નવી દિલ્હી:રિઝર્વ બૅંક ઑફ ઇન્ડિયાના નવા ગવર્નર પદે રેવન્યુ સેક્રેટરી સંજય મલ્હોત્રાની નિમણૂક કરાઇ છે. કેન્દ્રીય કેબિનેટની કમિટી દ્વારા સંજય મલ્હોત્રાની આરબીઆઇના ગવર્નર તરીકે નિમણૂક કરાઇ છે. તેઓ ૧૧ ડિસેમ્બરના રોજ આગામી ત્રણ વર્ષ માટે ગર્વનર તરીકેનો કાર્યભાર સંભાળશે. સંજય મલ્હોત્રા સામે ફુગાવાને નિયંત્રિત કરવા અને સ્થિર આર્થિક વૃદ્ધિ સુનિશ્ચિત કરવાના બે પડકાર છે.
મલ્હોત્રાની ગણતરી નરેન્દ્ર મોદીના નજીકના અધિકારીઓમાં થાય છે. રેવન્યુ સેક્રટરી સંજય મલ્હોત્રા રાજસ્થાન કેડરના ૧૯૯૦ બેચના આઇએએસ અધિકારી છે. તેમણે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી, કાનપુરમાંથી કોમ્પ્યુટર સાયન્સમાં બેચલર ઓફ એન્જિનિયરિંગની ડિગ્રી અને પ્રિન્સટન યુનિવર્સિટી, યુએસએમાંથી પબ્લિક પોલિસીમાં માસ્ટર ડિગ્રી મેળવી છે. ૩૩ વર્ષથી વધુની કારકિર્દીમાં સંજય મલ્હોત્રાએ પાવર, ફાઇનાન્સ અને ટેક્સેશન, ઇન્ફર્મેશન ટેક્નોલોજી, ખાણો વગેરે સહિતનાં વિવિધ ક્ષેત્રોમાં કામ કર્યું છે.