પણ ચિંતાનું મોજુ ફરી વળ્યુ છે.ભારતમાં સતત બીજા દિવસે નવા કેસનો આંકડો 20,000 થી અધિક હતો. મહારાષ્ટ્ર પછી પંજાબ સરકારે પણ કેટલાંક શહેરોમાં નાઈટ કરફયુનુ એલાન કર્યુ છે.

ભારતમાં કોરોનાની નવી લહેર શરૂ થઈ રહ્યાના ભણકારા હોય તેમ નવા કેસ વધવા લાગ્યા છે.છેલ્લા સાત દિવસમાં નવા કેસોની સંખ્યામાં 67 ટકાની વૃધ્ધિ થઈ છે.11 ફેબ્રુઆરી સુધી સરેરાશ દૈનિક 11000 કેસ થયા હતા. તે વધીને 18371 થયા છે.બીજી તરફ ટેસ્ટીંગમાં સરેરાશ 40 ટકાનો ઘટાડો થઈ ગયો છે.

મહારાષ્ટ્રમાં આજે નવા કેસની સંખ્યા 14000 ને પાર થઈ ગઈ હતી. પંજાબ, દિલ્હી, ગુજરાત, કર્ણાટક જેવા રાજયોમાં પણ નવા કેસની રફતારમાં ઝડપી વધારો જોવા મળી રહ્યો છે. ભારતમાં છેલ્લા ચોવીસ કલાકમાં 21668 નવા કેસો નોંધાયા છે. આ સાથે એકટીવ કેસોની સંખ્યા પણ બે લાખને પાર થઈ ગઈ છે. પાટનગર દિલ્હીમાં 320 થી વધુ નવા કેસ નોંધાતા રાજય સરકાર સાવધ થઈ છે અને કોરોના માર્ગદર્શિકાનું કડક પાલન કરાવવાનાં આદેશ કરવામાં આવ્યા છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution