કુલધરા અને શામ ડ્યૂન્સનાં રેતીનાં ડુંગરો

જેસલમેર આવવાનું મુખ્ય આકર્ષણ શામ ડ્યુન્સ છે. જેસલમેર શહેરથી ૪૨ કિ.મી. દૂર પ્રખ્યાત શામ ડ્યુન્સ એટલે કે રેતીના ડુંગરો પર જવા માટે એક કાર બુક કરી.

કુલ પેકેજ માટે હંમેશા ભાવતાલ કરવા પડે છે. છેલ્લા દિવસે એક રીક્ષા સેમ ડ્યુન્સ તથા આસપાસના સ્થળોએ ૪૫૦ રૂપિયામાં આવવા તૈયાર હતી ! જીપો ભાડું વધુ વસૂલ કરે છે.મેં ૪૦ કિ.મી.આવવા જવા એસી કાર બુક કરાવી. રણમાં ઊંટોની સવારી, ડ્યુન્સ અને સનસેટ પોઇન્ટ સુધી, નજીકના રિસોર્ટ પર ડાન્સ પ્રોગ્રામ, રાત્રી ભોજન વગેરે માટે સનસેટ પોઇન્ટ અને ફરી પાછા- આટલું ૩૫૦૦ રૂપિયામાં હોટેલ દ્વારા નક્કી કર્યું.

ખેર, હોટેલથી સાંજે ૪ વાગ્યે શરૂઆત કરી ૧૭ કી.મી. દૂર સુધી પહોંચી એક ગામ જે ભૂતિયા ગામ તરીકે ઓળખાતું તે કુલધરા પહોંચ્યાં. કહેવાય છે કે ૧૭મી સદીમાં એક દીવાનને સુંદર કન્યાઓ ઉઠાવી જવાની ખરાબ આદત હતી. અને એટલી બધી ચારણ જ્ઞાતિની કન્યાઓનું અપહરણ થયેલું કે તેઓની વસ્તી સ્થળાંતર કરી ગઈ, અને તેમનો શાપ સામ્રાજ્યના પતનને નોતરી ગયો. આખું ગામ માનવરહિત છે. બધા ઘરો ખાલી છે અને છતાં પણ હજુ અકબંધ હાલતમાં છે. એક દેરાસર દૂર ચોરી જવાયેલા દેવતા સાથે ખંડેર હાલતમાં હતું .

તેઓ કહે છે કે અહીં કોઈ સૂર્યાસ્ત પછી રહી શકતું નથી અને જાે રહેવા પ્રયત્ન કરે છે તો તેની કોઈ નિશાની પછીના દિવસે જાેવા મળતી નથી. સરકારે સાંજે ૬ વાગ્યા પછી પ્રવેશ નિષેધ ફરમાવ્યો છે. સેન્ડ ડ્યુન્સ થી ૫ કી.મી. દૂર કાર ઉભી રહી અને શરુ થઇ ઊંટ સવારી.

ફિલ્મોમાં બતાવવામાં આવતા વિશાળ રેતીના મેદાનોમાં રેતીના ડુંગરો પર તેઓ લઇ ગયા. ઊંટ દ્વારા સીધા ઢોળાવ વાળી ટેકરીઓના ચઢાવ ઉતાર પાર કર્યા. રેતી સાંજે સૂર્યપ્રકાશમાં સુવર્ણ જેવી ચમકતી હતી.ખૂબ સુંવાળી અને કરકરી હતી. સમુદ્ર કિનારા પરની રેતીથી વિપરીત. સમુદ્રી રેતી એકદમ ઝીણી, શરીર સાથે ચોંટી જાય એવી હોય છે. આને તો ખંખેરો એટલે અવશેષ પણ ન રહે. સોના જેવી ચમકતી, હાથની મુઠ્ઠી ભરી નીચે ઢોળી શકાય એવી. અહીં તમે ગોળ ગોળ આળોટી પણ શકો છો અને એ પણ તમારા જીન્સના પેન્ટ પર રેતી ચોંટ્યા વિના.

૧૦ જુલાઈએ સાંજે છેક ૭-૪૦ વાગે સૂર્યાસ્ત જાેયો! આ છેક પશ્ચિમે આવેલું સ્થળ હોઈ સૂર્યાસ્ત ઘણો મોડો થાય છે.

પરંતુ હજુ પણ આશ્ચર્ય થયું. શા માટે આશરે ફક્ત અર્ધો કી.મી. વિસ્તારમાં જ આ રેતીના ટેકરાઓ હતાં? નક્કર જમીનથી ઘેરાયેલા, ક્યાંક ક્યાંક દેખાતાં ઘાસ સાથેની જમીન વચાળે હતાં? આસપાસ બીજે ક્યાંય કેમ નહીં? રેતી તો કદાચ સાગમટે ટ્રેકટરો દ્વારા રણમાંથી ૫૦ કી.મી. દૂરથી લાવીને અહીં ઠાલવીને કોઈ પણ આવા સુનિશ્ચિત, કાપ્યા હોય એવા ઢોળાવો ઉભા કરી શકે.

આશા રાખું તે પ્રવાસીઓના પૈસા કમાવા માટેની યુક્તિ નથી અને ખરેખર રેતીના કુદરતી ડુંગરો છે. કારણ એ કે ટ્રાવેલ પુસ્તકો દ્વારા કહેવામાં આવ્યું છે તે મુજબ એ બધા ૧૦૦ વર્ષ જૂના, પવન દ્વારા બનાવવામાં આવેલા ટેકરાઓ છે. પરંતુ એમ હોય તો એના આકાર એક સરખા કેમ હોઈ શકે? અને એ પણ એટલા જ વિસ્તારમાં? પરંતુ હવે આવ્યા એટલે બધું વિચારવાનું છોડી આનંદ માણ્યો.

લોકો જેસલમેરની હોટેલના પૈસા પણ ભરે અને ત્યાં નાઈટ શો પણ જુએ, ત્યાં રહી ડબલ પૈસા ભોગવે અથવા પૈસા ભરી શો અને ડિનર જતું કરે. મેં તો નક્કી કર્યું કે જેના પૈસા ખચ્ર્યા છે એ ડીનર અને એ શો બંને એટેન્ડ કરીને જ જવું.

પૂર્ણિમાના સંપૂર્ણ ચંદ્ર પ્રકાશ સાથે નૃત્ય શો રજૂ થયો જે ખરેખર ઉત્તમ હતો. નૃત્યાંગનાએ આંખની ભમરો દ્વારા વીંટી ઉપાડી લીધી. તેના ઝડપી ઘુમતા ચણીયાથી સંપૂર્ણ વર્તુળાકાર કર્યો. મોરની કળાઓ કરી. ઍરોબિક જેવી ટ્રિક્સ પણ કરી અને ઢોલના ધબકારા પર ખૂબ ધીમીથી ખૂબ જ ઝડપી ગતિએ નાચી. ત્યારબાદ ઢોલ અને કરતાલના અદભુત તાલમેલનો શો થયો. યુવાન લોકોએ અચાનક ઝડપી અને અચાનક બંધ થતા ઢોલના ધબકારાના સૂર સાથે નૃત્યમાં સાથ પુરાવ્યો.

મારે ૪૦ કિ.મી. પાછા જવા હતું અને ડ્રાઈવર આવી ગયો. તે ખૂબ ઉતાવળમાં હતો. એના આગ્રહથી ન છૂટકે અમે શો અધૂરો મૂકી નીકળી ગયાં ડીનર લેવા.

રાત્રિ ભોજનમાં દાલબાટી, શુદ્ધ ઘી સાકરનું ચૂરમું, લાક્ષણિક રાજસ્થાની રોટી, પંચ દાળ સાથે એમની સબ્જી હતાં.

જેસલમેર જવા ડ્રાઇવર પૂર ઝડપે રવાના થયો. રસ્તો વળતાં આખો સુમસામ હતો. માત્ર બે ત્રણ લશ્કરી ટ્રકો જ મળેલી.

આખરે સાવ એકાંત રસ્તે મુસાફરી કરી જેસલમેર પહોંચ્યાં એટલે ડ્રાઈવરે આકાશ સામે હાથ જાેડયા.

સલામત પહોંચવા બદલ ડ્રાઈવરના આગ્રહ પર એક ગુલ્ફીની દુકાન પર ગયાં. માવા કુલ્ફી પાંદડા પર સર્વ કરી હતી. ફોર્ટ ઉપરથી જાેતાં જેસલમેરનાં ઘરો ફોર્ટ નીચેથી તારાઓ જેમ ટમટમતાં દેખાતાં હતાં. હોટેલની ટેરેસ પરથી ચાંદનીમાં નહાઇ રહેલું શહેર અને કિલ્લો જાેયાં.

ગાઈડે કહ્યું કે રાત્રીના ૧૦ વાગે એ રસ્તેથી પસાર થતા એને ડર લાગતો હતો કેમ કે કુલધારા નજીક ઘણાને ભુતાવળના અનુભવો થયેલાં. એની દસ વર્ષની ટુરિસ્ટ ગાઈડ તરીકેની કારકિર્દીમાં એ પહેલી વખત આ સમયે એ રસ્તે પાછો ફરેલો! હવે મને એનાં ટેન્શન કારણ સમજાયું.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution