અભિનયના બેતાજ બાદશાહ સંજીવકુમાર

લેખક : સમીર પંચોલી | 

સંજીવકુમાર હિન્દી ફિલ્મોનાં એક પ્રસિદ્ધ ગુજરાતી અભિનેતા હતાં. તે તેમની બહુમુખી પ્રતિભા અને શક્તિશાળી અભિનય માટે જાણીતાં હતાં.૧૯૬૦થી ૧૯૮૫ની બે અઢી દાયકાથી વધુની તેમની કારકિર્દીએ ભારતીય સિનેમા પર એક અમિટ છાપ છોડી છે. હિન્દી સિનેમામાં પહેલીવાર સંજીવકુમારે એક જ ફિલ્મ ‘નયા દિન નઈ રાત’માં નવ રસોને ઉજાગર કરતી નવ ભૂમિકાઓ નિભાવી હતી. ‘કોશિશ’ ફિલ્મમાં તેમણે મૂકબધિર વ્યક્તિનો શાનદાર અભિનય કર્યો હતો. ‘શોલે’ ફિલ્મનું ઠાકુરનું પાત્ર તેમના અભિનય દ્વારા અમર થઇ ગયું છે.

સંજીવકુમારનો જન્મ ૯ જુલાઈ, ૧૯૩૮ના રોજ સુરતમાં થયો હતો. તેમનું મુળ નામ હરિહર જેઠાલાલ જરીવાલા હતું. તેમનું પૈતૃક નિવાસ સુરત હતું.પાછળથી તેમનો પરિવાર મુંબઈ આવી ગયો. તેમણે પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત સ્ટેજ નાટકોથી કરી હતી. અને ઇન્ડિયન પીપલ્સ થિયેટર એસોસિએશનમાં જાેડાયા હતા.

વીસ વર્ષની આયુમાં ગરીબ મધ્યમ વર્ગના આ યુવાને રંગમંચમાં કામ કરવાનું શુરૂ કર્યું.ભુમિકા નાની હોય કે મોટી પણ તેમાં તે જાન રેડી દેતાં હતાં. વૃદ્ધ માણસની ભૂમિકા તેમણે વીસ વર્ષની ઉંમરે એટલી ખૂબીથી નિભાવી હતી કે પૃથ્વીરાજ કપૂર પણ તે જાેઈને દંગ રહી ગયાં હતાં. તેમની પ્રારંભિક ભૂમિકાઓ ગુજરાતી રંગભૂમિમાં હતી. અભિનય માટેની તેમની અદમ્ય રૂચિ તેમને ફિલ્મ ઉદ્યોગમાં લઈ આવી. જ્યાં તેઓ એક પ્રસિદ્ધ ફિલ્મ અભિનેતા બન્યાં. તેઓ પોતાના વ્યવહારથી અને સૌથી અલગ અભિનય શૈલી માટે વિશેષ ઓળખાય છે. સંજીવકુમાર સ્વાદિષ્ટ ભોજનના શોખીન હતા.તેમની વ્યાવસાયિક સફળતા છતાં, સંજીવકુમારનું અંગત જીવન એકાંતથી ભરેલું હતું. તેમણે ક્યારેય લગ્ન નહોતા કર્યા. સંજીવકુમારે વિવાહ નહીં, પરંતુ પ્રેમ ઘણીવાર કર્યો હતો.એ વાત તો જાણીતી છે કે સંજીવકુમાર હેમા માલિનીના પ્રેમમાં હતાં. બાદમાં તે સુલક્ષણા પંડિત સાથે પણ પ્રેમસંબંધથી જાેડાયા હતાં.

તેમને એ અંધવિશ્વાસ હતો કે તેમના પરિવારમાં મોટો પુત્ર ૧૦ વર્ષનો થતા પિતાનું મૃત્યુ થઈ જાય છે. તેમના દાદા, પિતા અને ભાઈ સાથે આ થઈ ચુક્યૂં હતું. સંજીવકુમારે પણ પોતાના દિવંગત ભાઈના પુત્રને દત્તક લીધો હતો અને તે દસ વર્ષનો થતાં તેમનું પણ મૃત્યુ થયું!

સંજીવ કુમારે ૧૯૬૦માં ફિલ્મ ‘હમ હિન્દુસ્તાની’થી પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી.૧૯૬૮માં તેમની હીરોના રૂપમાં પ્રથમ ફિલ્મ ‘નિશાન’ હતી.પરંતુ ૧૯૭૦માં આવેલી ફિલ્મ ‘ખિલોના’માં તેમના અભિનયથી તેમને વ્યાપક માન્યતા મળી હતી.ફિલ્મ ‘ખિલૌના’એ તેમને સ્ટારનો દરજ્જાે દેવડાવ્યો. તેમાં માનસિક રીતે વિક્ષિપ્ત વ્યક્તિના તેમના પાત્રને વિવેચકોની પ્રશંસા મળી અને તેમને એક શ્રેષ્ઠ અભિનેતા તરીકે સ્થાપિત કર્યા.એચ.એસ.રવૈલ ની ‘સંઘર્ષ’માં દિલીપકુમારની બાંહોમાં શ્વાસ છોડવાનું દ્રશ્ય તેમણે એટલું શાનદાર કર્યું કે તેઓ અભિનય સમ્રાટની હરોળમાં આવી ગયાં. ત્યાર બાદ તેમની હિટ ફિલ્મ ‘સીતા ઔર ગીતા’૧૯૭૨માં અને ‘મનચલી’ ૧૯૭૩માં પ્રદર્શિત થઈ. ૭૦ના દાયકામાં એમણે ગુલઝાર જેવા દિગ્દર્શક સાથે કામ કર્યું. એમણે કુલ ૯ ફિલ્મો ગુલઝાર સાથે કરી, જેમાં આંધી, મૌસમ, અંગૂર, નમકીનનો પણ સમાવેશ થાય છે.તેમની કેટલીક યાદગાર ફિલ્મો વિશે જાેઈએ તો, ‘શોલે’માં સંજીવકુમારે બદલો લેવા માંગતા નિવૃત્ત પોલીસ અધિકારી ઠાકુર બલદેવસિંહની ભૂમિકા શાનદાર રીતે ભજવી હતી. આ ફિલ્મને ભારતીય સિનેમામાં ક્લાસિક માનવામાં આવે છે. તેમના ચાહકો આ તેમની સૌથી સારી ફિલ્મોમાંની એક માને છે. ‘શોલ’ે ફિલ્મમાં તેમના દ્વારા અભિનીત ઠાકુરનું પાત્ર આજે પણ લોકોના દિલોમાં જીવંત છે.

“કોશીશ” ફિલ્મમાં સંજીવ કુમારે એક બહેરા અને મૂક માણસની ભૂમિકા ભજવી હતી. જેમાં તેમની અસાધારણ અભિનય પ્રતિભાનો પરચો મળ્યો હતો.અને તેમને શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળ્યો હતો.“આંધી”માં સુચિત્રા સેન સાથે તેમની ભૂમિકાની અભિનયના ઉંડાણ અને સંવેદનશીલતા માટે ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.

“દસ્તક” ફિલ્મમાં એક સંઘર્ષશીલ કલાકાર તરીકેની તેમની ભૂમિકા માટે શ્રેષ્ઠ અભિનેતાનો સૌપ્રથમ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળ્યો હતો.‘અંગૂર’માં ડબલ રોલ સાથે તેમનું કોમિક ટાઇમિંગ પ્રસંશનીય હતું. શેક્સપીયરની “ધ કોમેડી ઓફ એરર્સ” પરથી આ ફિલ્મ બની હતી.

સ્ટાર બની ગયા છતાં પણ તેમણે ક્યારેય સહાયક ભુમિકા ભજવવાનો ઈન્કાર નહતો કર્યો. તેમણે જયા બચ્ચનના સસરા,પ્રેમી,પિતા,અને પતિની ભૂમિકાઓ બજાવી હતી.

જ્યારે લેખક સલીમખાને તેમના સમકાલીન અમિતાભ બચ્ચન અને શશિકપૂરના પિતાની ભૂમિકા ‘ત્રિશૂલ’માં નિભાવવાનો આગ્રહ કર્યો તો તેમણે અચકાયા વિના આ ભૂમિકા કરી અને એવી શાનદાર ઢંગથી નિભાવી કે તેમને જ કેન્દ્રિય પાત્ર માની લેવામાં આવ્યાં હતાં.સંજીવકુમારની ૧૦ ફિલ્મો તેમના નિધન બાદ રિલીઝ થઈ હતી. ૧૯૯૩માં આવેલી ‘પ્રોફેસર કી પડોસન’ તેમની છેલ્લી ફિલ્મ હતી.

સંજીવકુમારને તેમની સમગ્ર કારકિર્દી દરમિયાન અસંખ્ય પુરસ્કારો મળ્યાં હતાં. જેમાં શ્રેષ્ઠ અભિનેતા માટે બે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો અને અનેક ફિલ્મફેર પુરસ્કારો સામેલ છે.

તેમણે પોતાના લગભગ ૨૫ વર્ષ લાંબા ફિલ્મી કેરિયરમાં ૧૫૦થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો. ઈ.સ ૧૯૭૧માં ‘દસ્તક’ અને ૧૯૭૩માં ‘કોશિશ’ ફિલ્મને માટે તેમણે સર્વશ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો. આ સિવાય તેમણે ત્રણ ફિલ્મફેયર પુરસ્કારોથી પણ સન્માનિત કરવામાં આવ્યાં જેમાં ‘શિખર’ને માટે સર્વશ્રેષ્ઠ સહાયક અભિનેતાનો અને ‘આંધી’ અને ‘અર્જુન-પંડિત’ને માટે સર્વશ્રેષ્ઠ અભિનેતાના સન્માનનો સમાવેશ થાય છે. કળા પ્રત્યેના તેમના સમર્પણ અને વિવિધ ભૂમિકાઓમાં પોતાને ઢાળવાની ક્ષમતાએ તેમને તેમના સમયના શ્રેષ્ઠ અભિનેતાઓમાંના એક બનાવ્યાં. વર્ષ ૨૦૧૩માં ભારતીય ટપાલ વિભાગ દ્વારા તેમના માનમાં ટપાલ ટિકિટ જારી કરવામાં આવી હતી.

તેઓ કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓ ખાસ કરીને હૃદયની સમસ્યાથી પીડાતાં હતાં.જેના કારણે ૬ નવેમ્બર,૧૯૮૫ના રોજ ૪૭ વર્ષની વયે મુંબઈમાં તેમનું અકાળે અવસાન થયું હતું.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution