પાદરા
પાદરા નગરપાલિકાની મળેલી સામાન્ય સભામાં રૂા.૪.૨૫ કરોડના ખર્ચે વરસાદી કાંસ, આરસીસી રોડ, છીપવાડ તળાવ, રામેશ્વર તળાવને બ્યૂટિફિકેશન, ગટરલાઈન સહિતના વિવિધ નગરના વિકાસના કામોને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી.
પાદરા નગરપાલિકાની સામાન્ય સભા પ્રમુખ નિરાલીબેન પટેલ, ઉપપ્રમુખ સચિન ગાંધીના અધ્યક્ષસ્થાને કોરોના મહામારીને ધ્યાને લઈ સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય તે હેતુથી નગરપાલિકા હસ્તના પ્રમુખસ્વામી મહારાજના ટાઉનહોલમાં મળી હતી, જેમાં એજન્ડા પરના ૩૩ સહિતના કુલ ૪૦ વિકાસના કામોને મંજૂરી સર્વાનુમતે આપવામાં આવી હતી. જ્યારે સરકારના પરિપત્ર મુજબ માર્ચ મહિના સુધી સીસીટીવી, ફર્નિચર વગેરે ખરીદી શકાય તેમ ન હોય તેવા એજન્ડા પરના ત્રણ કામો નામંજૂર કરીને જેને મુલતવી રાખવામાં આવેલ હતા.
પાદરા નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો અને પાંચ વર્ષની ટર્મ પૂર્ણ થવાની આરે છે જ્યારે તેઓના પાંચ વર્ષના કાર્યકાળની આજે અંતિમ મિટિંગ મળી હતી. જેમાં સભાની શરૂઆતમાં નગરપાલિકાના માજી સદસ્ય ચંદ્રિકા પટેલનું દુઃખદ અવસાનની નોંધ લઈને બે મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.