ગુણ અને કર્મના આધારિત વર્ણના શાસ્ત્રોક્ત પ્રમાણો

સનાતન ધર્મમાં કોઈપણ તથ્યને ન્યાયદર્શનમાં આપેલ ચાર પ્રમાણોની એરણે ચકાસવામાં આવે છે. પ્રત્યક્ષ પ્રમાણ, અનુમાન, ઉપમાન અને શ્રુતિ પ્રમાણ. પ્રત્યક્ષ પ્રમાણ એટલે કે જે સ્પષ્ટ નજરે દેખાય છે તે. અનુમાન એટલે જે તમારા અનુભવમાં અને સ્વઅનુભૂતિમાં છે તે. ઉપમાન એટલે તેના જેવી જ બીજી પરિસ્થિતિમાં શું છે તેની સરખામણીથી જે પ્રમાણ દેખાય તે. અને શ્રુતિ પ્રમાણ એટલે જે વેદોમાં લખ્યું છે તે. જાે કોઈ વાતે પહેલા ત્રણેય પ્રમાણ ન મળે તો ચોથા પ્રમાણ તરીકે વેદોમાં તે વિશે જે લખ્યું હોય તેને સાચું માની લેવામાં આવે છે. અને જાે પ્રત્યક્ષ પ્રમાણ જ કોઈ તથ્યને સાબિત કરી દેતું હોય, તો બાકીના ત્રણ પ્રમાણ મળે છે કે નથી મળતા તે અર્થહીન થઈ જાય છે. જે પ્રત્યક્ષ પ્રમાણમાં સાચું સાબિત થાય તેને જ સાચું માનવામાં આવે છે. આધુનિક વિજ્ઞાનમાં સત્ય શોધવાના બધા પ્રયોગો પ્રત્યક્ષ પ્રમાણ મેળવવાની કોશિશ છે. આપણે વર્ણ જન્મ આધારિત નહીં, પણ ગુણ અને પ્રકૃતિ આધારિત છે એના આ ચારેય પ્રમાણ જાેઈશું.

પ્રત્યક્ષ પ્રમાણ, અનુમાન અને ઉપમાનઃ વર્ણ એ કોઈ જન્મજાત ડ્ઢદ્ગછથી શરૂ થયેલી વસ્તુ નથી, પણ આત્માની ગુણ આધારિત અભિવ્યક્તિનો એક પડાવ છે - આ વાતનું પ્રત્યક્ષ પ્રમાણ એ છે કે પૃથ્વી પરની દરેક સભ્યતાના માનવસમાજમાં આપણને એ ચાર વર્ણ જાેવા મળે છે. વિશ્વભરના દરેકે દરેક માનવસમાજમાં આપણને એમાં શ્રમ કાર્ય કરતા શુદ્રો, વેપાર-વાણિજ્યમાં પાવરધા વૈશ્યો, રાજ્યવ્યવસ્થા અને સૈન્ય વ્યવસ્થા ચલાવતા ક્ષત્રિયો અને સત્યની ખોજમાં કાર્ય કરતા વૈજ્ઞાનિકો અને ગણિત, તબીબી ક્ષેત્રના સંશોધકો દેખાય જ છે. જ્યારે એ સભ્યતાઓમાં તો વર્ણ કે જાતિની કોઈ વાત જ નથી કરાઈ. તો પણ તેમાં એ ચાર વર્ણના લોકો દેખાય છે, અને એ દરેક માનવસમાજાેમાં એ ચાર વર્ણ જન્મ આધારિત નહીં, પણ ગુણ અને અભિવ્યક્તિ આધારિત જ દેખાય છે. આ એ વાતનું પ્રત્યક્ષ પ્રમાણ પણ પૂરું પાડે છે, અનુભવ આધારિત અનુમાન પણ અને એક જેવી પરિસ્થિતિની સરખામણી સાથે અપાતું ઉપમાન પ્રમાણ પણ પૂરું પાડે છે કે વર્ણ એ મનુષ્યના આત્માની ઉત્ક્રાંતિના પડાવ છે, જે જન્મ આધારિત નથી.

