મુંબઇ
વૈશ્વિક મહામારીના કહેર વચ્ચે નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં વિશ્વ અર્થતંત્ર અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યું હતું એવા કાળમાં બીએસઈના પ્લેટફોર્મ મારફત દેશની કંપનીઓએ ઈક્વિટી, બોન્ડ્સ, આરઈઆઈટીઝ, ઈન્વઆઈટીઝ અને કમર્શિયલ પેપરના લિસ્ટિંગ દ્વારા રૂ.૧૮,૫૬,૩૬૬ કરોડ (૨૫૨.૯૫ અબજ યુએસ ડોલર) એકત્ર કર્યા હતા. આગલા એટલે કે નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં રૂ.૧૨,૧૪,૬૮૦ કરોડની રકમ એકત્ર કરાઈ હતી. આમ બીએસઈ પરથી કંપનીઓ દ્વારા એકત્ર કરવામાં આવેલી રકમમાં ૫૩ ટકાનો વધારો થયો છે.
કંપનીઓ માટે બીએસઈ બોન્ડ પ્લેટફોર્મ પ્રાઈવેટ પ્લેસમેન્ટ ધોરણે ડેટ કેપિટલ પ્રાપ્ત કરવા માટેનું પ્રિય સ્થળ બની રહ્યું છે. ઘણી નગરપાલિકાઓ પણ આ પ્લેટફોર્મ પરથી સફળતાપૂર્વક ડેટ ઈશ્યુ દ્વારા મૂડી પ્રાપ્ત કરી ચૂકી છે.
બીએસઈ ડેટ પ્લેટફોર્મ્સ પર નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન રૂ.૫,૫૫,૦૦૦ કરોડ બોન્ડસ, રૂ.૨,૧૮,૦૦૦ કરોડ ઈક્વિટી ઈશ્યુઝ દ્વારા, રૂ.૨૫,૨૨૫ કરોડ ઈન્વઆઈટીઝ દ્વારા, રૂ.૪.૨૪૫ આરઈઆઈટીઝ અને રૂ.૧૦,૫૨,૦૦૦ કરોડ કમર્શિયલ પેપર્સ દ્વારા એકત્ર કરવામાં આવ્યા હતા.