'પપ્પા, બપોરે ઘરે જમવા આવીશ' કહી ડ્યૂટી પર જતો રહ્યો દિકરો અને ઘરે સમાચાર મળ્યા કે..

અમદાવાદ-

'પપ્પા, બપોરે જમવા આવીશ' કહી પોલીસકર્મી પુત્ર ઘરેથી બાઈક લઇને નીકળ્યો અને થોડી જ ક્ષણોમાં તેનો અકસ્માત થયાના સમાચાર પિતાને મળતાં તેમના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. અકસ્માતની જાણ થતાં પિતા ઘટનાસ્થળે પહોંચતાં પુત્ર લોહીલુહાણ હાલતમાં હતો. તેઓ પોતાના વહાલસોયા દીકરાને બચાવવા હોસ્પિટલ લઇ ગયા, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજતાં પરિવાર પર આભ ફાટ્યું છે. પોલીસકર્મી કલ્પેશભાઈ ચાવડા ડ્યૂટી પર જઇ રહ્યા હતા ત્યારે રસ્તામાં કૂતરું આડું આવતાં તેનો જીવ બચાવવા જતાં બાઈક ડિવાઇડર સાથે અથડાયું હતું અને ગંભીર ઇજાઓ પહોંચી હતી. બનાવની નોંધ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ વિભાગમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા કલ્પેશભાઈ ચાવડા સવારે બાઈક લઇને ઘરેથી નીકળ્યા હતા. એ દરમિયાન કડીથી મેંડા આદરાજ રોડ પર આવેલા સૂર્યમુખી હનુમાનજી મંદિર પાસે એક કૂતરું આડું આવ્યું હતું. પોલીસકર્મી કૂતરાને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, જે દરમિયાન બાઈક પરથી કાબૂ ગુમાવતાં એ ડિવાઇડર સાથે અથડાયું હતું. ડિવાઈડર સાથે અથડાતાં પોલીસકર્મીને માથા અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.

જાણવા મળતી વિગતો અનુસાર, મૃતક પોલીસકર્મી કલ્પેશભાઈ ચાવડા પોલીસ ખાતામાં ૨૦૧૧થી ફરજ બજાવી રહ્યા હતા. કોરોનાકાળમાં પણ તેમણે ફરજને પ્રાધાન્ય આપ્યું હતું. આજે પણ તેઓ ઘરેથી ફરજ નિભાવવા માટે નીકળ્યા હતા. જાેકે રસ્તામાં તેમને કાળ ભેટી ગયો હતો. અકસ્માત થયો તેની થોડી મિનિટો પહેલાં જ કલ્પેશભાઈ ચાવડાએ ઘરેથી નીકળતાં પહેલાં પિતાને કહ્યું હતું કે ટ્રાફિકની કામગીરી પૂરી કરીને બપોરે જમવા માટે ઘરે આવીશ.

પોલીસકર્મી કલ્પેશભાઈ ચાવડા યુનિફોર્મ પહેરીને ઘરેથી બાઈક પર નીકળ્યા હતા. તેઓ ઘરેથી નીકળ્યા તેને થોડી જ મિનિટો વીતી હશે ત્યાં મહોલ્લામાં રહેતા મુળજીભાઈ ચાવડા દોડતાં દોડતાં પોલીસકર્મીના ઘરે પહોંચ્યા અને કલ્પેશભાઈના પિતાને કહ્યું કે તમારા દીકરાનો અકસ્માત થયો છે. દીકરાના અકસ્માતના સમાચાર સાંભળતાં જ પિતા જીવણભાઈ ચાવડા સહિતનાં પરિવારજનો ઘટનાસ્થળે પહોંચ્યા તો દીકરો લોહીલુહાણ હાલતમાં હતો. પિતાએ સમય વેડફ્યા વગર ૧૦૮ને કોલ કર્યો ત્યાં જ મહોલ્લામાંથી કોઇ કાર લઇને આવ્યું અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત પોલીસકર્મી કલ્પેશભાઈને હોસ્પિટલ લઇ ગયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution