મુંબઇ
સલમાન ખાનની ફિલ્મ 'રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ'ની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી. સલમાને અગાઉ વચન આપ્યું હતું કે તે આ ફિલ્મને ઈદ પર રિલીઝ કરશે. 'ભાઈજાને' પોતાનું વચન પાળ્યું છે. 'રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ' આ વર્ષે ઈદ પર રિલીઝ થવાની છે અને સલમાને શનિવારે તેની રિલીઝ ડેટ પણ જાહેર કરી છે.
સલમાને ફિલ્મ 'વોન્ટેડ'નો પોપ્યુલર ડાયલોગ લખીને ફિલ્મનું નવું પોસ્ટર અને રિલીઝ ડેટની જાહેરાત કરી છે. સલમાને કહ્યું કે, તેણે ફેન્સને વચન આપ્યું હતું કે, ઈદ 2020માં 'રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ' રિલીઝ થશે. પરંતુ મહામારીના કારણે ન થઈ શકતો 2021ની ઈદ પર સલમાન 'રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ' લઈને આવી રહ્યો છે.
સલમાને ફિલ્મનું પોસ્ટર અને તારીખ શેર કરતાં લખ્યું, "ઈદની કમિટમેન્ટ હતી અને ઈદ પર જ આવીશું કારણકે એકવાર જો મેં...." સાથે જ હેશટેગ સાથે સલમાને જણાવ્યું છે કે 'રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ' 13 મેના રોજ રિલીઝ થશે.
જણાવી દઈએ કે, આ ફિલ્મમાં સલમાન ઉપરાંત દિશા પટણી, જેકી શ્રોફ અને રણદીપ હુડા જેવા કલાકારો પણ મહત્વના રોલમાં છે. સલમાન ખાન ફિલ્મ્સના પ્રવક્તાએ જણાવ્યું, "સલમાન ખાન અને ઈદનું સ્પેશિયલ કનેક્શન છે. સલમાન ખાન ફિલ્મ્સ ખુશ છે કે અમે 'રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ' દ્વારા આ પરંપરા ચાલુ રાખી શક્યા. સલમાન ખાનની ફિલ્મો તાળીઓ, ચીસો, સીટી અને હાઉસ ફુલ બોર્ડ માટે જાણીતી છે ત્યારે આ માહોલ પાછો આવશે તેવી અપેક્ષા છે. અમે ઝી સ્ટુડિયોઝ સાથે કોલાબ્રેશન કરીને ખુશ છીએ અને સાથે મળીને અમે દરેક દર્શક સુધી પહોંચવા માગીએ છીએ. તો દર્શકો પણ આ ફિલ્મને પૂરતી સુરક્ષા સાથે માણશે તેવી આશા છે."
થિયેટરો ખુલી જતાં દિશા પટણી પણ ખૂબ ખુશ છે. અગાઉ દિશાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું- "રાધે થિયેટરોમાં રિલીઝ થશે અને હું ખૂબ ઉત્સાહિત છું કે ઓડિયન્સ ફિલ્મની એક્શન અને મસ્તી મોટી સ્ક્રીન પર નિહાળી શકશે. હું ખૂબ કૃતજ્ઞ છું અને રિલીઝની રાહ જોઈ રહી છું. હું લોકોને વિનંતી કરીશ કે સુરક્ષિત રહેજો અને થિયેટરમાં જતી વખતે તમામ પ્રકારના જરૂરી પગલાં લેજો."