સંભલ કે રહના અપને ઘર મેં છીપે હુએ ગદ્દારોં સે

આઝાદીની પૂર્વસંધ્યાએ ક્ષિતિજ ઉપર એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે બાંગ્લાદેશમાં જે થયું એ જ આવનારા સમયમાં ભારતમાં થઈ શકે છે. નેતૃત્વ મજબૂત છે એની ના નથી. તેમ છતાં વિદેશી તાકાતો દેશને છિન્નભિન્ન કરવા માટે યોગ્ય સમયની રાહ જાેઈને તૈયાર બેઠી છે. દેશના તમામ નાગરિકોએ સાવધ રહેવાની જરૂર છે. આવનારા બારથી અઢાર મહિના દેશ માટે બહુ જ ખતરનાક સાબિત થઈ શકે છે. જાે દેશના નાગરિકો ગફલતમાં રહેશે અને થોડી પણ સાવધાની હટાવશે તો ભારતના નાગરિકોએ લૂંટાવા માટે અને દેશમાં અરાજકતા અને અંધાધૂંધી ફેલાય એ જાેવા માટે તૈયાર રહેવું પડશે એનું દરેક નાગરિકોએ ધ્યાન રાખવું જ રહ્યું.

આથી જ મને આજે ૧૯૫૮માં કવિ પ્રદીપે લખેલા અને મન્નાડેએ ગાયેલા શબ્દો યાદ આવી રહ્યાં છે. એ શબ્દોમાં થોડા ફેરફાર કરીને જાેઈએ –‘બ્યુગુલ બજ રહા હૈ અરાજકતા કા – ગગન ગુંજતા નારોં સે – એ ભારત માતા કે બેટો – સુનો સમય કી બોલી કો – ફૈલાતી જાે ફૂટ યહાં પર – દૂર કરો ઉસ ટોલી કો – કભી ન જલને દેના ફીર સે – ભેદભાવ કી હોલી કો – સંભલ કે રહના અપને ઘર મેં છીપે હુએ ગદ્દારોં સે’. આજે ૨૦૨૪માં પણ આવો જ સમય ચાલે છે. પડોશી હેરાન પરેશાન થઈ ગયા છે. હવે તેઓ આપણા દેશમાં ફરતાં થઈ રહ્યા છે. આપણા ઘરમાં જ રહેલા આવા ગદ્દારોથી સાવધાન રહેવાનો આ સમય છે. કારણ કે‘ડાર્ક ડેટા નેરેટિવ’ લઈને ફરી રહેલી પિંઢારાઓની ટોળીઓ દેશને છિન્નભિન્ન કરવા માટે ટાંપીને બેઠી છે.

ચોકલેટની લાલચ આપીને કલ્લી પડાવી લેનાર ‘ડાર્ક ડેટા નેરેટિવ’ પિંઢારાઓના ટોળાંએ આપણા દેશમાં પણ ફરવાનું શરૂ કરી દીધું છે. આ ટોળાં દેશના નાગરિકોને તેઓના પ્રાંત અનુસાર મન બહેલાઈ જાય એવી મનલુભાવન વાતો કરી રહ્યાં છે. કાનને આનંદ આપે અને મન તરબતર થઈ જાય તેવાં વચનો આપી રહ્યાં છે. તેઓ જુસ્સો ચડાવે તેવા અને મનને લલચાવે તેવા ખોટા આંકડાઓ આપીને પ્રાંત આધારિત નાગરિકોને તૃપ્ત કરવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. તેઓ એવું જણાવે છે કે તમને તો એવું જ થાય કે તમારા કલ્યાણ માટે જ ‘ડાર્ક ડેટા નેરેટિવ’ પિંઢારાઓના ટોળાં પૃથ્વી પર પધાર્યા છે.

દેશના ભોળા નાગરિકો, યાદ રાખજાે અને ધ્યાન રાખજાે. ‘ડાર્ક ડેટા નેરેટિવ’ પિંઢારાઓ ટોળાંમાં નીકળશે અને નારેબાજી કરશે. તેઓ તમને સમજાવશે, પટાવશે, મનાવશે. તેઓ તમને ડરાવશે, ભડકાવશે, ભરમાવશે. તેઓ તમને લાલચ આપશે, વચન આપશે, આશ્વાસન આપશે તથા હૈયાધારણ આપશે. તેઓ રૂબરૂ આવશે. તેઓ યાત્રા સ્વરૂપે આવશે. તેઓ રેલી સ્વરૂપે આવશે. તેઓ સોશિયલ મીડિયા થકી આવશે. તેઓ યુટ્યુબ મારફતે આવીને કાનમાં ઝેર રેડશે. તેઓ પોતપોતાના ગુણગાન ગાશે અને તમને ગવડાવશે. તેઓ તમને ખવડાવશે, પીવડાવશે, ખાતીરદારી કરશે તથા ખિદમત કરશે.

તેઓ તમને ખંખેરશે, લૂંટશે, છેતરશે. તેઓ ધજા પતાકા લઈને આવશે, તમને આકર્ષવા, તમને રીઝવવા. આ આવનારા ‘ડાર્ક ડેટા નેરેટિવ’ ટોળાંઓને ખાતરી છે કે તમે ભરમાઈ જશો. અફઘાનિસ્તાનમાં, મ્યાનમારમાં, પાકિસ્તાનમાં, શ્રીલંકામાં અને છેલ્લે બાંગ્લાદેશમાં તેઓ ફરી રહ્યાં અને ધાર્યું કરાવીને દેશને અણધાર્યું નુકશાન કરાવી ગયા છે. તમારે આવનારા બારથી અઢાર મહિના સાવધ રહેવાની જરૂર છે. સાવચેત રહેવાની જરૂર છે. સાબદા રહેવાની જરૂર છે. આવું એટલે કહેવું પડે છે કે ભરમાઈ જવાની તમારી આદત છે એવું તેઓ માને છે અને જાણે છે. ભરમાઈ જવાનો તમારો ઇતિહાસ છે જે સતત રિપીટ થતો રહે છે.

૭૭ વર્ષમાં તેમણે ઘણા નુસખાઓ શોધી કાઢ્યા છે, અભ્યાસ કરી લીધો છે, કયો કારસો કારગત નીવડશે અને કયો નહીં નીવડે તેની તેમને ચોક્કસ જાણકારી છે. તેમણે તમારી મતદાન કરવાની પેટર્નનો વર્ષો સુધી સ્ટડી કર્યો છે. તમારી લાગણી કઈ રીતે ઉશ્કેરી શકાય, જાતિવાદના તમારા અહમને કઈ રીતે ટકોરો મારી શકાય, તમારામાં કોમવાદના નાગને કેવી રીતે ડોલાવી શકાય, કેવાં પ્રલોભન આપી શકાય તે આ ‘ડાર્ક ડેટા નેરેટિવ’ના ટોળાંઓ સુપેરે જાણે છે. એટલે જ કદાચ ૧૯૫૮માં કવિ પ્રદીપ લખી ગયા કે ‘સારી બસ્તી જલ જાતી હૈ – મુઠ્ઠીભર અંગારોં સે – સંભલ કે રહના અપને ઘર મેં છીપે હુએ ગદ્દારોં સે’.

‘ડાર્ક ડેટા નેરેટિવ’નો ઉદ્દેશ એક જ હશે, કોઈ પણ ભોગે તેમનું માનનારાઓને સત્તા સુધી પહોંચાડવા. એના માટે દેશનું જે થવું હોય તે થાય. એના કારણે જ તેઓ તમને નમસ્કાર કરશે અને પછી ડોળા કાઢશે. શરૂઆતમાં તમારા ચરણોના દાસ હોય એવું વર્તન કરશે અને પછી જંગલી રાજાની જેમ વર્તન કરવાનું શરૂ કરશે.

