૧લી સપ્ટેમ્બર ૧૦૩૯, બીજુ વિશ્વયુધ્ધ શરૂ થયું. તે સમયે જર્મનીના તાનાશાહ હિટલરે યહુદીઓ પર અમાનુષી અત્યાચાર કર્યા હતા, તે હોલોકાસ્ટ નામે વિશ્વના ઈતિહાસમાં એક કાળા પ્રકરણ તરીકે નોંધાયેલા છે. આમ તો હોલોકાસ્ટ પર ઘણી ફિલ્મો હોલિવુડમાં બની છે. પરંતુ શિંડલર્સ લિસ્ટની તોલે કોઈ આવી શકે તેમ નથી.
‘લાઈફ ઇસ બ્યુટીફૂલ’(૧૯૯૭), યુરોપા યુરોપા(૧૯૯૭),ધી ડાયરી ઑફ ઍની ફ્રેંક(૧૯૫૯) એવી અનેક ફિલ્મો અને ધ નાઈટ એન્ડ ફોગ(૧૯૫૬)તથા કલાઉડે લાન્ઝામંસ મોન્યુમેન્ટલ શો(૧૯૮૫) જેવી ડોકયુમેન્ટરી ફિલ્મોએ પણ હોલોકોસ્ટનું નિરૂપણ કર્યું છે. છતાં પણ ‘શિંડલર્સ લિસ્ટ’ની પટકથા અને ફિલ્માંકન એ ફિલ્મને હોલોકોસ્ટનાં અધિકૃત દસ્તાવેજ તરીકેની ઓળખ આપે છે.
મીણબત્તી પ્રગટાવતા હાથના ક્લોઝ-અપ શોટ સાથે ફિલ્મની શરૂઆત થાય છે. પૃષ્ઠભૂમિમાં હિબ્રુ પ્રાર્થનાનો અવાજ છે. દ્રશ્ય રંગીન છે, પરંતુ તે મીણબત્તીઓના ધુમાડા સાથે દૃશ્ય ઝાંખું થઈ જાય છે. અને ફિલ્મ બ્લૅક ઍન્ડ વ્હાઈટમાં રૂપાંતરિત થાય છે. તે પછી આખી ફિલ્મ બ્લેક એન્ડ વ્હાઈટમાં જ રહે છે. ફિલ્મને અંતે એક જ રશિયન સૈનિક કેમ્પમાં પ્રવેશ કરે છે અને જીવિત યહૂદીઓને કહે છે કે તેઓ મુક્ત છે. સર્વાઈવર્સ નજીકના નગર તરફ ચાલે છે, અહીં હવે એમના જીવનમાં ફરી રંગો ઉમેરાય છે, પ્રતીકાત્મક રીતે દ્રશ્ય સંપૂર્ણ રંગમાં ઓગળી જાય છે અને વાસ્તવિક હોલોકોસ્ટનાં સર્વાઈવર્સ ખેતરમાં ચાલતા દેખાય છે. તેઓ કતારમાં ચાલી શિન્ડલરની કબર પર પથ્થરો મુકે છે તથા કતારનો છેલ્લો વ્યક્તિ લિયામ નીસ્સેન(ઓસ્કર શિન્ડલર) છે. તે કબરના પથ્થર પર ગુલાબ મૂકે છે. બાકી ફિલ્મમાં એવા ઘણા દૃશ્યો છે જે પ્રેક્ષકોને સ્તબ્ધ કરી દે છે, હતપ્રભ કરી દે છે, મંત્રમુગ્ધ કરી દે છે, નિઃશબ્દ કરી દે છે.
