સાંખ્ય દર્શનઃ છ વૈદિક દર્શનોમાં સૌથી પ્રાચીન દર્શન

આપણે જૈન ધર્મના ઇતિહાસ, કાળ, તત્વજ્ઞાન અને દર્શનને જાણ્યું. હવે એ જૈન દર્શન જે વૈદિક દર્શનને આબેહુબ મળતું આવે છે તે સાંખ્ય દર્શનને જાેઈએ. સનાતન ધર્મના છ વૈદિક દર્શનોમાં સાંખ્ય દર્શનને સૌથી પ્રાચીન માનવામાં આવે છે. તેને મહર્ષિ કપિલે લખ્યું છે. રામાયણ અને મહાભારતમાં પણ તેનું વર્ણન છે. શ્રીમદ ભગવદ ગીતામાં ભગવાન કૃષ્ણ કહે છે કે ‘ઋષિઓમાં હું કપિલ છું’, અને સાથે સાંખ્ય યોગનો એક આખો અધ્યાય ગીતામાં કહેવાયો છે.

સનાતન ધર્મના છ દર્શનો બે-બેના જાેડકામાં જાેડાયેલા છે. સાંખ્ય અને યોગ દર્શન જાેડાયેલા છે, ન્યાય અને વૈશેષિક દર્શન પરસ્પર જાેડાયેલા છે, અને મીમાંસા દર્શન વેદાંત દર્શનથી જાેડાયેલું છે. સાથે સાંખ્ય સૌથી પ્રાચીન અને વેદાંતને સૌથી વિકસિત અને સંપૂર્ણ દર્શન કહેવામાં આવે છે. એટલે આપણે પણ સનાતન ધર્મના દર્શનોની આ યાત્રા સાંખ્યથી વેદાંત દર્શન તરફ ક્રમિક રીતે કરીશું.

સાંખ્ય અને યોગ દર્શન પરસ્પર સિધ્ધાંત અને વ્યવહારના સંબંધથી જાેડાયેલા છે. સાંખ્ય સૃષ્ટિને ઉત્પન્ન કરનાર કોઈ ઈશ્વરને નકારે છે. તે કાર્ય અને કારણનો સિધ્ધાંત આપીને કહે છે, ‘કાર્ય તો જ પ્રગટ થાય જાે તેના પાછળ કારણ હોય. જ્યાં કંઈ ન હોય ત્યાં કંઈ બહાર આવતું નથી. જ્યાં કોઈ કારણ હોય ત્યાંજ કાર્ય પ્રક્ષેપિત થાય છે.’ આમ, આ સૃષ્ટિ કોઈ કારણમાંથી પ્રક્ષેપિત થયેલું(નીકળેલું) કાર્ય છે. તેના માટે કોઈ ઈશ્વરે આ સૃષ્ટિને બનાવી હોય તે જરૂરી નથી. કારણકે ઇશ્વરને સૃષ્ટિ બનાવવા માટે પણ કારણ તરીકે કોઈ તત્વની જરૂર પડશે. અને જાે કોઇ કારણ છે, તો તેમાંથી જાતે જ કાર્ય પ્રગટશે. જે અવ્યક્ત છે તે વ્યક્ત બની જશે. ઈશ્વરની જરૂર નથી. પ્રગટ થયેલ કાર્યમાં જે પણ દેખાતું હોય, તે કાર્યમાં સમાયેલું હોવું જાેઈએ. વૃક્ષ જેવું હોય તેવા ગુણો તેના બીજમાં જ હોય છે. બીજ કારણ છે, વૃક્ષ કાર્ય.

સંસારમાં જે પણ દેખાય છે તે સર્વને પોતાના બીજમાં સમાવીને રાખ્યું હોય તેવા કારણરૂપ પ્રધાન તત્વને સાંખ્યમાં પ્રકૃતિ કહેવામાં આવ્યું. પ્રકૃતિ એ મૂળ કારણ છે જેમાંથી આ સંસાર કાર્યરૂપે પ્રગટ થાય છે. તે મહાશક્તિ છે, સર્વજનની છે. પણ પ્રકૃતિ જડ છે, જેનામાં બધું વ્યક્ત કરવાની સંભાવના છે, શક્તિ છે. પણ તેનામાં ચેતના નથી. જે આનંદ આપનારું કારણ તેમાં ગર્ભિત છે તે સત્વગુણ છે. જે દુઃખ આપનારું કારણ ગર્ભિત છે તે રજસ ગુણ છે, અને જે ઉદાસીન અને અંધકારમય છે તે તમસ ગુણ છે. પ્રકૃતિમાં રજસ ગુણની આંતરિક સક્રિયતા છે, સ્પંદન છે. પણ તેનામાં ચેતનાનો પ્રકાશ નથી જે તેના આંતરિક સ્વરૂપને ભેદીને બહાર લાવી શકે. આથી સાંખ્યમાં પ્રધાન તત્વ પ્રકૃતિ સાથે બીજા એક તત્વને માનવામાં આવ્યું જે ચેતન છે, પ્રકાશમય છે. તે ગુણરહિત છે, નિર્ગુણ છે. પણ તેની પોતાની ચેતના અને જાગરૂકતા છે, જે પ્રકૃતિને ભેદીને જાણી શકે છે. તેનામાં પોતાનો પ્રકાશ છે, જે પ્રકૃતિને ભેદીને પ્રકૃતિમાં જે દબાયેલું છે તેને વ્યક્ત કરી શકે છે. એ જાગૃત ચેતન તત્વને કહેવાયું છે પુરુષ.

પણ સાંખ્યમાં પુરૂષ અનેક છે. બધા પુરુષ સમાનરૂપે એક જેવી જ ચેતના છે. પણ એક પુરૂષ પોતાની અનુભૂતિ બીજા પુરુષને આપી શકતો નથી, કારણકે પ્રત્યેક પુરુષ બીજા પુરુષથી ભિન્ન છે. એ બધા પુરુષ પ્રકૃતિમાં સર્જનની સંભાવના શોધે છે, અને તેમાં પ્રવેશ કરી પોતાનો પ્રકાશ પાથરે છે. પુરુષ સંખ્યામાં અનંત છે, પ્રકૃતિ સર્જનની સંભાવનામાં અનંત છે. એમાંથી અનંત સર્જન થઈ શકે છે. આ છે સાંખ્ય યોગનું પાયાનું સ્વરૂપ, જેમાંથી જૈન ધર્મનું દર્શન આબેહૂબ ઢળાયેલું જણાય છે. જૈન ધર્મમાં જેમ આત્મા અનેક છે, તેમ જગતના બાકી દર્શનોમાં ફક્ત સાંખ્ય દર્શન જ છે જે પણ કહે છે કે પુરુષરૂપી ચેતના સંખ્યામાં અનેક છે. જે પ્રધાન તત્વ સાંખ્યમાં પ્રકૃતિ છે, તે જૈન દર્શનમાં પુદગલ છે. જૈન દર્શન આત્મા અને પુદગલનો વ્યવહાર છે, અને સાંખ્ય દર્શન એજ સ્વરૂપમાં પુરુષ અને પ્રકૃતિનો. જૈન દર્શનમાં આત્માને પુદગલથી મુક્ત કરવા જે વ્રત આપવામાં આવ્યા છે, તે સાંખ્યના પુરૂષને પ્રકૃતિથી અલગ કરવા યોગ દર્શનમાં આપેલા આઠ અંગથી મળતા આવે છે. આમ, જૈન દર્શન એક રીતે વૈદિક દર્શનોના સાંખ્ય અને યોગ દર્શનના સિદ્ધાંત પર કાર્ય કરી એક નવો સ્વતંત્ર પથ વિકસાવવાની કોશિશ છે. સાંખ્યની ભાષામાં કહીએ તો સાંખ્ય અને યોગ કારણ છે, જૈન માર્ગ કાર્ય છે.

પણ કારણ કે વૈદિક દર્શનો સાંખ્ય અને યોગથી પણ આગળ વધે છે, એટલે સાંખ્યની ઉણપોને અને અધૂરાપણાને આગળના દર્શનોમાં સુધારવામાં આવે છે. જેમ કે સાંખ્ય પુરુષ અનેક હોવા પાછળ ત્રણ તર્ક આપે છે. દરેક જીવાત્માનો જન્મ અને મરણ અલગ અલગ સમયે થાય છે, દરેક જીવાત્મા સમાન સમયે અલગ અલગ કાર્ય કરે છે, અને દરેક જીવાત્મા એક જ સમયે ત્રણ ગુણોમાંથી અલગ અલગ ગુણોની અસરમાં હોય છે. પણ આગળ જતાં વેદાંત દર્શનમાં આત્મા એજ પરમાત્મા છે કહીને અદ્વૈતનો સિદ્ધાંત સિધ્ધ કરવામાં આવે છે, જ્યાં દરેક જીવાત્મા એક જ સાગરની વિવિધ બુંદ છે જે પોતાના ભિન્ન કાર્મિક આવરણોથી અલગ પડેલો છે. આ ભિન્ન કાર્મિક આવરણો અને કર્મોના લીધે તે ભિન્ન ગુણોના પ્રભાવમાં હોય છે, અને એ કારણે ભિન્ન જન્મ લેતો, ભિન્ન કર્મો કરતો અને મૃત્યુ પામતો જણાય છે. પણ મુક્તિ સમયે આ કાર્મિક આવરણોનો નાશ થતાં દરેક જીવાત્મા બ્રહ્મરૂપી એક જ સાગરમાં ભળી જાય છે. એ સત્યને જ વેદાંત દર્શનમાં ‘અહમ બ્રહ્માસ્મિ’ ની ઘોષણા સાથે કહેવાયું. આમ, સાંખ્યના બહુલ પુરુષના વિચારને વૈદિક માર્ગમાં સુધારાયો, પણ જૈન માર્ગમાં દર્શન અલગ પડી સ્વતંત્ર માર્ગ બની ચૂક્યું હોવાથી વૈદિક માર્ગની આ ઉત્ક્રાંતિ જૈન માર્ગમાં ન પ્રગટી. ત્યાં આત્મા અનેક જ રહ્યા.

સાંખ્યના અલગ પુરુષના વિચાર વિરૂધ્ધ કેટલાક સામાન્ય અને મૂળભૂત પ્રશ્નો પણ ઉભા થતા હતા. જેમ કે જાે દરેક આત્મા અલગ હોય તો બે ભિન્ન શરીરમાં રહેલા આત્માઓ વચ્ચે પ્રેમનું આકર્ષણ કેમ છે? જાે એ આકર્ષણ ખાલી શરીરનું કે પ્રકૃતિનું હોય તો એ કોઈ સુંદર શવ કે મડદાથી કેમ નથી થતું? જાે બધા પુરુષ અલગ છે તો ભક્તિ માર્ગનો તો અર્થ જ ક્યાં છે? કોની ભક્તિ કરવી? અને એટલે જ સાંખ્ય બાદ તુરંત રચાયેલા યોગ દર્શનમાં ઈશ્વરની સંકલ્પના આવી જાય છે. સાંખ્ય ઈશ્વરની જરૂર હોવાની ના પાડે છે, પણ સાંખ્યના જ વિચારને આચરણનો માર્ગ બતાવનાર યોગ દર્શન કહે છે કે ઈશ્વર એ એક વિશિષ્ટ પ્રકારનો આત્મા છે જે અવરોધો, સંજાેગો, ક્રિયાઓ અને ગુણોથી પ્રભાવિત નથી થતો. તે બધાથી ઉપર આવો એક અનન્ય પુરૂષ છે જે અન્ય પુરૂષોથી અલગ છે અને સદા મુક્ત છે. અર્થાત્‌ સાંખ્યમાં ખૂટતો ઈશ્વરનો વિચાર તેનાથી જાેડાયેલા બીજા જ વૈદિક દર્શન એવા યોગ દર્શનમાં આવી જાય છે. એટલે જ ઘણા વિદ્વાનોનો મત છે કે અસલમાં સાંખ્યમાં પણ પુરુષ અનેક હોવાની વાત એક ભ્રમ છે. અસલમાં સાંખ્યમાં બે પ્રકારના પુરુષની વાત છે, એક બદ્ધ પુરુષ અને એક જ્ઞ(જ્ઞાતા) પુરુષ. બદ્ધ પુરુષ એટલે પ્રકૃતિથી બદ્ધ જીવાત્મા, જે અનેક હોય શકે છે. પણ તે બધાથી ઉપર એક મુક્ત જ્ઞાતા પુરુષ છે જે એક જ છે, અન બધા બદ્ધ પુરુષ મુક્તિ મેળવી અંતે તે જ્ઞાતા પુરુષમાં ભળી જાય છે. આમ, સાંખ્ય પણ અદ્વૈતનો જ વિચાર આપે છે. આ પાછળનો મત વધુ સ્વીકારવા યોગ્ય એટલે પણ લાગે છે કારણકે તે સાંખ્ય સાથે જાેડાયેલા યોગ દર્શનમાં ઇશ્વરરૂપી મુક્ત પુરુષની વાત સાથે એકરૂપ બને છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution