લખનઉ-
ઉત્તર પ્રદેશમાં કોરોના વાયરસની બીજી લહેરથી કોરોનાના કેસમાં ખુબ વધારો થઈ રહ્યો છે. શનિવારે ૧૨ હજારથી વધુ કેસ આવ્યા બાદ હવે રાજ્ય સરકારે ભીડ રોકવા માટે અનેક પગલાં લીધા છે. વધતા કેસના કારણે હવે પહેલા ધોરણથી લઈને ૧૨મા ધોરણ સુધી તમામ ખાનગી અને સરકારી શાળા કોલેજાે તથા કોચિંગ ક્લાસ ૩૦ એપ્રિલ સુધી બંધ રાખવાના આદેશ અપાયા છે. પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સ્પષ્ટપણે કહ્યું કે આ દરમિયાન પહેલેથી નિર્ધારિત પરીક્ષાઓ ચાલુ રહેશે. ઓફિસમાં સ્ટાફ જરૂરી કામકાજ માટે બોલાવી શકાશે. યુપીમાં વધતા કેસ પર રોક લગાવવા માટે રવિવારથી ટીકા ઉત્સવ પણ ચાલુ છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રવિવારે શક્તિ ભવન પહોંચીને ટીકા ઉત્સવનું નિરિક્ષણ કર્યું. ત્યારબાદ સીએમ યોગીએ કોરોના સંક્રમણ પર પ્રભાવી અંકુશ લગાવવા માટે સ્વાસ્થ્ય વ્યવસ્થા મજબૂત કરવા માટે રચાયેલી ટીમના ૧૧ સભ્યો સાથે એક સમીક્ષા બેઠક કરી. તેમણે સંક્રમણના હાલાતની સમીક્ષા કરી અને અધિકારીઓને આ અંગે દિશા નિર્દેશ આપ્યા. અત્રે જણાવવાનું કે દિલ્હી, હરિયાણા, બિહાર, ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં કોરોનાના જાેખમના કારણે શાળા કોલેજાે ફરીથી બંધ કરાયા છે. ઉત્તર પ્રદેશમાં લાંબા સમય બાદ કોરોના વાયરસના કેસમાં મોટો ઉછાળો આવ્યો છે. કેસ ઝડપથી વધવા લાગ્યા છે. લખનઉની હાલાત ખુબ ખરાબ છે. અહીં નવા ૪૦૫૯ કેસ નોંધાયા છે. જ્યારે ૨૩ દર્દીઓના મોત થયા છે.