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જર્મન હસ્તકના પોલેન્ડમાં નાઝીઓ દ્વારા યહૂદીઓ પર અત્યાચાર -હોલોકોસ્ટ-કોન્સન્ટ્રેશન કેમ્પની યાતનાઓને સંવેદનશીલતા સાથે પ્રસ્તુત કરનાર શિંડલર્સ લિસ્ટ (૧૯૯૩)થોમસ કેનીઅલી અને સ્ટીવન ઝીલીયનની કલમનો કમાલ છે. ધીકતી કમાણી કરતી અને વિવેચકોની પ્રશંસા પ્રાપ્ત એવી સુપરહિટ ફિલ્મોનાં નિર્દેશક - સ્ટીવન સ્પીલબર્ગને ‘વ્હેંત ઊંચા’ સિદ્ધ કરનાર શિંડલર્સ લિસ્ટ માટે કહી શકાય કે આ ફિલ્મ સ્વયં એક અનુભવ છે.
નાઝીઓના અત્યાચારની એક સત્ય ઘટના પર આધારિત થોમસ કેનેલીની ૧૯૮૨ની બુકર પ્રાઈઝ વિજેતા નવલકથા “શિન્ડલર્સ આર્ક” પર આધારિત આ ફિલ્મમાં એ કથાનક છે જે માનવતાના સૌથી કાળા અધ્યાયને ‘શ્વેત શ્યામ’ ફિલ્માંકન દ્વારા પ્રગટ કરી પ્રેક્ષકોના આત્માને ઝંઝોળે છે, જેની અસર ફિલ્મ જાેયા બાદ પણ લાંબો સમય સુધી રહે છે.
૬૬મા એકેડેમી એવોર્ડસમાં શિંડલર્સ લિસ્ટે સાત ઓસ્કર એવોર્ડ મેળવ્યાં, ઉપરાંત ૭ બાફ્ટાઝ- અને ૨૦૦૭માં ત્રણ ગોલ્ડન ગ્લોબ એવોર્ડસ પોતાના નામે અંકિત કર્યા છે. ઉપરાંત અમેરિકન ફિલ્મ ઇન્સ્ટીટયુટની શ્રેષ્ઠ ૧૦૦ ફિલ્મોની યાદીમાં શિંડલર્સ લિસ્ટ ૮મા સ્થાને છે.
હોલોકોસ્ટના શક્તિશાળી ચિત્રણ અને તેના ભાવનાત્મક ઊંડાણ માટે વિવેચકો તરફથી સાવર્ત્રિક વખાણ મેળવનાર, શિંડલર્સ લિસ્ટને અત્યાર સુધીની સૌથી મહાન ફિલ્મોમાંની એક તરીકે ગણવામાં આવે છે.
રંગીન ફિલ્મોના યુગમાં પડદા પર બ્લૅક ઍન્ડ વ્હાઈટ ફિલ્મની કલ્પના, એ વિચાર જ અત્યંત રોચક અને સાહસિક છે. જે ફિલ્મના મૂળમાં સત્ય ઘટના પર આધારિત કથાનકનું બીજ સ્ટીવન સ્પીલબર્ગ દ્વારા રોપાય એ ચોક્કસ મનોરંજક વટવૃક્ષ બને એમાં શંકાને સ્થાન જ ન હોય.
આ પૃષ્ઠભૂમિ સાથે ‘શિંડલર્સ લિસ્ટ’ની વાત કરીએ તો ફિલ્મની ગતિ ઇરાદાપૂર્વક ધીમી રાખવામાં આવી છે- જેથી પ્રસંગોની ઊંડાઈ અને એની ભાવનાઓની પરાકાષ્ઠાનો દરેકેદરેક પ્રેક્ષક અનુભવ કરી શકે. ચીલાચાલુ અને બીબાઢાળ હિંસક દ્રશ્યોથી પરે હ્ય્દયસ્પર્શી ચિત્રાંકન, વાસ્તવિક સ્થળોનો ઉપયોગ અને ઐતિહાસિક સચોટતા- યહુદીઓ પર નાઝીના અત્યાચાર, યહુદીઓની જીવન જીવવાની જિજીવિષા- આ તમામ પાસાઓ ફિલ્મને માત્ર એક ફિલ્મ નહીં પણ હોલોકોસ્ટનો એક અધિકૃત ‘દસ્તાવેજ’ બનાવે છે.
આ એક લાઉડ ફિલ્મ છે. ફિલ્મનું અનિચ્છનીય પાસું એટલે નગ્નતા, સંક્ષિપ્ત સેક્સ દ્રશ્યો અને અવિરત ક્રુરતા-હિંસા. રાજકીય હુંસાતુસી તથા અન્ય અવ્યવહારિક કારણોને આધારભૂત બનાવી ૧૯૯૩માં ઇન્ડોનેશિયા અને ૧૯૯૭માં મલેશિયામાં ‘શિંડલર્સ લિસ્ટ’ પર પ્રતિબંધ પણ મુકવામાં આવ્યો હતો. અભિનયની વાત કરીએ તો ઓસ્કર શિંડલરનાં પાત્રમાં લિયામ નેસ્સન, ઇત્ઝ હાક સ્ટર્ન તરીકે બેન કિંગ્સલે, અમોન ગોથ તરીકે રાલ્ફ ફીન્નેસ તથા જાેનાથન સેગલ, કેરોલીન ગુડોલ, એમ્બેથ દેવિડ્ત્ઝ,માર્ક અઈવાનીર અને એવા મોટા ગજાના અપાર કલાકારોનો કાફલો, સૌનો ઉત્કૃષ્ઠ અભિનય, એમાં ફિલ્મનું જકડી રાખનારું લખાણ અને કમાલનું મેકિંગ- ફિલ્મને એ નક્કર આકાર આપે છે જે દરેક પ્રેક્ષકનાં હૈયે કોતરાઈ જાય છે.
લિયામ નેસ્સને, ઓસ્કર શિંડલરના પાત્રને ખૂબ નીડરતાથી નિભાવ્યું છે. એક સ્વાર્થી બિઝનેસમેન પણ યહુદીઓ પર નાઝીઓના અત્યાચારોને જાેઈ માનવતાવાદી બને છે અને પોતાની ફેકટરીમાં કામ કરતા ૧૩૦૦થી વધુ યહુદી કર્મચારીઓને બચાવવા ફેક્ટરીને એમના આશ્રય સ્થાનમાં બદલે છે, એમની રક્ષા માટે સંઘર્ષ કરે છે એ તમામ હૃદયદ્રાવક ઘટનાઓમાં એમનો અભિનય પ્રેક્ષકોને અભિભૂત કરે છે. એમોન ગોએથની ભૂમિકામાં રોલ્સ ફિયાન્સ ક્રુરતા અને ર્નિદયતાની તમામ હદો પાર કરી પ્રેક્ષકોના તિરસ્કાર અને ધિક્કારને પાત્ર બને છે. પ્રેક્ષકોની આ નફરત રોલ્સ ફિયાન્સનાં જીવંત અભિનયની સફળતા છે, ઇત્ઝ હાક સ્ટર્ન તરીકે બેન કિંગ્સલે, ઓસ્કર શિંડલરનાં અહંકારને તોડે છે અને અંતરાત્માનો અવાજ સાંભળવા પ્રેરે છે તથા એને માનવતાવાદી બનાવવામાં નિમિત્ત બને છે. હોલોકોસ્ટ દરમિયાન યહુદીઓની યાતનાઓના હૃદયદ્રાવક દ્રશ્યો, ઇત્ઝ હાક સ્ટર્નનો સંઘર્ષ તથા સંયમ પાત્રને હ્દયસ્પર્શી બનાવે છે. ઝોન વિલિયમ્સનું સંગીત દરેક ઘટનાઓની ઊંડાઈને વધુ ધારદાર બનાવે છે, દર્શકોને કરુણાસભર યાત્રા કરાવે છે, પણ ફિલ્મના કથાનક, ઘટનાઓના પ્રસ્તુતિકરણ પર હાવી થતું નથી એ એની ખૂબી છે.