શ્રુતિ પ્રમાણઃ હવે, બાકી વધેલી ચોથું પ્રમાણ જાેઈએ. વેદો સાથે સનાતન ધર્મના શાસ્ત્રોમાં પ્રસ્થાનત્રયીનું સૌથી વિશેષ મહત્વ છે. કોઈપણ સિધ્ધાંત જાે પ્રસ્થાનત્રયીના કથનોમાં માન્યતા ધરાવે તો તેને સ્વીકૃત માની લેવામાં આવે છે. આ પ્રસ્થાનત્રયીમાં આવે છે ગીતા, ઉપનિષદ અને બ્રહ્મસૂત્ર. તો આપણે વેદોના પુરુષસૂક્ત સાથે ગીતા, ઉપનિષદ અને બ્રહ્મસૂત્રના કથનો જાેઈએ.

ઋગ્વેદના પુરુષ સુકતમાં સમગ્ર સૃષ્ટિમાં ફેલાયેલ બ્રહ્મ તત્વને ચૈતન્ય ધરાવતી વિરાટ પુરુષ આકૃતિમાં વર્ણવામાં આવી છે, અને કહેવાયું છે કે એ પુરુષ આકારની વિરાટ ચેતનાના પગમાંથી શુદ્ર, પેટમાંથી વૈશ્ય, ભુજાઓમાંથી ક્ષત્રિય અને માથામાંથી બ્રાહ્મણ પેદા થયા. આ શ્લોક ચેતનાની અભિવ્યક્તિના એજ સ્તર દર્શાવે છે જેની આપણે આગળના લેખોમાં ચક્રો સાથે વાત કરી હતી. સમગ્ર સૃષ્ટિની એ બ્રહ્મચેતનાના નીચેના સ્તર એટલે કે પગમાંથી સેવા અને શ્રમનું કાર્ય કરવાવાળા શુદ્ર, એનાથી ઉપરના સ્તર એટલે કે પેટમાંથી આર્થિક ચક્ર ચલાવનાર વૈશ્ય, એનાથી ઉપરના ચેતના સ્તરમાંથી ક્ષત્રિય, અને એનાથી ઉપર મસ્તિષ્કમાંથી સત્યની ખોજ કરવાવાળા બ્રાહ્મણ. એ શ્લોકમાં ક્યાંય એવું કહેવાયું નથી કે કોઈ ચાર વ્યક્તિ કે જાેડા ઉત્પન્ન થયા જેમની રક્ત રેખામાં એ ગુણ હતા. એવું સપ્તર્ષિના વંશ રૂપે ગોત્રની સમજમાં કહેવાયું છે.

એ વાતને સમર્થન આપે છે ભગવદ ગીતાના ચોથા અધ્યાયનો તેરમો શ્લોક, જેમાં શ્રીકૃષ્ણ કહે છે, 'મનુષ્યના ગુણો અને કર્મોના આધારે મેં ચાર વર્ણોની રચના કરી છે. હું એનો સૃષ્ટા છું, પણ તું મને અકર્તા અને અવિનાશી જ જાણ.’ અર્થાત્‌ એ ચાર વર્ણોની રચના ગુણ અને કર્મ આધારિત થઈ છે, અને એના રચયિતાને આપણે અકર્તા અને અવિનાશી જાણવાનો છે. એટલે કે તેણે એ વ્યવસ્થાને કૃત્રિમ રીતે જન્મ નથી આપ્યો, એ અવિનાશી બ્રહ્મ ચેતનામાંથી નૈસર્ગિક રીતે ઉત્પન્ન થઈ છે. ગીતાના આજ શ્લોકના સમર્થનમાં છાંદોગ્ય ઉપનિષદના પાંચમા અધ્યાયનો આ શ્લોક છે. 'એ જીવોમાં જે સારા આચરણવાળા હોય છે તે ઝડપથી બ્રાહ્મણ, ક્ષત્રિય કે વૈશ્ય યોનિને પ્રાપ્ત કરે છે, જ્યારે જે અશુભ આચરણવાળા હોય છે તે ચાંડાળ યોની, સુકર યોનિ કે શ્વાનની યોની પ્રાપ્ત કરે છે.' (૫.૧૦.૭) અહીં, બ્રાહ્મણ, વૈશ્ય અને ક્ષત્રિય યોનીનો અર્થ બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય ગુણવાળા પિતાના ઘરે જન્મથી છે. જે સારા કર્મો કરે છે તે જીવો વૈશ્યનું ધન કે ક્ષત્રિયની સત્તા અને સમ્માન કે બ્રાહ્મણનું જ્ઞાન અને પૂજ્યભાવ ધરાવતા ઘરમાં જન્મી ત્યાં ઉછેર પામે છે. અને જે અશુભ કાર્ય કરે છે તે ચાંડાલના ઘરનો ઉછેર મેળવે છે કે શ્વાન જેવો પશુ જન્મ મેળવે છે. આમ, ગીતા અને છાંદોગ્ય ઉપનિષદના શ્લોકને જાેડીને જાેઈએ એટલે ગુણ અને કર્મ આધારિત વર્ણની વાત વધુ ઉંડાણથી સાબિત થાય છે.

બ્રહ્મસૂત્રઃ બ્રહ્મસૂત્રમાં રાજા જનશ્રુતિ અને ઋષિ રૈકવની કથામાં ગુણ આધારિત વર્ણનો વધુ એક પુરાવો મળે છે. રાજા જનશ્રુતિ ઋષિ રૈકવના જ્ઞાનના વખાણ સાંભળી તેમની પાસે એક હીરાનો હાર, છસો ગાય, અને પચ્ચીસ ખચ્ચરોથી જાેડેલો એક રથ ઉપહાર તરીકે લઈને જાય છે અને પોતાને શિષ્ય બનાવવાની માંગ કરે છે. પણ ઋષિ રૈકવ રાજાને શુદ્ર તરીકે સંબોધીને તેને વેદોનું જ્ઞાન આપવાની ના પાડી દે છે. રાજા આ વાતે વિચારમાં પડી જાય છે. તે ફરી એક હજાર ગાય, રથ અને હારની સાથે ઋષિને પરણવા પોતાની દીકરી લઈ જાય છે અને ઋષિને તે જે ગામમાં રહેતા હતા તે ગામ આપીને ફરીથી જ્ઞાન આપવાની માંગ કરે છે. અને આ વખતે ઋષિ માની જાય છે. તે કહે છે, 'હે શુદ્ર, તું આ ગાયો, રથ અને હાર લાવ્યો છે એ તો ઠીક છે. પણ તું મારા વિવાહ કરવા માટે પોતાની પુત્રી લાવ્યો છે એ તારા વિદ્યા ગ્રહણનું દ્વાર છે. આ સમજથી તું એ જ્ઞાનના લાયક બને છે, તું રાજા ચૈત્રરથનું સંતાન છે એનાથી નહિ.’ આમ, ઋષિનું કહેવું હતું કે જ્યાં સુધી રાજામાં પણ રાજા જેવી સમજ અને વર્તન નથી ત્યાં સુધી તે શુદ્ર છે અને વેદોના જ્ઞાનને લાયક નથી. આ રીતે વર્ણને જન્મ અને પદના સ્થાને ગુણ અને વર્તનના આધારે સ્થાપિત કર્યા પછી એ પ્રકરણમાં શુદ્ર સ્થિતિના લોકો માટે વેદોનો અભ્યાસ વર્જિત છે એના શ્લોક અપાયા છે. આ સિવાય, મહાભારતમાં ધર્મરાજ યુધિષ્ઠિર અને સર્પ નહુષના સંવાદોમાં વર્ણ અને જાતિ ગુણ અને લક્ષણ આધારિત છે એની ચર્ચા આપણે પાછળના લેખોમાં કરી ચૂક્યા છીએ.

આમ, વર્ણ આત્માની અભિવ્યક્તિના વિવિધ પડાવો છે, જે પડાવોના નિશ્ચિત ગુણ અને સ્વભાવગત કર્મ હોય છે. આ વાત પ્રત્યક્ષ પ્રમાણ, અનુમાન અને ઉપમાન સાથે શાસ્ત્ર પ્રમાણથી પણ પ્રમાણિત થાય છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution