લોકસત્તા ડેસ્ક
દિવાળીના તહેવારોની ઊજવણી થઈ રહી છે ત્યારે ફટાકડા ફોડતા ઉજવણીની મજા ક્યાંક સજા ના બની જાય તે જોવું જરૂરી છે. તમારા માટે કોરોનાથી બચાવનારું સેનિટાઈઝર તમારા માટે ઘાતક બની શકે છે જેથી કેવીરીતે ફટાકડા ફોડતા ધ્યાન રાખવુ આવશ્યક છે. કોરોનાના કારણે લોકો સેનેટાઈઝરનો વિશેષ ઉપયોગ કરતાં થયાં છે પણ ફટાકડા ફોડતી વખતે સેનેટાઈઝર જોખમી પૂરવાર થઈ શકે છે.
નિષ્ણાતોનું ચેતવણી આપતાં કહે છે કે, સેનેટાઈઝર કોરોનાથી બચાવે પણ દિવા કે ફટાકડાથી દઝાડે નહીં તે ધ્યાન રાખજો. ખાસ કરીને બાળકોની વિશેષ સંભાળ જરૂરી છે. કોરોના સામે તકેદારી માટે ઉપયોગમાં લેવાતા સેનેટાઈઝરમાં 70થી 90 ટકા આલ્કોહોલ હોય છે. હાથમાં લગાવવામાં આવતું સેનેટાઈઝર મિનિટો સુધી હાથ પર રહે છે. આલ્કોહોલ એવું દાહક છે કે અગ્નિના થોડા જ સંસર્ગથી સળગી ઉઠે છે.
આ સંજોગોમાં સેનેટાઈઝર લગાવ્યાં પછી આલ્કોહોલની અસર હાથ ઉપર લાંબો સમય સુધી રહે છે. સામાન્યત: બહાર નીકળતી વખતે લોકો વિશેષ પ્રમાણમાં સેનેટાઈઝર લગાવીને કોરોનાથી બચવાનો પ્રયાસ કરે છે. પણ, દિવાળીમાં ફટાકડા ફોડતી વખતે સેનેટાઈઝર જોખમી પૂરવાર થઈ શકે છે.
સેનેટાઈઝર લગાવીને તરત જ તારામંડળ, બપોરિયાં જેવા હાથમાં ફોડી શકાય તેવા ફટાકડા ફોડવાનું જોખમ કોઈ સંજોગોમાં લેવું હિતાવહ નથી. એ જ રીતે વધુ સેનેટાઈઝર લગાવ્યું હોય ને તરત જ દિવો પ્રગટાવવા દિવાસળી ચાંપવામાં આવે ને થોડી તકેદારી ન રખાય તો દાઝી જવાનો ભય રહે છે.
ફટાકડા ફોડતી વખતે આ સાવચેતી રાખવી
• ફટાકડા વડીલોની હાજરીમાં જ ફોડવા જોઈએ,
• હંમેશાં ખુલ્લા મેદાનમાં ફટાકડા ફોડવા, ઘરમાં નહીં, ગેલેરીમાં પણ નહીં.
• કોઠી સળગાવતી વખતે તેના પર નમીને સળગાવવી નહીં.
• રોકેટ, હવાઈ જેવા ઊંચે ઊડતા ફટાકડા ખુલ્લા મેદાનમાં ઊભા રાખીને
• સળગાવવા. તેમને આડા, ત્રાંસા કે હાથમાં રાખીને સળગાવવા નહીં
• એક સાથે ઢગલાબંધ ફટાકડા ન ફોડતાં એક પછી એક ફોડવા,
• બોમ્બ કે મોટાં ટેટાં જેવાં જોરથી ધડાકા કરતા ફટાકડાને બીમાર, વૃદ્ધ અને બાળકોથી દૂર રાખી ફોડવા,
• ફટાકડા ફોડતી વખતે ખૂલતાં પોલિએસ્ટરના કપડાં ન પહેરવા. ચુસ્ત, જાડા ને સુતરાઉ કાપડનાં કપડાં જ પહેરવાં,
• જ્યાં ફટાકડાં ફોડતા હો, ત્યાં પાણીની એક બે બાલદી ભરી રાખવી, બધા ફટાકડાનો એક જ જગ્યાએ ઢગલો ન કરતાં તેમને દૂર તેમજ સુરક્ષિત જગ્યાએ રાખો
• બોમ્બ જેવા ફટાકડા પર ડબ્બા કે માટલા જેવી વસ્તુઓ મૂકીને ન ફોડવા તેનાથી ઈજા થવાનો ભય વધુ રહે છે,
• બીજી તકેદારી દિવાળી દરમિયાન સેનેટાઈઝરની પ્લાસ્ટીક બોટલની સાચવણીની છે. અનેક વખત એવું બને છે કે, સેનેટાઈઝરની પ્લાસ્ટીક બોટલ મહિલાઓ ગમે ત્યાં મુકી દે છે. ખાસ કરીને દિવાળીના સમયગાળામાં દિવા કે ગેસ આસપાસ મુકી દે છે. અગ્નિ પ્રજવળતો હોય ને લાંબો સમય બોટલ રાખવી જોખમી થઈ શકે છે.