મુંબઇ
બિગ બોસ 6', 'જય હો'માં કામ કરી ચૂકેલી એક્ટ્રેસ સના ખાને ઝાયરા વસીમની રાહ પકડી લીધી છે. સનાએ શો બિઝનેસ છોડી દીધો છે. આ વાતની જાણકારી તેણે સોશિયલ મીડિયા મારફતે શેર કરી. સનાએ લાંબી પોસ્ટ મારફતે લખ્યું કે તે માનવતાની સેવા કરશે અને પોતાના નિર્માતા એટલે કે અલ્લાહના આદેશનું પાલન કરશે.
સનાએ આ પોસ્ટ રોમન, અંગ્રેજી અને અરબીમાં લખી છે. તેણે લખ્યું કે, 'ભાઈઓ તથા બહેનો. આજે હું મારી જિંદગીના એક મહત્ત્વના પડાવ પર તમારી સાથે વાત કરી રહી છે. હું વર્ષોથી શો બિઝની જિંદગી જીવી રહી છું અને આ સમયમાં મને દરેક પ્રકારનો ફેમ, ઈજ્જત અને પૈસો મારા ફેન્સ પાસેથી નસીબ થયો જેના માટે હું આભારી છું. પરંતુ હવે થોડા દિવસથી એ વિચાર મારા પર હાવી થઈ ગયો છે કે માણસનો દુનિયામાં આવવાનો હેતુ શું માત્ર એ જ છે કે તે પૈસા અને નામ કમાય? શું તેની આ જવાબદારી નથી કે તે પોતાની જિંદગી તે લોકોની સેવામાં પસાર કરે જે નિરાધાર અને બેસહારા છે?
શું માણસે એ ન વિચારવું જોઈએ કે તેનું મૃત્યુ ક્યારેય પણ આવી શકે છે? અને મૃત્યુ બાદ તે શું બનવાના છે? આ બે સવાલના જવાબ, હું ઘણા સમયથી શોધી રહી છું. ખાસ કરીને આ બીજા સવાલનો જવાબ કે મર્યા પછી મારું શું થશે. આ સવાલનો જવાબ મેં જ્યારે મારા ધર્મમાં શોધ્યો તો મને ખબર પડી કે દુનિયાની આ જિંદગી હકીકતમાં મર્યા પછીની જિંદગીને બેટર બનાવવા માટે છે. અને તે આનાથી સારી હશે.
માટે આજે હું આ જાહેર કરું છું કે આજથી હું મારી શો બિઝ લાઈફ છોડીને માણસાઈની સેવા અને મને પેદા કરનારાના હુકુમ પર ચાલવાનો નિર્ણય લઉં છું. તમામ ભાઈઓ અને બહેનોને વિનંતી છે કે તેઓ મને શો બિઝના કોઈપણ કામ માટે આમંત્રણ ન આપે. ખૂબ ખૂબ આભાર.
સના ખાને 2005માં હિન્દી ફિલ્મ 'યહી હૈ હાઈ સોસાયટી'થી એક્ટિંગ ડેબ્યુ કર્યું હતું. ત્યારબાદ તે ઘણી હિન્દી, મલયાલમ, તમિળ, તેલુગુ અને કન્નડ ફિલ્મોમાં દેખાઈ હતી. ત્યારબાદ તે બિગ બોસ અને ફીઅર ફેક્ટર જેવા રિયાલિટી શોમાં પણ સામેલ થઇ હતી.સના પહેલાં 'દંગલ' ફેમ ઝાયરા વસીમે પણ જૂન 2019માં ફિલ્મ ઇન્ડસ્ટ્રીને અલવિદા કહી દીધું છે. આ માટે તેણે પણ ધર્મને જ કારણ ગણાવ્યું હતું.