માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)એ ફ્યુચર એન્ડ ઓપશન્સ ટ્રેડિંગનો સમય વધારવાનો એનએસઈનો પ્રસ્તાવ રદ કર્યો છે. સેબીએ બ્રોકિંગ સમુદાયમાં સર્વસંમતિના અભાવને કારણે ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં બજારનો ટ્રેડિંગ સમય લંબાવવાની NSEની દરખાસ્તને ફગાવી દીધી છે.
એનએસઈના પ્રસ્તાવમાં F&O ઈન્ડેક્સના પ્રથમ તબક્કાનું ટ્રેડિંગના કલાકો વધારી સાંજના છ વાગ્યાના બદલે રાત્રે નવ વાગ્યા સુધી કરવાની દરખાસ્ત હતી. ટ્રેડિંગના કલાકો વધારવા પાછળનું કારણ આપતાં એનએસઈએ જણાવ્યું હતું કે, માર્કેટના સહભાગીઓને સાંજે આવતા વૈશ્વિક સમાચારોની અસર અને પ્રવાહ સમજવામાં મદદ મળી શકે છે. બીજા તબક્કાનું ટ્રેડિંગ 11.30 pm સુધી લંબાવવા ભલામણ કરવામાં આવી હતી. તેમજ કેશ માર્કેટ ટ્રેડિંગના કલાકો સાંજના પાંચ વાગ્યા સુધી લંબાવવા પણ અપીલ કરી હતી.
એનએસઈના સીઈઓ અને એમડી આશિષકુમાર ચૌહાણે એનએસઈના ચોથા ત્રિમાસિક પરિણામો રજૂ કરતાં કોન્કોલમાં જણાવ્યું હતું કે, વધુ પડતો ખર્ચ તથા ટેક્નોલોજિકલ જરૂરિયાતોના કારણે બ્રોકિંગ સમુદાયે ટ્રેડિંગના કલાકો વધારવા સર્વસંમતિ આપી નથી. જેથી સેબીએ આ પ્રસ્તાવ ફગાવ્યો છે.
એમ્બિટ ઈન્વેસ્ટમેન્ટ મેનેજર્સના એમડી ધીરજ અગ્રવાલ કહે છે કે, તેઓ ટ્રેડિંગના કલાકો વધારવા માટે મંજૂરી આપતા નથી. કારણકે, તે અગાઉથી જ વધુ છે. અને ટ્રેડર્સ અને રોકાણકારો માટે વધુ પડતા ટ્રેડિંગના કલાકો પર કામ કરવુ મુશ્કેલ બનશે. અગાઉ એસોસિએશન ઓફ નેશનલ એક્સચેન્જીસ મેમ્બર્સ ઓફ ઈન્ડિયાએ આ યોજનાને મંજૂરી આપી હતી.