આથી જાે તમને તમારી જ્ઞાતિ-જાતિ પ્રમાણે વહેંચવાની કોશિશ કરે તો સાવચેત થઈ જજાે. તમે વર્ષોથી જ્ઞાતિ-જાતિની વોટબેન્ક તરીકે વર્તતા આવ્યા છો. તમે એ બધા માટે એક વોટબેન્કછો, કોઈ ચોક્કસ જ્ઞાતિ છો, કોઈ જૂથ છો. યાદ રાખજાે, તેઓ તમને મતદાર સમજે છે, મત સમજે છે, મતબેન્ક સમજે છે, પણ નાગરિક નથી સમજતા. તેઓ તમને ભાષણો સંભળાવશે. સૂત્રો સંભળાવશે. જિંગલ સંભળાવશે.ગીતો સંભળાવશે, પણ સત્ય નહીં સંભળાવે. તેઓ તડાં પડાવશે, ભાગલા પડાવશે, જુદા કરશે, નોખા ચોકા કરશે, કોઠા કબાડા કરશે, ષડ્યંત્રો રચશે, ગુપ્ત બેઠકો કરશે, વ્યૂહો ઘડશે, રહસ્યો સર્જશે, માયાજાળ રચશે, ભેદભરમ ઊભા કરશે, પણ તમને ખૂલીને કશું કહેશે નહીં. આવું થાય તો સાવધ થઈને એકજુથ થઈ જજાે. એમનો નીડરતાથી સામનો કરજાે.

‘ડાર્ક ડેટા નેરેટિવ’ આપણા દેશને છિન્નભિન્ન કરવા માટે ટાંપીને બેઠા છે. આમાં એક નહીં, બે નહીં પણ ત્રણ ત્રણ ટોળી પિંઢારાની મેદાને ઉતરી છે. પિંઢારાની ત્રીજી ટોળી ક્યારેય પોતે જીતવા માટે લડતી નથી, પેલા બેમાંથી એકને મદદ કરવા માટે જ લડતી હોય એવો દેખાવ કરતી હોય છે. તે છદ્મવેશમાં એકનો મિત્ર અને બીજાનો શત્રુ હોય છે એટલે જાે તમારી સામે ત્રણ આવે તો જરા વધુ ચેતી જજાે. જાે એ ત્રીજાે તમને સમજાવે કે તેણે તો તમારા ભલા માટે ભેખ લીધો છે અને તમને મદદ કરવા માટે ફના થઈ જવા તૈયાર છે તો સાવધ થઈ જજાે.

‘ડાર્ક ડેટા નેરેટિવ’ અંતર્ગત રાષ્ટ્રવિરોધી પિંઢારાઓના ટોળાં કાવતરું ઘડી ખોટી વાર્તા ફેલાવી રહ્યા છે કે ભારતમાં પણ પાડોશી દેશ (બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને શ્રીલંકા) જેવી ઘટનાઓનું પુનરાવર્તન થશે. પિંઢારાઓના ટોળાંના નેતાઓ જવાબદાર હોદ્દા પર રહી ચૂક્યા છે તો પછી તેઓ આવા બેજવાબદાર નિવેદન કેવી રીતે આપી શકે? હકિકતમાં તેમને જ આવું કરવામાં રસ છે. આવી રાષ્ટ્રવિરોધી શક્તિઓ દેશને તોડવા માટે દરેક પળે તૈયાર રહે છે અને દેશના વિકાસને પાટા પરથી ઉતારવા માંગે છે એ હવે સ્પષ્ટ થતું જઈ રહ્યું છે. ત્યારે દેશના નાગરિકો માટે કવિ પ્રદીપના શબ્દો જ યથાર્થ છે કે ‘સંભલ કે રહના અપને ઘર મેં છીપે હુએ ગદ્દારોં સે’.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution