રાજયમાં કોરોનાના વધતા કેસોથી SC નારાજ, ગુજરાત સરકારને ફટકાર લગાવી

દિલ્હી-

દેશમાં જેવી રીતે ફરી એકવાર કોરોના વાયરસે દસ્તક આપી છે, તેના પર સુપ્રીમ કોર્ટે સખ્ત વલણ અપનાવ્યું છે. કોરોનાના સતત વધી રહેલા મામલા અને કોરોનાથી મૃત્યુ પામનારાના મૃતદેહ સાથે મિસહેન્ડલિંગ પર સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરતાં આ સમગ્ર મામલે રિપોર્ટ માંગ્યો છે. સુપ્રીમ કોર્ટે દિલ્હી, મહારાષ્ટ્ર, ગુજરાત અને આસામ સરકાર પાસે કોરોના સંક્રમણની હાજર સ્થિતિથી નિપટવા માટે શું પગલાં ભર્યાં તેની જાણકારી માંગી છે. કોર્ટે આ રાજ્યો પાસે સમગ્ર મામલે સોગંધનામું દાખલ કરવા કહ્યું છે. સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ અશોક ભૂષણની અધ્યક્ષતા વાળી બેંચે ગુજરાત અને દિલ્હી સરકારને કોરોના સંક્રમણને પગલે ખરાબ થયેલી સ્થિતિને લઈ ફટકાર લગાવી છે. ગુજરાત સરકારને ફટકાર લગાવતાં કોર્ટે કહ્યું કે કોરોનાના વધતા મામલા છતાં લગ્ન અને લોકોને એકઠા થવાોન સિલસિલો યથાવત છે. દિલ્હી અને મહારાષ્ટ્ર બાદ ગુજરાત કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય છે.

સુપ્રીમ કોર્ટે તામમ રાજ્યો પાસે કોરોનાથી નિપટવા માટે ઉઠાવવામાં આવેલાં પગલાંની જાણકારી માંગી છે. અને એક સ્ટેટસ રિપોર્ટ ફાઈલ કરવા કહ્યું છે. કોર્ટે કહ્યું કે આગામી સમયમાં રાજ્ય શું પગલાં ઉઠાવશે અને તેમને કોરોનાથી લડવા માટે કેન્દ્ર સરકાર પાસેથી શું મદદ જોઈશે તેનો રિપોર્ટ દાખલ કરે. કોર્ટે રાજ્યોને શુક્રવાર સુધીમાં રિપોર્ટ જમા કરાવવા કહ્યું. સાથે જ કોર્ટે કહ્યું કે રાજ્યોએ ડિસેમ્બર અને આગામી મહિના માટે તૈયાર રહેવાની જરૂરત છે કેમ કે સ્થિતિ વધુ બગડી શકે છે. કોર્ટે કહ્યું કે આસામમાં સ્થિતિ બહુ ખરાબ છે, અહીં સ્થિતિમાં સુધાર નથી આવી રહ્યો, આઈસીયૂ બેડની કમીની જાણકારી પાંચ મહિના પહેલાં આપવામાં આવી છે. ગુજરાત તરફથી કોર્ટમાં હાજર રહેલા વકીલે કહ્યું કે તેઓ કોર્ટના નિર્દેશાનુસાર સ્ટેટસ રિપોર્ટ સમયસર ફાઈલ કરી દેશે. દિલ્હી સરકાર તરફથી હાજર વકીલ સંજય જૈને કહ્યું કે હાલ બધું નિયંત્રણમાં છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution