ગાંધીધામ, ગાંધીધામ કંડલામાં ડીઆરઆઈ દ્વારા અન્ય એજન્સીઓને સાથે રાખીને ગત રોજથી અચાનક તપાસ શરૂ કરવામાં આવતા અનેક પ્રકારની અટકળોનું બજાર ગરમ થઈ ગયું હતું. આ સમગ્ર ઘટનાક્રમમાં ઈરાન અફઘાનિસ્તાન પટ્ટાથી રોક સોલ્ટની થતી આયાત કારણભૂત હોવાનું સામે આવી રહ્યું છે. કુલ ૨૭ જેટલા કન્ટેનર છે, જેમાં લદાયેલાં ૫.૪૦ કરોડની કિંમતનું ૬૪૮ ટન રોક સોલ્ટને સંપુર્ણ રૂપે તપાસ કરવામાં આવશે. એ પ્રકારના ઈનપુટ છે કે આ જથ્થામાં ડ્રગ્સ કે અન્ય અનધિકૃત જથ્થો સામેલ હોવાની સંભાવના છે. ડિરેક્ટરોટ ઓફ રેવન્યુ ઈન્ટેલીજન્સ સાથે પૂર્વ કચ્છની એસઓજી, રાજ્યની બોમ્બ ડિસ્પોઝલ ટીમ,એફએસએલ સહિતની ટીમો તપાસ કાર્યના બીજા દિવસે પહોંચી આવી હતી. કંડલાના વેર હાઉસમાં રાખેલા ૨૭ કંટેનરોની એક બાદ એક તપાસ કરવામાં આવી રહી છે, જેમાં “ઓન રેકર્ડ’’ ઈરાનથી લવાયેલા અંદાજે ૬૪૮ ટન રોક સોલ્ટ એટલે કે સિંધવ નમક સામેલ છે, જેની બજાર કિંમત અનુસાર કુલ કિંમત ૫.૪૦ કરોડ થવા જાય છે. હાલ આ સમગ્ર જથ્થાને ડીઆરઆઈએ સીઝ કરીને તપાસનો વ્યાપ આગળ ધપાવ્યો છે. અગાઉ આજ રૂટથી આવેલા કાર્ગોમાં ડ્રગ્સ મળ્યું હોવાના લીધે સરકાર કોઇ ચુકમાં રહેવા માંગતી ન હોવાથી આ જથ્થાને રોકાવી દઈને સંપુર્ણ ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે. કંટેનરોની સંખ્યા વધુ હોવાથી થોડા દિવસ આ ઓપરેશન ચાલતું રહે તે સંભવ છે. રોક સોલ્ટ એટલે કે સિંધવ મીઠું મહતમ રૂપે પાકિસ્તાનમાં સિંધ એટલે કે ઈન્ડસ અને પંજાબના મેદાનો વચ્ચે આવેલા વિસ્તારમાંથી પ્રાપ્ત થાય છે. ભારતના જાંબાઝ જવાનોની છાવણી પર ગત વર્ષોમાં મોડી રાત્રે કાયરતા પૂર્ણ થયેલા હુમલાઓ અને તેમાં પાકિસ્તાની સામેલગીરી સામે આવ્યું હતું.
જેના જવાબ રૂપે સ્ટ્રાઇક સિવાય ટ્રેડ ક્ષેત્રે ભારતે પાકિસ્તાનથી આવતા દરેક કાર્ગો પર ૨૦૦% ની ડ્યૂટી લાદી દીધી હતી, જે હજી પણ ચાલે છે.
જેના કારણે પાકિસ્તાનથી આવતા રોક સોલ્ટને આયાતકારો અન્ય દેશનું ઓરીજન ઓન પેપર દેખાડીને આયાત કરે છે, જેથી મોટા કરથી બચી શકાય. આ પ્રકારની ગેરરીતિ અગાઉ કંડલા અને મુંદ્રા બન્ને સ્થળોએ પકડાઈ ચુકી છે. કંડલા કસ્ટમ હોય કે મુંદ્રા કસ્ટમ, બન્ને સ્થળોએ મોટા પાયે ગેરરીતિઓને અંજામ આપીને સંડ્રી, લાંચ લેવામાં આવતી હોવાની ફરિયાદો ઉઠતી રહે છે. પરંતુ ટ્રેડ પોતાનો ધંધો બચાવવા કોઇ વેર લેવા ન માગતું હોવાથી આ અંગે ફરિયાદો કરતું ન હોવાની લોકમુખે ચર્ચા રહેતી હોય છે. આવી સ્થિતિમાં ગત રોજ કંડલામાં ડીઆરઆઈએ મોટા પાયે દરોડો પાડીને કેટલાક કસ્ટમના ભ્રષ્ટ અધિકારીઓને પણ જાંસામાં લીધા હોવાની કથિત અફવા વહેતી થતા કેટલાક અધિકારીઓ તો ભયના માર્યા “આઉટ ઓફ સ્ટેશન’’ થઈ ગયા હતા.